ખાદી – ઉદયન ઠક્કર
સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુ:ખ :-
ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે.
જે પહેરે તે અદલોઅદલ શોભી ઊઠે
યરવડાના કેદી સમો;
ઉતારનારને મળી જાય
આઝાદી.
હતું મારી પાસે પણ એક—
ન બાંય, ન બટન
સાલું સાવ સેવાગ્રામી!
એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.
બદલીમાં મળ્યો કોઈ ઝભ્ભો.
ખોલ્યો ડરી ડરીને
પારકા પ્રેમપત્રની જેમ.
ઘૂંટણ સુધી પહોંચતું રેશમ, મુલાયમ,
બદામી દોરાનું બારીક ભરતકામ,
બંગાલી ગળું, બટનપટ્ટી ઝૂલે…
ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.
ઝભ્ભો હતો બાકી ઝાકઝમાળ!
ધબ્બો મારીને પડોશી બોલ્યા,
‘હવે તું માણસમાં આવ્યો ખરો!’
બીજાં બધાં તો ઠીક,
પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી.
પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ
મોંઘાદાટ રેશમી ઝભ્ભા પહેરવાની.
રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે.
એકસાથે બન્ને તો ક્યાંથી મળે—
સેંથી અને ટાલ
કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ
રેશમ અને પતંગિયું.
ફળિયે પીંજારો બેઠો હોય
હવામાં ઊડતા જતા હોય રૂના પોલ
એવો હળવો હતો હું;
પુરાઈ ગયો એકાએક, કોશેટામાં.
કાલ રાતે મને સપનું આવ્યું.
સપનામાં બુઢ્ઢો જાદુગર શેરીએ શેરીએ સાદ પાડતો જાય,
‘એ . . . ઈ, જરીપુરાણા ચિરાગ આપો . . .
બદલામાં નવાનક્કોર લો . . .’
. . . ક્યાં હશે એ અસલનો ચિરાગ?
હજીયે નજર ફરી વળે છે, ધોવાઈને આવેલાં કપડાંમાં—
ક્યાંક પેલું જૂનું પહેરણ…
પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી ઝભ્ભો
ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ.
– ઉદયન ઠક્કર
કવિના લાક્ષણિક અંદાઝમાં કરુણાસભર વ્યંગ……
Rajnikant Vyas said,
September 12, 2018 @ 3:31 AM
કવિના અદ્વિતીય અંદાજ પર આફ્રીન!
Dhaval Shah said,
September 12, 2018 @ 8:44 AM
સરસ વાત !
la Kant Thakkar said,
September 14, 2018 @ 5:18 AM
” …….ચડી બેસે છે મારા પર, વેતાળની જેમ…….”
…તે ખભે બેહવાનો લ્હાવો જે લીધો’તો ને?
બાહ્ય ચમક-દમક નેી આદત જે પોષી …
“રેશમ જોઈએ તો માંહ્યલાને મારવો પડે”
સરસ ભાઈ ભાઈ