રામનારાયણ વિ. પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 24, 2020 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રામનારાયણ વિ. પાઠક, શેષ
‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો……’
‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘ સખિ તારો વાંકો…’
– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…
Permalink
August 3, 2019 at 1:30 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, સોનેટ
ધમાલ ન કરો, – જરાયે નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જૂદાં થિંયેં;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
વિયોગમાં સુયોગ શોધતું અ-મર મરણકાવ્ય !
સ્વજનનું મૃત્યુ એટલે હૃદયવિદારકતાની પરાકાષ્ઠા. એમાંય વરસો સુધી સાથ નિભાવનાર જીવનસાથી જિંદગીના પથ પર અચાનક એકલા મૂકીને ચાલી નીકળે એની વેદના તો ભલભલાને હચમચાવી દે છે. જીવનસાથીની વિદાયની આ ઘડીને ઘણા કવિઓએ પોતપોતાની રીતે આલેખી છે. પ્રસ્તુત રચનામાં કવિ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ નો પોતાની જીવનસંગિનીના મૃત્યુને નિહાળવાનો અભિગમ સામાન્ય કરતાં બિલકુલ અલગ જ છે…
કવિતાના વિશદ આસ્વાદ માટે અહીં ક્લિક કરશો જી…
Permalink
May 31, 2019 at 12:30 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, સોનેટ
(શિખરિણી)
‘અરે ભોળા સ્વામી ! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં.
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચ્ચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત તમને છેતરી પીધું
અને- ‘ભૂલે ! ભૂલે અમૃત, ઉદધિનું વસત શી ?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની !’
‘રહો જોયા એ તો, જગ મહીં બધે છેતરાઈને
શીખ્યા છો આવીને ઘરની ધરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો ?’
‘બન્યું એ તો એવું, કની સખી ! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મન થયું બસ્ એ રંગ ધરવા,-
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ?’
તહીં વિશ્વે આખે પ્રણયઘન નિ:સીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું !
-રામનારાયણ વિ. પાઠક
દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્રમંથન કર્યું અને વિષ સહિત ચૌદ રત્નો પ્રાપ્ત થયા. ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા ઘોડો, કલ્પવૃક્ષ, અપ્સરા રંભા તથા પારિજાત વૃક્ષ ઇન્દ્રએ લઈ લીધા, કામધેનુ ગાય ઋષિઓ લઈ ગયા, લક્ષ્મી દેવી, કૌસ્તુભમણિ, પંચરત્ન શંખ વિષ્ણુએ કબ્જે કર્યા, વારૂણીદેવી અસુરોએ રાખ્યાં, ચંદ્રમા વિહાર પર નીકળ્યા જેને પાછળથી શિવે જટા પર ધાર્યા, ધન્વન્તરી વૈદ્ય સ્વર્ગલોકમાં રહ્યા અને અમૃત માટે આખરે બધા લડી પડ્યા. હળાહળ વિષ લેવા કોઈ તૈયાર નહોતું, એ માટે ભોળા ભગવાન શંભુએ આગેકદમ કર્યા અને વિષ પીને ગળામાં ધારી લીધું અને નીલકંઠ તરીકે ઓળખાયા.
ભોળા શંભુને દેવતાઓ ઉલ્લુ બનાવી ગયા એ બાબતમાં પાર્વતી એમને વઢતા હોય એવી કલ્પનાને વિષય બનાવીને મજાનું સૉનેટ કવિ અહીં લઈ આવ્યા છે. પહેલી પંક્તિમાં જ ભોળા સ્વામી કહીને એ ઉધડો લે છે અને જેને હોઠે તમારા (પાર્વતીના) હોઠોની અનુપમ સુધાની તરસ વસતી હોય એ બીજા અમૃતની પરવા શીદ કરે એમ કહીને શિવ પોતાનો બચાવ પણ કરે છે અને પાર્વતીને મસકા પણ મારે છે. પણ પાર્વતી પણ કાચાં નથી. એ કહે છે, રહો હવે! તમને એક ઘરવાળીને જ ઠગતા આવડે છે. બીજું બધું છોડીને ઝેર જ કેમ પીધું એનો ખુલાસો કરો. ભોળાનાથ ખુલાસો કરતાં કહે છે કે સમુદ્રમંથન સમયે સાગરમાં સૂતેલા વિષ્ણુના કંઠે લક્ષ્મીનો હાથ એવો સોહી રહ્યો હતો કે મને પણ કાળો રંગ ધારવાનું મન થયું એટલે મેં ઝેર ગટગટાવીને ગળું શ્યામ કર્યું. હવે આ કાળા ગળા ઉપર આપનો હાથ કેવો વીજળી જેવો સુંદર લાગશે!
પાર્વતી પણ આખરે તો સ્ત્રી જ હતાં. એ શિવને વળગી પડે છે અને એ આશ્લેષમાં જગતભરનું વિષ સાર્થકત્વ પામે છે… કેવી મજાની વાત!
Permalink
March 2, 2018 at 12:30 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, સોરઠા
(સોરઠા)
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ : હોળીથી હેઠા બધા!
દિવાળીને તહેવાર, પ્હેરી ઓઢી સૌ ફરે;
પણ ભેદ ગરીબ શાહુકાર : હોળીથી હેઠા બધા!
લે ને આપે પાન, પણ વરસ વધે એક આયખે;
બુઢ્ઢા બને જુવાન : હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
– રામનારાયણ વિ. પાઠક
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે!
લયસ્તરોના સહુ વાચક-ચાહક મિત્રોને હોળી-ધૂળેટીની રંગારંગ સ્નેહકામનાઓ…
Permalink
April 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રામનારાયણ વિ. પાઠક
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !
એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે ! કે પાંદડું પરદેશી !
મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !
એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !
મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
પહેલાં તો લાગ્યું કે કોઈ માવતરના જીવનો બળાપો છે કે કોઈ પરદેશી આવીવે એમની ચંપા જેવી છોકરીને મોહી ગયો ને છોકરીનું જીવતર બરબાદ કરી ગયો. માવતર દીકરીના સંસારને સહારો-સધિયારો આપવા જમાઈને જાત-જાતની મદદ કરે છે પણ પરદેશી પાંદડું જેનું નામ ! પણ તોય સખીનો કીમિયો ને ફૂંક મારી ઉડાડી મેલવાનો રામબાણ ઇલાજ ઝીગ-સૉ પઝલમાં ક્યાંય ઠેકાણે બેઠો નહીં…
પછી કવિએ પોતે આપેલ ટિપ્પણમાં વાંચ્યું કે મનુષ્યમાં રહેલી પાપવૃત્તિ એ પરદેશી પાંદડું છે ત્યારે અચાનક ગડ ખૂલી ગઈ… દુર્દમ્ય પાપવૃત્તિ જીવનનો ચોકોરથી વિનાશ જ કરશે… માંહ્યલાને દોસ્ત બનાવીને એને ઉડાડી મૂકીએ એ જ એનો કાયમી ઇલાજ છે..
લોકગીતની ચાલમાં ચાલતું આ મજાનું ગીત આપણને તો ગમી ગયું… આપને ?
Permalink
June 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રામનારાયણ વિ. પાઠક, શેષ
(વિયોગિની)
સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !
જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !
સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !
– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે. આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.
પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે. આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!
એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !
(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)
Permalink
December 14, 2007 at 2:09 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, શેષ, સોનેટ
(પૃથ્વી છંદ)
ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.
-રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સૉનેટ વિશે આપણી સામાન્ય માન્યતા એવી રહે છે કે એ વાંચવા-સમજવા ખૂબ જ અઘરાં હોય છે. રા.વિ. પાઠકનું આ સૉનેટ બંને રીતે ખૂબ જ સરળ અને સહજ અપવાદ બની રહે છે. જીવનની સફર અને પૃથ્વી જેવો અજાણ્યો મુલક, ઉંમરના ભારથી જૈફ બનેલી કાયા અને એકલવાયાપણું…. આ બધામાં કોઈ એક ખૂણે થોડી જગ્યા પણ મળી જાય તો તાજગીસભર પ્રભાતનું આવણું અનુભવાવાની લાગણી કેવી સુંદર રીતે અહીં વ્યક્ત થઈ છે !દુનિયાના આ વિશાળ મહેલમાં ક્યાંક કોઈ એકાદો ખૂણો પણ આપણો હોય તો આ દુનિયા પછી અજાણી નથી લાગતી.
(ઘનો=જંગલો, સરાઈ=ધર્મશાળા, હર્મ્ય= હરમ, જઈફ=વૃદ્ધ)
Permalink