હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નિનુ મઝુમદાર

નિનુ મઝુમદાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શ્યામ – નિનુ મઝુમદાર

મેશ ન આંજુ, રામ!
લેશ જગ્યા નહિ, હાય સખીરી! નયન ભરાયો શ્યામ!

એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ – મેશ

કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ – મેશ

– નિનુ મઝુમદાર

નાનું ગીત, મોટી વાત. કાવ્યનાયિકા આંખમાં મેશ આંજવા તૈયાર નથી. કારણ? નેણમાં તો શ્યામ સિવાય કશાની જગ્યા જ ક્યાં છે? આંખમાં તો કાજળ આંજવાની જગ્યા નથી જ, પણ આંખ નીચે કાજળની રેખા કરવા પણ નાયિકા તૈયાર નથી. એને ડર છે કે રખે ને આંખેથી આંસુ વહે અને એની સાથે ઘનશ્યામ પણ વહી નીકળે! વ્રજવાસિનીઓ ઠેકડી ઉડાવે તો ભલે ઉડાવતી. કૃષ્ણનું નામ, વર્ણ અને કામ –બધું જ કાળું છે. એ ભરેલ મટકીઓ ફોડી નાંખે છે, વણહકના દાણ ઉઘરાવે છે, દહીંદૂધ ચોરી ખાય છે, કપડાં લઈને ભાગી જાય છે. આટલું કંઈ ઓછું છે? વધારામાં કાજળની કાળપ લાગશે તો તો નટખટ ક્યાં જઈને અટકશે? નેતિનેતિ જ ને! મુખડાથી લઈને બંને અંતરા સુધી – આખા ગીતમાં કવિએ એકસમાન ચુસ્ત પ્રાસ જાળવ્યા હોવાથી ગીત વધુ ગાનક્ષમ બને છે. મુખડાની બંને પંક્તિમાં પ્રારંભે મેશ-લેશનો પ્રાસ પણ રચનાને વધુ હૃદ્ય બનાવે છે.

Comments (8)

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! – નિનુ મઝુમદાર

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
…….વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
…….ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
…..આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
…..ફરી દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં
……સમણાં ઢોળ્યાં.

~ નિનુ મઝુમદાર

મન્નાડેના મર્દાના અવાજમાં આ ગીત સાંભળ્યું તો આપણે સૌએ છે જ, પણ આજે શબ્દોની સુંદરતા જુઓ…….

Comments (11)

મારી કોટડીમાં સામાન ઘણો – નીનુ મઝુમદાર

એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે,
એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે,
એકમાં ઘોર નિરાશા
બાળપણાની શેરી લઈ પેલી
ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા,
પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો.

પાર વિનાની ભૂલ પડી છે,
કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
ભાવિના કૈંક ચિતારો
સર્જનનો ઈતિહાસ ભર્યો છે,
ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે,
ઉભરાયો છે વ્યર્થનો મેળો.
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
મારી કોટડીમાં સામાન ઘણો.

– નીનુ મઝુમદાર

જન્મ લઈએ ત્યારે આપણી કોટડી ખાલી હોય છે પણ આપણો બધો પરિશ્રમ આ કોટડીને ભરવાની દિશામાં જ થતો હોય છે. પ્રેમ, મોહ, માયા, મદ, ક્રોધ, કામ ઓછું પડતું હોય એમ સંબંધો, આશાઓ, દુઃખ-સુખ – શું શું નથી ભર્યે જતા આપણે? બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”

Comments (10)

એક સુસ્ત શરદની રાતે – નિનુ મઝુમદાર

એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજો ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં , જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચું હરણનું બેઠું થયું, હળવેકથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઇ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઇ ગઇ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઇ
ને ચંપો ખડખડ હસી પડ્યો
ભ્રુભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઇ ફૂલ બકુલના કૂદી પડ્યાં
મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઇ ને ચકિત થઇ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઇ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃધ્ધ પીપળો ડોકું ધુણાવી
ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધુઓ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઇચ્છા જાગી ગઇ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ સર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી ક્લાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો.

નિનુ મઝુમદાર

પ્રેમના સામ્રાજ્યનું આ સજીવારોપણથી ભરપૂર વર્ણન, ગુજરાતી કવિતાનું એક અમૂલ્ય ઘરેણું છે. જ્યારે અમદાવાદમાં સાક્ષરો અને સારસ્વતો થી ભરચક અને માત્ર રસીકજનો જ હાજર હોય તેવી સભામાં કવિની પુત્રીએ આ ગીત વાંચી સંભળાવ્યું;  ત્યારે તે ત્રણ વખત વન્સમોર થયું હતું .
કોઇ એક લહેરખી ફરી વળે અને પ્રકૃતિના કણેકણમાં આકસ્મિક જ અનંગ જાગી ઊઠે તેનું આટલું સુંદર અને નજાકત ભર્યું વર્ણન વાંચીએ ત્યારે, પ્રેમ એ કેટલી નાજૂક અનુભૂતિ છે તે થોડું થોડું સમજાય છે.

Comments (6)