ઉંચા વિચાર,શેરો ને ફિલસૂફી જીવનની
કંઈ કેટલું દઈ ગઈ પળવારની ઉદાસી
વિરલ દેસાઈ

સોરઠા – ઉદયન ઠક્કર

જોગી બેઠો આસને, જાગ્રત કરવા પ્રાણ
એમાં થઈ મોકાણ : ઊલટાનો પગ સૂઈ ગયો

*

છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું

*

લખચોરાશી ચૂકવી લીધેલું આ પાત્ર,
ભરશે એમાં માત્ર પાણી તું સુધરાઈનું ?

*

કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો

– ઉદયન ઠક્કર

બે લીટીમાં નટખટ  ફિલસૂફીને વણી લેતા રમતિયાળ સોરઠા તરત જ ગમી જાય એવા છે.  સૂક્ષ્મ વિનોદદ્રષ્ટિ અને શબ્દોનો ચબરાક ઉપયોગ એક ક્ષણમાં જ સ્મિત-વિજય કરી લે છે.

15 Comments »

  1. ઊર્મિ said,

    February 25, 2009 @ 10:45 PM

    આનું નામ તો ‘ચાબખા’ હોવું જોઈએ… 🙂

  2. pragnaju said,

    February 25, 2009 @ 10:51 PM

    ચારેચાર રમુજી શેરમા આ શેર વધુ ગમ્યો
    લખચોરાશી ચૂકવી લીધેલું આ પાત્ર,
    ભરશે એમાં માત્ર પાણી તું સુધરાઈનું ?
    લખચોરાશી ફેરા,
    એક એક આ ભવમાં મેં તો તાણ્યા તંબુ-ડેરા.
    કાળનો વ્હેતો રહે કાફલોઃ
    એનો હું વણજારો છું.
    ગંમતમા જીવનની ગહન વાત પણ કહી !
    અધ્યાત્મનો પ્રત્યેક વિષય બુદ્ધિની ક્ષમતાની બહારનો છે. જો કે બુદ્ધિથી ભૌતિક જગતને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન કરનારા મોટા મોટા વૈજ્ઞાનિકો પણ કબૂલ કરે છે કે ભૌતિક જગતનો તાગ પણ બુદ્ધિથી મેળવી શકાતો નથી. કેવળ સ્થૂળ બુદ્ધિથી, પછી એ ગમે તેટલી તીવ્ર કે તીક્ષ્ણ હોય તો પણ આ જગતના રહસ્યને પામી શકાય તેમ નથી. અધ્યાત્મ વિષયોમાં વાસ્તવિકતાનો ખ્યાલ કરીને શાસ્ત્રોમાં અતિ દૃઢ શ્રદ્ધા રાખવી જોઈએ.શ્રદ્ધા એટલે જે આપણે જોતા નથી તે માનવું અને તેનું ફળ છે –
    જે આપણે માનીએ છીએ તેનું દર્શન.

  3. અનામી said,

    February 26, 2009 @ 1:11 AM

    કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
    છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો.
    ..અને…

    છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
    જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું.

    ખરેખર ખુબ જ સુંદર.

  4. Jina said,

    February 26, 2009 @ 1:13 AM

    અદભૂત… મારી પાસે ફક્ત “કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?” હતી ઘણાં સમયથી… આજે આ આખો ખજાનો મળ્યો તો જલસો થઈ ગયો!!

  5. વિવેક said,

    February 26, 2009 @ 1:52 AM

    સુંદર સોરઠા કે સોગઠા?

    પ્રજ્ઞાજુની વાત પણ એવી જ મજાની…

  6. himansu said,

    February 26, 2009 @ 2:10 AM

    સુંદર સોરઠા માણવા મળ્યા !

    આવા જ બીજા સોરઠાની અપેક્ષા રાખુ છુ.

  7. RJ MEET said,

    February 26, 2009 @ 3:56 AM

    Aa vaat sachi ke aanu naam chabkha j hovu joiye….ek vaat khari ke aava kavyprkaro ame pahelivar joi rahiya chiye… Gamyu…Adhboot

  8. KIRANKUMAR CHAUHAN said,

    February 26, 2009 @ 8:58 AM

    વાહ ઉદયનભાઈ મઝા આવી ગઈ.

  9. પ્રતિક મોર said,

    February 26, 2009 @ 10:50 PM

    છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
    જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું.

    કેટલી સરળ રીતે આ સાચી વાત સમજાવી છે.

    સોરઠા તો ભારે ધુમ મચાવીં શકે છે.

  10. P U Thakkar said,

    February 27, 2009 @ 9:32 AM

    જોગી બેઠો આસને, જાગ્રત કરવા પ્રાણ
    એમાં થઈ મોકાણ : ઊલટાનો પગ સૂઈ ગયો

    રમતીયાળ વિનોદવૃત્તિવાળા સોરઠા મઝાના છે. ધ્‍યાનમાં બેઠા પછી તો, ધ્યાન કેટલું થાય તે અલગ બાબત છે, પણ મોકાણ તો થાય. પગે ખાલી ચઢી જાય.

    આ અભિગમની બાબત છે. આ કડીઓએ મને એટલા માટે આકર્ષ્‍યો કારણ કે, ‘ભજન – શા માટે’ ના મારા એક નિબંધમાં આ જ બાબતે ચર્ચા થઇ છે. પણ અહીંયા એ જ બાબત રમૂજ માટે છે. રમૂજ પણ સારી. માત્ર ગંભીરતા બહુ સારી નહી. ઉદયનભાઇ આ ગમ્યું.

  11. Rajnikant Vyas said,

    December 4, 2014 @ 7:36 AM

    ઉદયનભાઇ એટલે સચોટ નિશાનેબાજ.

  12. Viral said,

    January 8, 2016 @ 2:54 AM

    સુંદર દુહા…પરંતુ આ સોરઠા નથી. પિંગળશાસ્ત્ર પ્રમાણે આ રચના તુંવેરી કે તુમેરી દુહા કહી શકાય. દુહા ના ચાર ચરણ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં મોરા મળે એટલેકે પ્રાસ મળે તેને સોરઠા કહેવાય જ્યારે બીજા અને ત્રીજા ચરણના પ્રાસ એરી મળે (જેવું આ દુહાઓ માં થયું છે) તેને તુંવેરી દુહા કહેવાય. શ્રી પાલરવ પાલીયા નો એક સોરઠો ઉદાહરણ માટે…
    ખીલો ખોદતાં ખાણ, જો મળે ઝવેરાતની
    નિરાંતે નારાણ, સુઝે ભગતી શામળા.

  13. udayan thakker said,

    January 8, 2016 @ 9:50 AM

    કાવ્યનું પૂરું શીર્ષક છે-“સોરઠા(મધ્યમેલ)” ૧૩-૧૧-૧૩-૧૧ માત્રાનાં ૪ ચરણમાં લખાય તે દુહો. ૧૧-૧૩-૧૧-૧૩ માત્રાનાં ૪ ચરણમાં લખાય તે સોરઠો. ૧૩-૧૧-૧૧-૧૩ નાં ૪ ચરણમાં લખાય તે મધ્યમેલ સોરઠો.પ્રાસ બીજા ને ત્રીજા ચરણને અંતે મળે.

  14. ધવલ said,

    January 8, 2016 @ 10:18 AM

    સમજૂતી માટે આભાર, ઉદયનભાઇ !

  15. Viral said,

    January 9, 2016 @ 2:10 AM

    નમસ્કાર ઉદયનભાઈ, મારી જાણકારી મુજબ એ મધ્યમેળ દુહાને તુંવેરી કે તુમેરી દુહો કહેવાય છે. જે હો તે…અંતે તો હેમ નું હેમ…પણ હજી આવા દુહાની રાહ તો ખરી….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment