પ્રહલાદ પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 1, 2021 at 6:44 AM by વિવેક · Filed under ગીત, પ્રહલાદ પારેખ
એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી
અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ,
એવું રે તપી ધરતી, એવું રે તપી.
વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે:
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી!
એવું રે તપી ધરતી, એવું રે તપી.
કહોને તમે સૌ તારા! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.
કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાંયે વાણી?
એની રે કમાન દીઠી તણાઈ કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.
આવોને મેહુલિયા! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી!
એવું રે તપી ધરતી, એવું રે તપી
– પ્રહલાદ પારેખ
ઉનળો શરૂ થઈ ચૂક્યો છે. સવાર અને સાંજના થોડા સમયને બાદ કરતાં મે મહિનાની યાદ અપાવી દે એવી ગરમી અને ઉકળાટ અત્યારમાં વર્તાઈ રહ્યો છે. લોકગીતની ચાલમાં કવિ ઉનાળામાં તપી જતી ધરતીના નાનાવિધ આયામો રજૂ કરે છે. ગરમીનો પ્રકોપ અને દૂર દૂર સુધી નજરે ન ચડતી મેહુલિયાના આગમનની એંધાણીને અડખેપડખે મૂકીને કવિ કમસેકમ હૈયાને શીતળતા બક્ષે એવી મજાની રચના આપે છે. જો કે આ રચના વાંચવાની સખ્ત મનાઈ છે… એને તો ફરજિયાત ગણગણવી જ રહી…
Permalink
August 31, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
ઉરે હતી વાત હજાર કે’વા
કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;
જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,
ઉજાશ શાં હાસ્ય મુખે ન આવિયાં.
નિસર્ગલીલા તુજ સાથ જોવા
હૈયે હતા કોડ, ન પાય ઊપડ્યા;
સૂરે મિલાવી તુજ સૂર, ગાવા
ઉરે ઊઠયાં ગીત, બધાં શમાવ્યાં.
મળી મળી નેન વળી જતાં ફરી,
અકથ્ય શબ્દે વદી વાત ઉરની;
હૈયું મૂગું ચાતક શું અધીર;
એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની :
એવો અબોલ-દિન છે સ્મૃતિમાં,
– જે દિ’ ચડ્યાં અંતર પૂર નેહનાં ?
-પ્રહલાદ પારેખ
Permalink
October 20, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !
આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ
તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન
અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?
– પ્રહલાદ પારેખ
જૂનાં નવનીત સમર્પણ ઉથલાવતાં આ મજાનું ગીત હાથે લાગી આવ્યું…….
Permalink
April 8, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.
વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.
ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.
શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !
-પ્રહલાદ પારેખ
ઇન્દ્રિય અનુભવને અનુભવે છે,મગજ તેનો પ્રિય-અપ્રિય ઈત્યાદી શીર્ષક નીચે સંગ્રહ કરે છે. ત્યાર પછી જાણે અનુભવજન્ય આનંદની ધાર બૂઠી ને બૂઠી થતી જાય છે. સૃષ્ટિમાં સૌંદર્યનો પર નથી,પણ મન પાસે તેને માણવાની ‘જગ્યા’ નથી……
Permalink
March 30, 2012 at 1:45 AM by વિવેક · Filed under પ્રહલાદ પારેખ, સોનેટ
(શિખરિણી છંદ- આંશિક શેક્સપિયરિઅન શૈલી)
*
અમે તો ઘેરૈયા : ગગન મહીં જે રંગ ઊડતા,
અને જે રંગો આ અવનિપટ રંગીન કરતા,
અમારાં છંટાયે ઉર સકલ એ રંગ થકી, ને
અમે યે રંગાઈ અવનિનભ જેવા બની જતા.
મહા ઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કદી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.
અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઊડતા :
ઋતુ છંટાતી, સૌ દિન-રજનિ એ રંગ ધરતાં;
અને ઊઠે રંગો તૃણ, કુસુમ, પર્ણે, ફળ મહીં;
વળી આવી આવી અમ સકલ ભાવે સરી જતા.
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા :
કહીં ઘેરૈયો એ ? કહીં છૂપવિયો રંગનિધિ આ ?
– પ્રહલાદ પારેખ
હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ચાલુ હોય તોય ઘણું. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને સરળ પણ મજાનું સૉનેટ રંગે છે…
Permalink
February 13, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ;
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું !
સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
તોયે રે લાગે આજે એકલું !
ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું !
કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:
એવું રે લાગે આજે એકલું !
-પ્રહલાદ પારેખ
ક્યાંક વાંચ્યું છે – ‘ સૌની એકલતા પોતીકી હોય છે. ‘ બધું જ છે,પણ જો તું નથી, તો કશું જ નથી……
Permalink
January 15, 2012 at 12:01 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, પ્રહલાદ પારેખ
એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી :
આંખો તણાં બે નિજ ટાંકણાથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.
બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઉઠે છે
દીવા બનીને.
અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળેપળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.
ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી !
માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !
-પ્રહલાદ પારેખ
આખું કાવ્ય અનંત શક્યતાઓની સુંદરતાથી નીતરે છે……કદાચ સમય અને સંજોગો હૈયાને પાષણ બનાવી શકતા હશે, પરંતુ ઈશ્વરે જીવને જે vulnerability ભેટ ધરી છે તે પાષણમાંથી અદભૂત સૌંદર્ય કોરી કાઢવાની સમર્થતા જીવને બક્ષે છે. માઈકલ એન્જેલોના શબ્દોમાં-
The best artist has that thought alone
Which is contained within the marble shell;
The sculptor’s hand can only break the spell
To free the figures slumbering in the stone. – Michelangelo
Permalink
June 25, 2011 at 2:20 AM by વિવેક · Filed under પ્રહલાદ પારેખ, સોનેટ
હજુ ધીમે ધીમે પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે;
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.
હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો કે શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.
અને કૈં તારા જો નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.
પછી તો ના વાતો, પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.
-પ્રહ્લાદ પારેખ
પ્રણયમાં ખરી મજા શરૂઆતની ગોપિતતાની છે. પ્રેમીઓનો અડધો સમય તો એમના પ્રેમની જાણ જમાનાને કેમ ન થાય એની કાળજી રાખવામાં જ વ્યતિત થઈ જાય છે. આ મજાના સોનેટમાં કવિ એ જ વાતને હળવેથી ઉજાગર કરે છે. ઝાડ પરનું કોઈ પંખી રખે વાત સાંભળી જાય તો એ બધી દિશામાં ગીતો દ્વારા આપણી વાતો ફેલાવી દેશે. અને જો ફૂલના કાને જો આ વાત પડી જશે તો એ સુવાસ વડે પવનને અને પવન વહીને બીજા કિનારા સુધી લઈ જશે. શું આકાશમાંના તારા કે શું ઝાકળ, આખી સૃષ્ટિ જાણે પ્રણયરસ ઝીલવા જ ઊભી ન હોય !
આવી પરિસ્થિતિમાં પ્રેમીજન શું ગૂફ્તેગૂ કરે? હૈયું બોલે, આંખ સાંભળે, એમ પ્રીત આપણી પાંગરે…
Permalink
December 8, 2009 at 1:30 AM by વિવેક · Filed under ગીત, પ્રહલાદ પારેખ, યાદગાર ગીત
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાને હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0
વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0
થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું 0
-પ્રહલાદ જેઠાલાલ પારેખ
(જન્મ: ૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ: ૦૨-૦૧-૧૯૬૨)
ભાવનગરમાં જન્મ. વિનીત (દક્ષિણામૂર્તિ), ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતેનમાં અભ્યાસ અને શિક્ષક તરીકે જીવનનિર્વાહ. આયુષ્ય ટૂંકું પણ કવિકર્મ અજરામર. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી. (કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)
પ્રહલાદ પારેખના યાદગાર ગીત વિશે વિચારું તો ક્ષણાર્ધમાં ‘આજ અંધાર ખુશબો ભર્યો લાગતો‘ યાદ આવે. પણ મારે તો એમનું અંધારાને અજવાળતું એક બીજું જ ગીત યાદ કરવું છે. અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે ! આકાશ તારાથી તો ધરતી દીવાથી અને ફૂલો ખુશબૂથી એને શણગારે છે. ઝરણાંનું ખળખળ વહેતું પાણી જાણે અંધારાના પગે બાંધેલા ઝાંઝર છે અને હરખઘેલી ધરતી જાણે કે અંધારાને નૃત્ય કરાવી રહ્યું છે. અંતરનો આનંદ જાણે કે અંધારાને રંગી રહ્યો છે… અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે…
Permalink
April 19, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રહલાદ પારેખ
આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
. આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
. પમરતી પાથરી દે પથારી. આજ 0
આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
. મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
. મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
. ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
. હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
. આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0
-પ્રહલાદ પારેખ
ભાવનગરમાં જન્મેલા પ્રહલાદ જેઠાલાલ પારેખ (જન્મ:૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ:૦૨-૦૧-૧૯૬૨) ટૂંકા જીવનગાળામાં અવિનાશી કવિકર્મ કરી ગયા. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો. આજીવન શિક્ષક. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી.
પ્રસ્તુત કાવ્યમાં રાત્રિના સૌંદર્યને એમણે સ્પર્શક્ષમ પરિમાણ આપી અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરે રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે?
(કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)
Permalink
October 12, 2006 at 8:40 AM by સુરેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
નહીં રે અંતર મારું જાણતું;
કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
નહીં રે અંતર મારું જાણતું;
વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
મારા રે હૈયાને તેનું પારખું.
– પ્રહલાદ પારેખ
જન્મ : 12 ઓક્ટોબર- 1912
Permalink