એક કાવ્ય – ઉદયન ઠક્કર
એક બાજુ
માથામોઢ ઓઢીને ઈયળ પોઢણ કરે છે,
પીઠે ઢાલ લઈને ગોકળગાય રણે ચડે છે,
જાંબુડીના પોલાણમાં પોઢેલી પદમણીને ફળ ધરે છે કંસારો,
મત્સ્યની ફૂંકથી ઊઘડે છે સમુદ્રનાં તળ,
કાચબો કાચબીને ઢીંક મારે છે,
પરવાળાના મહેલમાં હણહણે છે જળઘોડા,
વ્હેલ ગીતો ગાય છે,
સાગરની પાંખડીઓ ખીલે ને વિલાય છે,
પર્વત કાઢે છે ધૂમ્રગોટ, ખોંખારીને,
ધૂમકેતુ પુષ્પવૃષ્ટિ કરે છે,
ઓતરાદા આકાશમાંથી અજવાસની કૂંડીઓ રેલાતાં ધરતી ધારણ કરે છે દંતકથાનો ગર્ભ…
અને બીજી બાજુ
પેલી છોકરી ક્યારની
ગાલ પરના ખીલની ફિકર કરે છે.
– ઉદયન ઠક્કર
સહઅસ્તિત્વ ધરાવતા બે વિરોધી પાસાંઓ કવિએ juxtapose કર્યા છે. પહેલી બાજુમાં કવિને વધુ રસ છે એટલે એનું દર્શન કવિ બહુ નિરાંતવા જીવે આપણને કરાવે છે. ઇયળ, ગોકળગાય જેવા સૂક્ષ્મ જીવોની દિનચર્યાથી શરૂ થતી વાત અંતે વિરાટતમની વ્યાખ્યા સમા સાગર-પર્વત-ધૂમકેતુ અને નોર્ધર્ન લાઇટ્સ પર જઈને વિરમે છે. તખ્તા પર આગવી ભાત પાડીને રજૂ થતા કળાકારોની જેમ કવિએ સજીવસૃષ્ટિના અલગ-અલગ જીવોને અહીં સાવ અનૂઠી રીતે પ્રસ્તુત કર્યા છે. સાગરના મોજાંની ચડઉતરમાં કવિ પુષ્પની પાંખડીઓને ખીલતી-વિલાતી જુએ છે. પર્વત પર મંડરાતા વાદળો કોઈ ખોંખારીને ધુમાડાના ગોટા કાઢતું હોય એવા ભાસે છે. ધૂમકેતુની પૂંછડીમાં કવિને પુષ્પવૃષ્ટિ નજરે ચડે છે. નોર્ધર્ન લાઇટ્સને ઓતરાદા આકાશમાંથી રેલાતી અજવાસની કુંડીઓ કહીને કવિએ બાહોશ કવિકર્મની અભૂતપૂર્વ સાહેદી પુરાવી છે. પૃથ્વીના ઉત્તર (અને દક્ષિણે) છેડે સર્જાતી પ્રકાશપુંજની અલૌકિક રમત માનવીને પરાપૂર્વથી મોહિત કરતી આવી છે અને અનેક માન્યતાઓ-દંતકથાઓને જન્મ પણ આપ્યો છે.
એક તરફ બ્રહ્માંડના દૂરાતિદૂરના છેડો અને બીજી તરફ સમુદ્રના ઊંડામાં ઊંડા તળને આલેખીને કવિએ પ્રકૃતિના સમૂચા સૌંદર્યને કલમના લસરકાઓ વડે આબાદ ચીતર્યું છે તો કવિતાના નાનકડી ત્રણ પંક્તિ અને એક વાક્યના બીજા ભાગમાં એક છોકરીને પોતાના ગાલ પરના ખીલની ફિકર કરતી બતાવીને કવિ વિરમી જાય છે અને કવિતા ત્યાંથી જ આગળ વધે છે. સમષ્ટિથી શરૂ કરી કવિનો કેમેરા વયષ્ટિ પર કેન્દ્રિત થાય છે અને તલ જેવડા નાના ભાગ પર આવીને અટકે છે. પ્રકૃતિના અસીમ સૌંદર્ય અને નિજી ચિંતાની પ્રકૃતિના વિરોધાભાસમાંથી જે કવિતા જન્મે છે એ લાંબા સમય સુધી સ્મરણપટ પર રણઝણ્યા કરે એવી સબળ છે…
preetam lakhlani said,
July 7, 2022 @ 12:52 PM
ધૂમકેતુની પૂંછડીમાં કવિને પુષ્પવૃષ્ટિ નજરે ચડે છે
Sandhya Bhatt said,
July 7, 2022 @ 1:00 PM
અત્યંત અદભુત છે !!!!
વિજય રાજ્યગુરુ said,
July 7, 2022 @ 1:02 PM
સરસ કવિતા અને વિશ્લેષણ
Parbatkumar Nayi said,
July 7, 2022 @ 1:25 PM
આહા અદભુત
અદભુત
Mana Vyas said,
July 7, 2022 @ 1:32 PM
વિરાટ સૌંદર્યને જોવાનું ભુલીને આપણે સાવ ક્ષુલ્લક રુપને પ્રાધાન્ય આપીએ છીએ એ કવિએ હળવેથી ટોણો મારીને કહી દીધું.
રિયાઝ લાંગડા (મહુવા). said,
July 7, 2022 @ 1:35 PM
સુંદર કવિતા અને આસ્વાદ..👌
Varij Luhar said,
July 7, 2022 @ 1:57 PM
વાહ.. કવિતા અને આસ્વાદ બન્ને આસ્વાદ્ય
Shah Raxa said,
July 7, 2022 @ 2:02 PM
વાહ..વાહ…આસ્વાદ પણ ખૂબ સરસ🙏💐
KAUSHIKKUMAR SHANTILAL patel said,
July 7, 2022 @ 2:37 PM
ખૂબ જ સુંદર … વાહ…!!
ચંદ્રશેખર પંડ્યા said,
July 7, 2022 @ 2:47 PM
પરવાળાંનો મહેલ, જલઘોડાનું હણહણવું અને વ્હેલનું ગીત !!!
વાહ!
નયન said,
July 7, 2022 @ 4:01 PM
Busy with oneself.
Harihar Shukla said,
July 7, 2022 @ 4:05 PM
નરી નકરી મોજ👌💐
Manjari Muzoomdar said,
July 7, 2022 @ 7:54 PM
સ-રસ કવિતાનો એટલો જ સ-રસ આસ્વાદ .
pragnajuvyas said,
July 7, 2022 @ 8:22 PM
અદભુત અછાંદસ
અદભુત આસ્વાદ
શૈલેષ પંડયા નિશેષ said,
July 7, 2022 @ 8:45 PM
વાહ.. બહું જ સરસ.. અછાંદસ… ગમતું અછાંદસ… સરસ.. સરસ
udayan thakker said,
August 2, 2022 @ 5:36 PM
આસ્વાદ માર્મિક કરાવ્યો વિવેક
વિવેક said,
August 3, 2022 @ 12:55 PM
@ ઉદયનભાઈ
આપને ગમ્યું એનો આનંદ…