સ્મિતા પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 19, 2011 at 7:37 AM by વિવેક · Filed under ગઝલ, મુક્તક, સ્મિતા પારેખ
સાલસ સ્વભાવ અને ઋજુ હૃદયના આશાસ્પદ કવયિત્રી તથા વાર્તાકાર શ્રીમતિ સ્મિતા કિશોર પારેખનું આજે મળસ્કે યુવાન વયે અકાળ અવસાન થયું. ‘લયસ્તરો’ એમને હાર્દિક શબ્દાંજલિ પાઠવે છે. એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.
(જન્મ: ૩૦-૦૯-૧૯૫૨…. ….મૃત્યુ: ૧૯-૧૨-૨૦૧૧)
નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.
***
સાવ કોરો પત્ર તું એકાદ જો,
થૈ શકે તો મૌનનો અનુવાદ જો.
જ્યાં હવામાં સ્હેજ ભીનો સ્પર્શ છે,
ત્યાં તું આવે યાદ વરસો બાદ, જો.
નીંદ વેરણ ને ઉદાસી રાતભર,
તું ન આવે, આવતી લે યાદ, જો.
મેઘ એકે ના અહીં આકાશમાં,
આજ મારા આંસુનો વરસાદ જો.
દિલને એનાથી વધુ શું જોઈએ ?
કે તું આવે, એક દઈ દઉં સાદ, જો.
જિંદગીએ બસ, ઘણું આપ્યું મને,
આ પડાવે કોઈ ના ફરિયાદ જો.
માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
રેશમી આ સ્મિતમાં અવસાદ જો.
– સ્મિતા કિશોર પારેખ
Permalink
June 18, 2010 at 1:30 AM by વિવેક · Filed under દિલીપ મોદી, પંકજ વખારિયા, બકુલેશ દેસાઈ, રઈશ મનીયાર, રવીન્દ્ર પારેખ, શેર, સંકલન, સ્મિતા પારેખ, હેમાંગ જોશી
એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.
અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)
કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.
*
શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…
*
હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.
– રઈશ મનીઆર
*
છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.
– બકુલેશ દેસાઈ
*
બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.
– દિલીપ મોદી
*
ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.
– રવીન્દ્ર પારેખ
*
બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.
-હેમાંગ જોષી (ભરૂચ)
*
નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.
-સ્મિતા પારેખ
*
પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.
-પંકજ વખારિયા
(ભાગ-૨ આવતીકાલે)
Permalink
February 19, 2010 at 12:56 AM by વિવેક · Filed under ગઝલ, સ્મિતા પારેખ
જિંદગી કેવી અધૂરી હોય છે !
ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?
એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.
કોણ જાણે કેવી મજબૂરી રહી ?
હોય પાસે તોય દૂરી હોય છે.
વાતવાતે આમ હસતી હોઉં છું ,
વેદના ભીતર ઢબૂરી હોય છે.
રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.
– સ્મિતા પારેખ
એક સરળ સહજ ગઝલ… અધૂરી ઇચ્છાના ઝૂરાપા સાથે સંધ્યાના રાતા થવાની વાત કવિએ કેવી સુંદર રીતે વણી લીધી છે!
Permalink