સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ

સખિ ! જો – – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

(વિયોગિની)

સખિ ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે !
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે !

ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો !

જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને !

પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે !

સખિ ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી !

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

સખીના સંબોધનથી શરૂ થતી વાત તો પ્રેમની જ છે પણ કવિએ સમુદ્ર અને ચાંદનીના પ્રતીક વાપરીને સાવ નોખી રીતે માંડણી કરી છે.  આકાશમાંથી ચાંદની વરસે એને જાણે સમુદ્ર મોજાં ઉછાળી ઉછાળીને હૃદય (પદ્મ)ની પાંદડી-પાંદડીમાં ઝીલવા ન ધારતો હોય એવું મજાનું કલ્પન અહીં રજૂ થયું છે. અને પૂર્ણ પૂર્ણિમાની રાત્રે તો જેમ શંકર તાંડવ ન કરતા હોય એમ ઊંચા પર્વત સમા મોજાં ઊછાળીને પોતાનું હૈયું એને કિલ્લોલપૂર્વક અર્પણ કરે છે.

પણ આ દુનિયામાં જે પાત્રમાં શુભ્ર ચાંદની પીવાની છે ત્યાં એ જ પાત્રમાં કાળું અંધારું પણ પીવાનું છે.  આવા અમાસના સંજોગોમાં પણ ગત પર્વ (અહીં પૂર્ણિમા) યાદ રાખી સમુદ્ર (અમાસની) ભરતીએ ચડે જ છે ! કેવી સુંદર શીખ!!

એ જ રીતે હે પ્રિય સખી ! પૂર્ણિમા જેવી તું નથી હોતી ત્યારે પણ મારું હૃદય તને યાદ કરી કરીને ઊર્મિશીલ થઈ તારા ભણી જ ઢળે છે !

(ઉદધિ= સાગર, દધિ= સાગર, કૌમુદી= ચાંદની, ધૂર્જટિ= શંકર)

7 Comments »

  1. Jayshree said,

    June 28, 2009 @ 12:52 AM

    વાહ… મઝા આવી આ ઊર્મિકાવ્ય વાંચીને..!

    જગમાં પણ કોઈને કદી
    ન મળે એકલી શુભ્ર કૌમુદી;
    અજવાળું પીધેલ ભાજને
    ભરી અંધારું પીવાનું છે જ ને !

    અને આસ્વાદ કરાવીને તમે આ કવિતા વધુ ગમતીલી બનાવી.. !

  2. pragnaju said,

    June 28, 2009 @ 5:30 AM

    સુંદર ઊર્મિ કાવ્યનું સ રસ રસદર્શન
    સખિ ! એમ કદી કદી મને
    મુજ આ કૌમુદી-અસ્ત જીવને
    ઉર આવતી ઊર્મિ ઊછળી,
    બનતી સાર્થક તું ભણી ઢળી !
    ખૂબ ગમી આ પંક્તીઓ

  3. Kirtikant Purohit said,

    June 28, 2009 @ 6:22 AM

    બીજી લીટીમાં નાતરે નહિ પણ નીતરે હશે કદાચ.ટાઇપ ભૂલ હોય પણ.અમે નાનપણમાં શાળામાં આ કવિતા ભણતા હતા શાયદ. ઉત્તમ ઉર્મિ કાવ્ય.

  4. sudhir patel said,

    June 28, 2009 @ 9:57 AM

    સરસ છંદોબધ્ધ ઊર્મિ-કાવ્ય અને એવો જ ભાવવાહી રસાસ્વાદ!
    સુધીર પટેલ.

  5. વિવેક said,

    June 29, 2009 @ 12:08 AM

    શ્રી કીર્તિકાન્તભાઈ,

    નીતરે જ છે… ટાઈપિંગની ભૂલ સુધારી લઉં છું..

  6. P Shah said,

    June 29, 2009 @ 12:07 PM

    એક સુંદર ઊર્મિકાવ્ય ! અને એવો જ સુંદર રસાસ્વાદ !

  7. Shailesh pandya said,

    July 6, 2009 @ 5:08 AM

    Vah..very good

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment