માગું બસ રાતવાસો જ હું – રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
(પૃથ્વી છંદ)
ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.
-રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સૉનેટ વિશે આપણી સામાન્ય માન્યતા એવી રહે છે કે એ વાંચવા-સમજવા ખૂબ જ અઘરાં હોય છે. રા.વિ. પાઠકનું આ સૉનેટ બંને રીતે ખૂબ જ સરળ અને સહજ અપવાદ બની રહે છે. જીવનની સફર અને પૃથ્વી જેવો અજાણ્યો મુલક, ઉંમરના ભારથી જૈફ બનેલી કાયા અને એકલવાયાપણું…. આ બધામાં કોઈ એક ખૂણે થોડી જગ્યા પણ મળી જાય તો તાજગીસભર પ્રભાતનું આવણું અનુભવાવાની લાગણી કેવી સુંદર રીતે અહીં વ્યક્ત થઈ છે !દુનિયાના આ વિશાળ મહેલમાં ક્યાંક કોઈ એકાદો ખૂણો પણ આપણો હોય તો આ દુનિયા પછી અજાણી નથી લાગતી.
(ઘનો=જંગલો, સરાઈ=ધર્મશાળા, હર્મ્ય= હરમ, જઈફ=વૃદ્ધ)
pragnajuvyas said,
December 14, 2007 @ 9:55 AM
“નભે ઝઝુમતાં ઘનો” પંક્તીમાં તમે ઘનો=જંગલો અર્થ કર્યો છે તે બરોબર લાગતો નથી.તેથી ગુજરાતી શબ્દકોશમાં શોધ્યું તો નીચે પ્રમાણે પરીણામ આવ્યું.
No such word (ઘનો) found in the dictionary
No such word (નભે ઝઝુમતાં ઘનો) found in the dictionary
પણ મને ઘનોનો અર્થ વાદળો લાગે છે જેમકે-
ઘેરાયો ઘન રાધીકે ગગનમાં,તાપીચ્છછાયા વને,
બીએ બાળમુકુંદ આ રજનીમાં,જોડેજ જાઓ તમે…
મારી બેનપણી પેરીન ઘણી વાર કહેતી-
ઘનો જ આભાર.
લગભગ ૫૦-૬૦ વર્ષ પહેલા અમે ભણતા ત્યારે બકઠા અને રાવિપાની બોલબાલા હતી.તેઓએ સોનેટ અને પૃથ્વી છંદના છંદે ઘણાને ચઢાવ્યા હતા!
આ સુંદર સોનેટ તેમાં
“મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.”
અમે નસીબદાર છે કે અમને આવી મુસાફરીનો અનુભવ છે.
હંમણા ગાઈડેડ ટૂરનાં જમાનામાં કોઈક વાર, પ્રીતિ સેનગુપ્તા જેવો,આવો અનુભવ કરી તો જોજો!
વિવેક said,
December 14, 2007 @ 10:24 AM
અરે! મારી ભૂલ થઈ ગઈ… મનમાં વાદળ હતાં પણ જંગલો લખાઈ ગયું… પેલું કાન્તનું \’સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન\’ મગજમાં ચાલી રહ્યું હતું એમાં ગોથું ખાઈ જવાયું… \’ઘન\’નો અર્થ \’વન\’ થઈ \’મન\’માં પ્રવેશી ગયો… આભાર, પ્રજ્ઞાબેન !
ભાવના શુક્લ said,
December 14, 2007 @ 11:16 AM
લાંબી જીવન સફરમા મળતા આવા આરામદાયક ખુણાઓથી જીવન સાંકડુ નહી પણ હર્યુ ભર્યુ લાગે છે. રાતવાસો તન અને મનના આરામ અને નવી તાજગી માટે હોય છે. ‘શેષ’જીનુ આ સોનેટ પણ થાકેલા મનને મળેલો હુફાળા ખુણાનો રાતવાસો જ છે જે હળવેથી તાજગીના છોડને પાણી સિચિ ગયુ.