દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

એવું રે તપી ધરતી – પ્રહલાદ પારેખ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ,
એવું રે તપી ધરતી, એવું રે તપી.

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે:
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી!
એવું રે તપી ધરતી, એવું રે તપી.

કહોને તમે સૌ તારા! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાંયે વાણી?
એની રે કમાન દીઠી તણાઈ કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.

આવોને મેહુલિયા! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી!
એવું રે તપી ધરતી, એવું રે તપી

– પ્રહલાદ પારેખ

ઉનળો શરૂ થઈ ચૂક્યો છે. સવાર અને સાંજના થોડા સમયને બાદ કરતાં મે મહિનાની યાદ અપાવી દે એવી ગરમી અને ઉકળાટ અત્યારમાં વર્તાઈ રહ્યો છે. લોકગીતની ચાલમાં કવિ ઉનાળામાં તપી જતી ધરતીના નાનાવિધ આયામો રજૂ કરે છે. ગરમીનો પ્રકોપ અને દૂર દૂર સુધી નજરે ન ચડતી મેહુલિયાના આગમનની એંધાણીને અડખેપડખે મૂકીને કવિ કમસેકમ હૈયાને શીતળતા બક્ષે એવી મજાની રચના આપે છે. જો કે આ રચના વાંચવાની સખ્ત મનાઈ છે… એને તો ફરજિયાત ગણગણવી જ રહી…

7 Comments »

  1. Kajal kanjiya said,

    April 1, 2021 @ 8:10 AM

    વાહહ ..છેલ્લો બંધ ખૂબ સરસ
    અભિનંદન 💐

  2. saryu parikh said,

    April 1, 2021 @ 9:24 AM

    આ ભજન નાનપણમાં સાંભળતાં…આજે બરાબર મ્હાણ્યું.
    “કહોને તમે સૌ તારા! દૂરે છો દેખનારા,
    કહોને ડુંગરનાં શિખરો! આકાશે પહોંચનારાં;
    આંખોની વીજ એની ઝબૂકી કહીં?
    એવું રે તપી ધરતી, એવું રે તપી.”
    સરયૂ પરીખ

  3. DILIPKUMAR CHAVDA said,

    April 1, 2021 @ 10:29 AM

    વાહ, સુંદર મજાનું ગીત 👏👏👏💐

  4. pragnajuvyas said,

    April 1, 2021 @ 11:47 AM

    એવું રે તપી ધરતી, એવું રે તપી,
    જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી
    વાહ્
    સરસ મજાનુ ગીત્ શાળાના દીવસોમા ગાતા !
    યાદ આવે ઋગ્વેદ-
    ‘હળ તૈયાર કરો, પશુઓને જોતરો ને તૈયાર ખેતરમાં વાવણી શરૂ કરી દો. આપણા ગાને ગાને કણેકણ ઊગો. આ પાકી ગયેલા પડખેના ખેતરમાં લાણી પડવા દો.
    ‘તરસ્યાં પશુઓ માટે થળાં તૈયાર કરો. આ સદાય ભર્યા ઊંડા શુકનવંતા કૂવામાંથી પાણી સીંચવા માંડો.
    ‘થળાં તૈયાર છે; ઊંડા ને શુકનવંતા કૂવામાં ડૂબેલ કોસ છલકે છે. ખેંચો, પાણી ખેંચો.
    ‘હે ક્ષેત્રપાલ ! અમારા ખેતરમાં સ્વચ્છ, મધુર ને ઘી જેવો, આનંદદાયી, અતૂટ, અમારી ગાયોના દૂધ જેવો વરસાદ વરસાવો. મેઘરાજા ! અમારા પર પ્રસન્ન થાઓ.
    ‘બળદો, આનંદથી કામ કરો. માણસો, આનંદથી કામ કરો; હળ, આનંદથી ચાલો. આનંદથી નાડળ બાંધો; આનંદથી બળદો હાંકો.
    ‘ઇન્દ્ર ! આ ચાસને સ્વીકાર. પૂષન્‌ ! એને આગળ લઈ લે. વરસાદના જળે એ ભરાઈ જાય, અને વર્ષોવર્ષ અમને ધાન્ય આપે.
    ‘ચવડું જમીનમાં આહ્‌લાદથી ચાલો, માણસો બળદોની વાંસે વાંસે આહ્‌લાદથી ચાલો. પૃથ્વીને મધુર વરસાદથી ભીંજવો. હે દેવો ! અમારા પર સુખ વરસાવો.
    અને Canzone—W. H. Auden
    We are created from and with the world
    To suffer with and from it day by day.
    તરન્નુમમા માણવા
    પ્રહલાદ પારેખ પર્વ 6 : એવું રે તપી …http://tahuko.com › …· Translate this page
    Jan 10, 2012 — એવું રે તપી ધરતી, એવું રે તપી, જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી. અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય, કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય, તોયે ન આવ્યો હજુયે મેહુલો …

  5. MAHESHCHANDRA NAIK said,

    April 2, 2021 @ 12:13 AM

    સરસ,મઝાનુ ગીત…….

  6. Dr Heena Mehta said,

    April 2, 2021 @ 12:20 AM

    મસ્ત!!
    કુદરત વર્ષા ને તરસે !

  7. Ravajibhai પટેલ said,

    September 8, 2021 @ 9:49 AM

    આ ઋગ્વેદની આ રચના માનવ જીવનને જીવંત બનાવે છે.પ્રહલાદ પારેખરચના ધરતીની વેદના દર્શાવે છે. બંને રચનાઓ મળીને માનવીને સાચકલી જીવતા શીખવાડે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment