પણ – ઉદયન ઠક્કર
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને ક્હે શિશુ,
‘એ…ઈ, આંખોને કાઢે છે શું?
આંખ મીંચીને દસ સુધી ગણ…’
મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ
મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો: એક, બે, ત્રણ…
– ઉદયન ઠક્કર
ગુજરાતી ગીત-ગઝલના મેળામાં ઉદયન ઠક્કર અલગ ચોતરો માંડીને બેઠા છે. આમ જુઓ તો આ ગીત મુખડા અને પૂરક પંક્તિ વગરનું ચાર બંધનું ગીત છે, પણ આમ જુઓ તો ચારેય મુખડાની પહેલી પંક્તિ એક જ હોઈ એ ધ્રુવકડીનો ભાગ ભજવતી હોય એમ લાગે. અ-બ-બ-અ પ્રકારના પ્રાસગુંફન અને પંક્તિઓના સીમિત કદકાઠીના કારણે ગીતનું કલેવર પ્રવર્તમાન રચનાઓમાં એમ જ નોખું તરી આવે છે. પણ આ તો થઈ ઉપલક વાતો. જેને કવિતા માણવામાં રસ હોય એને તે મમમમ સાથે કામ હોય કે ટપટપ સાથે?
ચારેય બંધનો આરંભ ‘મારો ઝાંપો વાસેલો હોય, પણ’થી જ થતો હોઈ કવિમનોરથને પુનરોક્તિનું યથોચિત ચાલક બળ સાંપડે છે. આ ઝાંપો કેવળ ઘરનો ઝાંપો નથી, એ આપણા બંધિયાર વિચારો, આપણી કુંઠિત મનોવૃત્તિનો દ્યોતક પણ છે. જીવનમાં તડકી-છાંયડી તો આવતી રહેવાની, પણ જે રીતે ચકલી જુવાર અને બાજરીના ચણથી જીવનનિર્વાહ કરે છે એમ એને ભોગવતાં આવડવું જોઈએ. બાળસહજ નિર્દોષતાથી આપણા પૂર્વગ્રહોને વટી જતાં આવડવું જોઈએ. આપણો ઝાંપો બંધ હોય પણ એથી કંઈ પ્રકૃતિ પર તાળું લાગી જતું નથી. નારિયેળીના માથે ચાંદ ઊગવાને ઘટના કે ચીકુડીના વાયરામાં ડોલવાની ઘટના આપણા બંધત્વને અનુસરતી નથી. આપણો ઝાંપો બંધ હોય તોય વાતાવરણને ખૂલતું અટકાવી શકાતું નથી. આજની પેઢીને પરિચય નહીં હોય, પણ આપણી અને આપણી અગાઉની પેઢીઓ ‘એન ઘેન દીવા ઘેન’ જેવાં ગીતો પીને ઉછરી છે. આ બાળગીત જેને યાદ હશે એને ખાઈ-પીને ભાગી છૂટતો ડાહીનો ઘોડો પણ યાદ હશે જ. ડાહીનો ઘોડો એટલે બાળકોની રમત એવું અર્થઘટન પણ કરી શકાય. કથકના ઘરનો કે મનનો ઝાંપો વાસેલો છે પણ ડાહીનો ઘોડો ભીતર સોરવાયા કરે એવો નથી, એ તો વનવગડામાં જઈને જ ઝંપશે. બંધનની વિભાવનાને પુનરોક્તિથી અધોરેખિત કરતી આ રચના હકીકતે તો આઝાદીની આલબેલ જ પોકારે છે.
Mayur Koladiya said,
July 27, 2024 @ 1:51 PM
ગજબનું ગીત… મજાનો આસ્વાદ…
પીયૂષ ભટ્ટ said,
July 27, 2024 @ 3:46 PM
ગુર્જરી ગિરાના ગરવા ગીતોમાં અલગ તરાહનું આ ભાતીગળ ગીત બાળ સહજ વિસ્મયને વિભિન્ન ભાવોથી નીરખી મન અને માન્યતાના મર્યાદિત કુંઠિત બંધિયાર પણાથી મુક્ત થઈ ભાગી છૂટવા ચાહે છે.
પ્રથમ બંધમાં ચરકલડીબાઈનાં પ્રતિક દ્વારા ષોડશી મર્યાદા ઉલ્લંઘન કરીને પણ જીવનની પ્રત્યેક સ્થિતિમાં આનંદની ચણથી જીવી લેવાની ઝંખના છે.
બીજા બંધમાં પોતાને જ દબડાવતાં ભીતરનાં શિશુને ઝાંપો ઠેકીને પણ ગ્રંથીઓથી મુક્ત થવા આહવાન કરે છે.
ત્રીજા બંધમાં કવિ કહે છે, આપણો ઝાંપો બંધ હોય તો પણ વાતાવરણ માં કઈ અસર થાય નહીં એ તો એની નિયત રોજીંદી ઘટમાળ મુજબ ખૂલતું જ રહે છે. તો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સધાય એવી શીખ આપે છે .
અંતિમ બંધમાં તો કવિ અંદર ને અંદર ઘૂંટાય રહેવા કરતાં તો ત્વરાથી જ માયાનાં બધાં જ બંધનોથી છુટી જવા જીવને ઝડપ કરવા પ્રેરે છે. એ રીતે બંધ ઝાંપો ખોલવાની ચાવી ગૂઢ રીતે રમતિયાળ શૈલીમાં ગીત સ્વરૂપે પ્રગટ કરે છે.
સુંદર ગીતની પસંદગી કરી અને એમાં રહેલ અર્થગાંભીર્યની સમજણ વિકસાવી સુંદર આસ્વાદથી મોજ કરાવી.
ઉદ્દયનભાઈ અને વિવેકભાઈ બંનેનો આભાર…
Udayan Thakker said,
July 27, 2024 @ 3:58 PM
જાર-બાજરીના રંગ સાથે તડકી-છાંયડીને સરખાવીને પછી ચકલીને આમંત્રી શકાય
વિવેક said,
July 27, 2024 @ 7:40 PM
@Udayan thakkar
હા, એ વાત તો ધ્યાન બહાર જ રહી ગઈ…
લયસ્તરો પર પધારવા બદલ હૃદયપૂર્વક આભાર
વિવેક said,
July 27, 2024 @ 7:41 PM
@મયૂર કોલડિયા:
આભાર
@પિયૂષ ભટ્ટ:
સલામ… સલામ… બહુ સરસ પૃથક્કરણ કરી બતાવ્યું…
બાબુ સંગાડા said,
July 27, 2024 @ 8:33 PM
ખૂબ સરસ આસ્વાદ અને કવિની કવિતા બન્નેને અભ્નંદન
Parbatkumar Nayi said,
July 28, 2024 @ 12:43 PM
વાહ
Mitaben Ranchhodsinh Rathod said,
July 29, 2024 @ 7:42 AM
ખૂબ સરસ રજૂઆત કવિ અને આસ્વાદક બેયને સલામ.
વિવેક said,
July 29, 2024 @ 12:50 PM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર
હર્ષદ દવે said,
July 30, 2024 @ 5:33 PM
સરસ ગીત અને આસ્વાદ.
અભિનંદન.