એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
– ગની દહીંવાલા

એક પત્ર – ઉદયન ઠક્કર

દોસ્ત, પત્રનો લય પકડીને, ગાઈ કરીને, અને બને તો તબલાં લઈને વાંચ.

લયનાં અમને સવાસાત જનમોનાં જૂનાં જૂનાં વળગણ, લયમાં નાવું, લયનાં દાતણ, લયને લઈને રોજ દિશાએ જાવું. લયથી અમને પ્રેમ સ્ફુરે, ને વીર્ય સ્રવે તે લયમાં લયમાં, લયભાષામાં વિચાર આવે, લયને લઈને કૈંક અગોચર, કૈંક મજાનાં સરોવરોમાં અમે ડુબાડી ચાંચ.

લયનું પાછું અલકમલક છોડીઓ જેવું—કામ્યગાત્ર પંક્તિને ચૂમી લઈ ગાઢો આશ્લેષ ભરીને, લઈ ગાઢો આશ્લેષ ભરીને ચૂરેચૂરા કરી નાખીએ એવું, લય પણ કૂદી ઊછળી આવે, લય આવે ને ના પણ આવે એવું : અલકમલક છોડીઓ જેવું. અક્ષરમેળ વૃત્ત બહુ prudish. માત્રામેળની સાથે flirting
કરતાં કામાતુર કવિને ખાસ ન આવે આંચ.

અમે ડુબાડી ચાંચ,
બને તો તબલાં લઈને વાંચ.

– ઉદયન ઠક્કર

લગભગ ૧૯૭૮ની સાલમાં કવિએ જાણીતા અભિનેતા દર્શન જરીવાલાને ઇન્લેન્ડ લેટરમાં એક પત્ર લખ્યો હતો તે આ. માત્રામેળ અને અક્ષરમેળ છંદોનું બાવીસ વરસના યુવાનને એ સમયે આકર્ષણ પણ ખૂબ હતું અને કૌતુક પણ. અને એ વય વળી અંગાંગમાં પૌરુષી અંતઃસ્ત્રાવોના ઘોડા હણહણવાનો, એટલે એ બંનેની અસર આ રચનામાં નજરે ચડે છે.

‘ગીતગુંફન’ પુસ્તક તૈયાર કરતો હતો, ત્યારે એક નામાંકિત ગીતવિશ્લેષક અને ગીતકારના અર્વાચીન ગુજરાતી ગીત વિશેના પોણીબસો પાનાંના પુસ્તકમાં આ રચનાનો આધુનિક ગીત તરીકે આસ્વાદમૂલક પરિચય કરાવાયેલ જોયો. એમણે લખ્યું છે કે ‘આખીય રચના પ્રથમ દૃષ્ટિએ ગીત ન પણ લાગે, છતાં એમાં ગીતાભાસ જણાય છે…. …આખુંય રચનાતંત્ર આમ તો પત્રશૈલીનું હોવા છતાં એના લક્ષ્યાર્થ ગીતના શિલ્પ સ્થાપત્યને બરાબર માફક આવે છે એમ હું માનું છું.’ આ રચનાને ગીતના શિલ્પસ્થાપત્યને માફક આવતી રચના કહી શકાય કે કેમ એ બાબતે મેં કેટલાક સંનિષ્ઠ ગીતકવિઓ સાથે વિમર્શ કર્યો. કોઈને આ રચનામાં ગીત ન દેખાયું. મૂળ સર્જક ઉદયનભાઈએ પણ આ રચના ગીત હોવા વિશે સાશ્ચર્ય ઇનકાર કર્યો. મારા મતે આ રચનાને કટાવ છંદમાં રચાયેલ ગીતનુમા ઊર્મિકાવ્ય જ કહી શકાય.

હશે, આપણને તે મમમમ સાથે કામ કે ટપટપ સાથે? કવિએ એક પત્ર લખ્યો છે, અને ડોક્ટર દવાના પિસ્ક્રીપ્શન સાથે દવા કઈ રીતે લેવી એ સૂચના આપે એમ એમણે સૂચના પણ આપી છે કે આ પત્ર એમનેમ વાંચવાનો નથી, એનો લય પકડીને ગાઈને વાંચવાનો છે અને શક્ય બને તો તબલાં લઈને વાંચવાનો છે. મતલબ, આપણે લય અને સંગીત –ઉભયની મદદ લઈને આ પત્રમાં આગળ ગતિ કરવાની છે. મૂળમાં આ પત્ર એક સમર્થ સર્જકે ગીતકવિઓના વધી ગયેલ ઉપદ્રવ સામે લાલ બત્તી દેખાડવા લખ્યો જણાય છે. લય અને સંગીત જ કેવળ ગીતના પ્રાણ નથી, પણ આપણે તો લયનાં સવાસાત જન્મોનાં જૂનાં જૂનાં વળગણ ન હોય એમ લયમાં જ નહાઈએ છીએ, લયમાં જ દાંતણ પણ કરીએ છીએ અને લયમાં જ ટોઇલેટ પણ જઈએ છીએ. આપણી આખેઆખી રોજનીશી લયગ્રસિત છે એમ કહી કવિ કટાક્ષ તો કરે જ છે, પણ સાથોસાથ અગોચર મજાનાં સરોવરો સુધીનો સફળ ફેરો પણ કરાવે છે. લયને કવિ અલકમલક છોડીઓ સાથે પણ સરખાવે છે. છોકરીઓના સ્વભાવનું વર્ણન તો કરે જ છે, પણ પુનરોક્તિનો સહારો લઈને પોતે જે કહેવું છે એને અધોરેખિત કરીને દૃઢીભૂત પણ કરે છે. વાત અલકમલક છોડીઓની છે, પણ ગાઢ આશ્લેષમાં લઈ ચૂરેચૂરો કરવાની વાતમાં ધૃતરાષ્ટ્ર અને ભીમનો સંદર્ભ પણ નિહિત છે. કામ્યગાત્ર પંક્તિ અને કામાતુરતાની વાત કરતા બાવીસ વર્ષના છોકરડાના મનમાં એ સમયે મહાભારતનોએ સંદર્ભ ન પણ હોય, પણ કવિતાની ખરી મજા જ એ છે કે કવિએ એને કાગળ પર છૂટ્ટી મૂકી નથી કે એ સ્વૈરવિહારે નીકળી નથી પડી. વધુ પડતી જોરજબરી કરવા જાવ તો લય ભાંગીય જાય, ખરું ને? ગીતને માફક ન આવતા અક્ષરમેળ વૃત્તને પ્રુડિશ અને માફક આવતા માત્રામેળ સાથે ફ્લર્ટિંગ કહીને કવિ એક તરફ ગીતની લાક્ષનિકતા તો સૂચવે જ છે, પણ સાથે જ કામ્યગાત્ર જેવી સુશ્લિષ્ટ ભાષા સાથે અંગ્રેજીની ભેળસેળ કરતા ‘કામાતુર’ ગીતપ્રેમી કવિને ‘ખાસ ન આવે આંચ’ કહીને ભાષાની ભેળના ભયસ્થાન પણ નિર્દેશે છે.

6 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    September 6, 2024 @ 11:05 AM

    પત્રશૈલીમાં લખાયેલ રચના ગીત ની લગોલગ બેસી શકે…

  2. Vinod Manek 'Chatak' said,

    September 6, 2024 @ 11:09 AM

    પત્રશૈલી માં લખાયેલ રચના ગીતની લગોલગ બેસી શકે..

  3. અસ્મિતા શાહ said,

    September 6, 2024 @ 11:59 AM

    વાહ! સિવાય કોઈ લય સ્ત્રવે એવું નથી…

  4. Varij Luhar said,

    September 6, 2024 @ 5:20 PM

    વાહ.. ખૂબ સરસ ગીત… લય મુંબઈ વાસીઓમાં ભરપૂર હોય તેનું પણ આ પ્રમાણ

  5. Dhruti Modi said,

    September 7, 2024 @ 3:32 AM

    પહેલાં તો પ્રશ્ર્ન. થયો કે સાચે જ આ ગીત છે ? પછી થયું કે લય અને તબલાની વાત છે તો
    ગીત હશે જ ! કારણ આ કવિશ્રી ગીત, અછાંદસ જેવું લખે છે , પણ મિત્રને બાબતનો પત્ર કેમ ?
    હશે એ કદાચ મને ખબર ના પડી હોય ? પણ પછી આવી છોકરીઓની વાત ! હોય ! પણ પછી ૨૨ વરસના
    છોકરાની વાત ! ઉદયનભાઈ તમે જ ફોડ પાડો હવે તો !
    સરસ ગદ્ય પ્રકારનું ગીત ગમ્યું. !

  6. Parbatkumar Nayi said,

    September 13, 2024 @ 9:59 AM

    વાહ લય લય અને લય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment