નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!
સંદીપ પૂજારા

શ્યામ – નિનુ મઝુમદાર

મેશ ન આંજુ, રામ!
લેશ જગ્યા નહિ, હાય સખીરી! નયન ભરાયો શ્યામ!

એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ – મેશ

કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ – મેશ

– નિનુ મઝુમદાર

નાનું ગીત, મોટી વાત. કાવ્યનાયિકા આંખમાં મેશ આંજવા તૈયાર નથી. કારણ? નેણમાં તો શ્યામ સિવાય કશાની જગ્યા જ ક્યાં છે? આંખમાં તો કાજળ આંજવાની જગ્યા નથી જ, પણ આંખ નીચે કાજળની રેખા કરવા પણ નાયિકા તૈયાર નથી. એને ડર છે કે રખે ને આંખેથી આંસુ વહે અને એની સાથે ઘનશ્યામ પણ વહી નીકળે! વ્રજવાસિનીઓ ઠેકડી ઉડાવે તો ભલે ઉડાવતી. કૃષ્ણનું નામ, વર્ણ અને કામ –બધું જ કાળું છે. એ ભરેલ મટકીઓ ફોડી નાંખે છે, વણહકના દાણ ઉઘરાવે છે, દહીંદૂધ ચોરી ખાય છે, કપડાં લઈને ભાગી જાય છે. આટલું કંઈ ઓછું છે? વધારામાં કાજળની કાળપ લાગશે તો તો નટખટ ક્યાં જઈને અટકશે? નેતિનેતિ જ ને! મુખડાથી લઈને બંને અંતરા સુધી – આખા ગીતમાં કવિએ એકસમાન ચુસ્ત પ્રાસ જાળવ્યા હોવાથી ગીત વધુ ગાનક્ષમ બને છે. મુખડાની બંને પંક્તિમાં પ્રારંભે મેશ-લેશનો પ્રાસ પણ રચનાને વધુ હૃદ્ય બનાવે છે.

8 Comments »

  1. મેહુલ એ. ભટ્ટ said,

    October 13, 2023 @ 12:00 PM

    વાહ 👌
    અલગ છે, મજાનું છે.

  2. નેહા said,

    October 13, 2023 @ 12:09 PM

    ગીતનું લાઘવ ધ્યાનાકર્ષક છે.
    ઉપરથી વિષય અને માવજત પણ મસ્ત..

  3. સુનીલ શાહ said,

    October 13, 2023 @ 12:55 PM

    વાહ.. થોડામાં ઘણું-ગહન. મસ્ત ગીત

  4. સુનીલ શાહ said,

    October 13, 2023 @ 12:56 PM

    વાહ.. મસ્ત ગીત.
    થોડામાં ઘણું, ગહન

  5. Meenal Patel said,

    October 13, 2023 @ 1:45 PM

    મારા પપ્પાનું લખેલું ગીત છે. 1952ની આસપાસ.
    “કુમાર”માં છપાયલું. સ્વરાંકન પણ પાપાએ જ કરેલું
    ભૈરવી માં ઠુમરી જેવું. સ્વ. કૌમુદી મુનશી એ ગાતા.
    સુરેશ દલાલ આ રચનાને શ્રેષ્ઠ કૃષ્ણ કાવ્યોમાંનું એક ગણતા.

  6. વિવેક said,

    October 13, 2023 @ 5:46 PM

    @મીનલ પટેલ :

    કવિના પુત્રીના પગલાં અમારા આંગણે થયાનો આનંદ…
    ખૂબ ખૂબ આભાર

  7. Pragnaju said,

    October 13, 2023 @ 7:20 PM

    કવિશ્રી નિનુ મઝુમદારનુ હ્રુ.સુરેશ દલાલે શ્રેષ્ઠ કૃષ્ણ કાવ્ય ગણ્યું તે માણી આનંદ
    ડૉ વિવેક અને સુ શ્રી મીનળનો સ રસ આસ્વાદ
    સ્વ. કૌમુદી મુનશીના સ્વરમા ગવાયેલુ આ ગીત શોધવા પ્રયત્ન કર્યો પણ મળ્યું નથી

  8. Poonam said,

    October 27, 2023 @ 12:06 PM

    મેશ ન આંજુ, રામ! Aahaa !
    – નિનુ મઝુમદાર – 👌🏻

    Aaswad 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment