પાદરની કેડી – જગદીશ ધનેશ્વર ભટ્ટ
સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.
આગળ વધવું એ જ આરદા કોઈ શકે ના રોકી,
અટવાતાં અંધારાં ભેદી નજર રહી અવલોકી,
વીજ તણા ચમકારે હળવે ભવની ભાવટ ફેડી,
સાવ સૂની પાદરની કેડી.
આંખ ઊઘડતાં જોયા આગળ અજવાળાંના ડેરા,
સાસ-ઉસાંસે ખરતા દીઠા જનમ જનમના ફેરા,
રોમ રોમ જાગે અરમાને, પગની તૂટી બેડી,
સાવ સૂની પાદરની કેડી
કોઈ મળે ના સંગી-સાથી, કોઈ લિયે ના તેડી
સાવ સૂની પાદરની કેડી.
– જગદીશ ધનેશ્વર ભટ્ટ
રવીન્દ્રનાથની ‘तबे एकला चलो रे’ તરત યાદ આવી જાય એવું ગીત. જિંદગીની આ રાહમાં કોઈ સાથી કે તેડી લે એવો સહારો નથી, આ સફર સૌએ એકલા જ કાપવાની છે. આગળ વધવું એ જ એકમાત્ર પ્રાર્થના હોય તો નજર અંધારાં પણ ભેદી શકે છે ને ગંગાસતીની જેમ વીજળીના ચમકારે ભવની ભાવટના મોતી પણ પરોવી શકાય છે. આંતર્ચક્ષુ ખૂલી જાય એ ઘડી પ્રકાશના સાક્ષાત્કારની અને ચોર્યાસી લાખ ફેરાની માયાજાળની બેડીઓ તૂટવાની ઘડી છે.
(આરદા= પ્રાર્થના; ભાવટ=પંચાત, જંજાળ)