અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
– ભરત વિંઝુડા

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે – ઉદયન ઠક્કર

મારી એક વારની પ્રેમિકાને બાળક જન્મ્યું છે
એવું કોઈએ કહ્યું
ત્યારે હું રામકૃષ્ણ લૉજમાં રાઇસ પ્લેટ જમતો હતો
મારે વિચારવું જોઈતું હતું
દીકરો ? કે દીકરી ?
પણ મેં વિચાર્યું
વેઇટર ઠંડી ઠીબરા જેવી ચપાટી મૂકી ગયો છે
સાલો હાડકાંનો હરામી છે અને જીભનો છૂટો
આ વખતે એણે ટીપ ગુમાવી
પણ આજે જયારે મન એકલું છે
અને શાંત પણ
ત્યારે વિચારું છું
એની રૂંવાટી પરનું કાંચન
એણે બાળકની રૂવાંટી પર પણ છાંટ્યું હશે ?
શું એનું બાળક પણ શુભ્ર અને ઉન્ન્તગ્રીવ હશે ?
પછી મૂરખની જેમ વિચારું છું
શું એ બાળકની આંખમાં
મારી વ્યાકુળતાનો અંશ હશે ?
ભઈ શું સમય હતો
કે એકેએક દિવસ
અત્તરની શીશી નહીં
પવાલું લઈને ઊગતો
એની છબી છવાયેલી રહેતી
મારા પૂર્ણ આકાશ પર
વિસ્તારપૂર્વક કહું તો
મધ્ય આકાશમાં કેશ
પૂર્વમાં સાઠ અંશને ખૂણે ભ્રૂકૂટિ
પચાસ અંશ પર આંખો
ત્રીસ પર ઓષ્ઠ
અને ક્ષિતિજે ચિબુક
(પહેલી-પહેલી પ્રેમિકાનું વિરાટરૂપદર્શન
સમજી ગયા ને ?)
એના સુવર્ણ અશ્વત્થમાં       [ અશ્વત્થ = પીપળો  ]
શતકંઠે કલશોર થતો હતો
એમાંનો હું એક ‘ચીં’ હતો
મારો કશોય સ્વરવિશેષ નહોતો
પણ વૃક્ષને ઘસાઈને
તેજ આવતું
એમાં ઝગમગીને મને આભાસ થતો કે ના
હું પણ દેવચકલી છું સોનેમઢેલ.
જો કે હસવાની વાત તો એ છે મહેરબાન
કે વર્ષો સુધી નજરને
એનો ચહેરો જોવામાંથી જ નવરાશ ન મળી
બંદા એના ચહેરાની ચુંગાલના બંદી હતા !!
(સારો શબ્દપ્રયોગ છે નહીં –
ચહેરાની ચુંગાલના બંદી !)
એ સ્કર્ટ પહેરતી કે પંજાબી ?
કોણી મેલથી કાળી રહેતી ?
કેટલી જોડી ચપ્પલ રાખતી ?
રૂમાલ ખોઈ નાખતી ?
મહીને એક વાર વૅક્સિંગ કરતી ?
ડીઝાઇનર બ્રા પહેરતી ?
પહેરતી કે નહીં ?
મને ખબર નથી, મને ખબર નથી.
એના ચહેરાથી અલાવા મને કોઈ કશી વિગતની ખબર નથી
તંગ સમય હતો
એના ચહેરાના પરિઘ બહાર
લટાર મારવા જઈ શકી
ન દ્રષ્ટિ
ન અટકળ
એવો વિચાર જ ન આવ્યો
કે કરમાતી બપોરે
ગ્રીવાની મ્હેક કેવી ખીલતી હશે ?
વાંસો ઉઝરડાઈ જાય
એવા તીક્ષ્ણ હશે એના ન્હોર ?
કામનાથી ઉદ્દીપ્ત અવાજ
કાળીયાકોશીની જેમ
ફફડતો હશે ?
હાથ ફેરવવા દેતી હશે
સાથળની ખિસકોલીઓ ?
મહેરબાન, સમ ખાવા પૂરતો
આવો વિચાર પણ ન આવ્યો
તોય જલસો હતો સાહેબ !
મુગ્ધ અને પહોળી આંખના દિવસો હતા
ટેકરીએથી તળેટીનાં બળબળતાં જંગલો દેખાય એમ
આજે
એ સ્મરણો આકર્ષક દેખાય છે.

– ઉદયન ઠક્કર

 

આ કવિ હંમેશા આંખના ખૂણા ભીના કરી દે છે…..આડીતેડી વાતોમાં ઘેઘૂર વેદના છુપાયેલી છે. રજૂઆતની આ પદ્ધતિ આપણે ઘણીવાર પ્રમાણમાં જૂની નવલકથાઓમાં જોઈ છે. પ્રથમ વાંચને સંપૂર્ણ ભેદ ન ખૂલે. બીજી-ત્રીજી વારે દરેક punchline સમજાય…..

5 Comments »

  1. Aarti rohan said,

    June 12, 2019 @ 4:23 AM

    Wow

  2. Dhaval Shah said,

    June 12, 2019 @ 9:00 AM

    સલામ !!

  3. Himanshu Trivedi said,

    June 12, 2019 @ 4:23 PM

    ઉદયનભાઈ, સચોટ અને સંવેદનશીલ…
    વિવેકભાઈ, આભાર. આપ ખરેજ ગુજરાતી સાહિત્યના અદ્યતન યુગમાં સેવા કરો છો અને અમ જેવાને સતત યાદ કરાવતા રહો છો કે સાહિત્ય – કળા – સંસ્કૃતિમાં માતૃભાષાનું યોગદાન શું હોઈ શકે.

  4. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    June 13, 2019 @ 9:11 PM

    વેદના ની વાતો કવિશ્રીનો મુખ્ય સુર વારંવાર વાચવાથી જ સમજાય એવી રચના …..આપનો આભાર…….કવિશ્રીને હ્રદયપુર્વકની સવેદનાઓ….

  5. Bhavesh Ahir said,

    August 2, 2019 @ 4:57 AM

    આવ ભાઈ હરખા
    આપણે બેય સયખા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment