શેષ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 24, 2020 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રામનારાયણ વિ. પાઠક, શેષ
‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો……’
‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘ સખિ તારો વાંકો…’
– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…
Permalink
June 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રામનારાયણ વિ. પાઠક, શેષ
(વિયોગિની)
સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !
જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !
સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !
– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે. આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.
પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે. આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!
એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !
(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)
Permalink
December 14, 2007 at 2:09 AM by વિવેક · Filed under રામનારાયણ વિ. પાઠક, શેષ, સોનેટ
(પૃથ્વી છંદ)
ગયો દી, થયું મોડું ને ઉપર રાત અંધારી છે,
નભે ઝઝુમતાં ઘનો, નહીં મું માર્ગનો ભોમિયો,
નજીક ન સરાઈ, સાથી વણ થૈ રહ્યો એકલો,
પિછાણ નહીં ક્યાંઈ, ને મુલક આ અજાણ્યો મને.
બધો દિવસ ચાલી ચાલી ચરણો ય થાકી ગયાં,
ન આશ્રય બીજો – ન બારી પણ ખુલ્લી બીજે કહીં
નિહાળી તમ દીપ, દ્વાર પણ આ તમારાં ખૂલાં,
અજાણ અહીં આવી માગું બસ રાતવાસો જ હું.
વિશાળ તમ હર્મ્ય માંહી ક્યહીં કો ખૂણો સાંકડો,
થશે મુજ જઈફ કેરી મૂઠી દેહને પૂરતો;
તમો નસીબદારને નહીં કશું જણાશે ય ને
પરોઢ મુજને થતાં નવીન તાજગી આવશે.
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.
-રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’
સૉનેટ વિશે આપણી સામાન્ય માન્યતા એવી રહે છે કે એ વાંચવા-સમજવા ખૂબ જ અઘરાં હોય છે. રા.વિ. પાઠકનું આ સૉનેટ બંને રીતે ખૂબ જ સરળ અને સહજ અપવાદ બની રહે છે. જીવનની સફર અને પૃથ્વી જેવો અજાણ્યો મુલક, ઉંમરના ભારથી જૈફ બનેલી કાયા અને એકલવાયાપણું…. આ બધામાં કોઈ એક ખૂણે થોડી જગ્યા પણ મળી જાય તો તાજગીસભર પ્રભાતનું આવણું અનુભવાવાની લાગણી કેવી સુંદર રીતે અહીં વ્યક્ત થઈ છે !દુનિયાના આ વિશાળ મહેલમાં ક્યાંક કોઈ એકાદો ખૂણો પણ આપણો હોય તો આ દુનિયા પછી અજાણી નથી લાગતી.
(ઘનો=જંગલો, સરાઈ=ધર્મશાળા, હર્મ્ય= હરમ, જઈફ=વૃદ્ધ)
Permalink