ખુશબૂ અડચણ વિના વહે છે બધે,
વહાલની વાત છે, પ્રચાર નથી.
વિવેક મનહર ટેલર

તને માફક નહીં આવે – પંકજ વખારિયા ‘પ્રેમકમલ’

ત્યજી દે સત્વરે કાગળ, તને માફક નહીં આવે,
ગઝલ છે ભેજવાળું સ્થળ, તને માફક નહીં આવે.

ભલેને સાવ છે નિર્મળ, તને માફક નહીં આવે
જરા ખારું છે અશ્રુજળ, તને માફક નહીં આવે.

કદી તું ગણગણી લે શામે-ગમનાં ગીત, અલગ છે વાત,
આ રહેવું કાયમી વિહવળ, તને માફક નહીં આવે.

તું ટેવાયો છે ચોક્કસ રાહ પર રહેવાને અગ્રેસર,
ભટકવું કોઈની પાછળ, તને માફક નહીં આવે.

તું તારા ફાર્મહાઉસમાં લગાવી દે ફૂવારાઓ,
વરસતી હેલી ને ખળખળ તને માફક નહીં આવે.

તું ઝુમ્મરની જ ઝાકમઝોળથી કર તારું ઘર રોશન,
મીંચેલી આંખનું ઝળહળ તને માફક નહીં આવે.

ગમે તે પી લઈને તર થવાને નામે ડૂબી મર,
તરસની નાવ ને મૃગજળ તને માફક નહીં આવે.

ચળકતી ચાંદનીમાં શબ્દની, બેફિક્ર બેઠો રહે,
ઉકળતા લોહીની ચળવળ તને માફક નહીં આવે.

તું ચાવ્યાં કર ફકત પીળાં પડેલાં પાન ગ્રંથોના,
વિકસતી તાજી આ કુંપળ તને માફક નહીં આવે.

– પંકજ વખારિયા (પ્રેમકમલ)

(ડૉ. અશરફ ડબાવાલાની પંક્તિ ‘શબદની કેદ કે કાગળ તને માફક નહીં આવે’ની જમીન પર)

નવશેરની નવરંગ ગઝલ. તને માફક નહીં આવે જેવી ભાતીગળ રદીફ બખૂબી નિભાવીને કવિએ સરસ ચાબખા માર્યા છે. કવિઓને સંબોધીને લખાયેલ પ્રથમ અને આખરી શેર તો હૃદયમાં મઢાવી રાખવા જેવા…

6 Comments »

  1. Pravin Shah said,

    July 29, 2021 @ 5:33 AM

    વાહ પંકજભાઈ..
    ખૂબ જ સુંદર ગઝલ થઈ છે.

  2. pragnajuvyas said,

    July 29, 2021 @ 7:47 AM

    કવિશ્રી પંકજ વખારિયા ની મજાની નવરંગ ગઝલ,
    તું ચાવ્યાં કર ફકત પીળાં પડેલાં પાન ગ્રંથોના,
    વિકસતી તાજી આ કુંપળ તને માફક નહીં આવે.
    વાહ
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  3. saryu parikh said,

    July 29, 2021 @ 10:58 AM

    સરસ ગઝલ. મને પણ “તું ચાવ્યા કર …”વિશેષ ગમી. અમુક સાહિત્ય રસિકોને પણ લાગું પડે છે.
    સરયૂ

  4. પૂર્વી બ્રહ્મભટ્ટ said,

    July 30, 2021 @ 4:18 AM

    સરસ ગઝલ 👌👌

  5. Maheshchandra Naik said,

    July 31, 2021 @ 5:04 PM

    સરસ,સરસ ગઝલ……

  6. Lata Hirani said,

    August 7, 2021 @ 1:51 AM

    જબરા કટાક્ષો ગઝલમાં મજાની રીતે ગૂંથયા છે… મજા આવી ગઈ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment