કેટલાં દૂર જઈ અને દેવો વસ્યાં
આમ આપણને કરાવી જાતરા !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિહંગ વ્યાસ

વિહંગ વ્યાસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – વિહંગ વ્યાસ

પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.

અસંખ્ય કલ્પનો અહીં તહીં બધે ખરી પડ્યાં,
પરંતુ તારી જેમ કોઈએ કરી ન માવજત.

તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું,
હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત.

રચાય પણ, વિલાય પણ, કદીક વ્યક્ત થાય છે;
ગઝલની આવ-જા યુગોથી ચાલતી હશે સ્વગત.

સદાય હાજરાહજૂર વર્તમાન ધન્ય છે,
ભવિષ્ય ભૂતકાળની શું કામ બાંધીએ મમત !

– વિહંગ વ્યાસ

મત્લાનો શેર વાંચતા જ હરિવંશરાય બચ્ચનની “કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી” કવિતા કે ‘કરતાં જાળ કરોળિયો” યાદ આવી જાય, પણ આ હમરદીફ-હમકાફિયા ગઝલમાં કવિએ એ જ વાત જે રીતે રજૂ કરી છે એ અંદાજે-બયાઁ મેદાન મારી જાય છે. એક તરફ બધા જ શેર ઉમદા થયા છે તો બીજી તરફ “લગાલગા લગાલગા” છંદોવિધાનનો હિલ્લોળા લેતો લય અને ચુસ્ત કાફિયાની બાંધણી ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (7)

ગઝલ – વિહંગ વ્યાસ

આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,
છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ!

કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,
કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ.

એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

-વિહંગ વ્યાસ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાવાળી મજાની ગઝલ…

Comments (22)

ગીત – વિહંગ વ્યાસ

Vihang Vyas_ Tu aavya ni vela
(ખાસ ‘લયસ્તરો’ માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગીતરચના)

*

તું આવ્યાંની વેળા
રોમે રોમે રોજ દૂઝતાં, રુઝ્યાં આજ ઝળેળા

સમેટાઈને રાખેલા વિખરાઈ ગયા છે શ્વાસ
તારે પગલે મારી ભીતર દોમ દોમ અજવાસ

ઉંબરથી ઓસરિયે વહેતા કુમકુમવરણા રેલા

જાણ થઈ છે આજ મને કે ખળખળવું એ શું
નર્યો નીતર્યો મારે ફળિયે અવસર યાને તું

વરસોના અળગા પડછાયા કરીએ આજે ભેળા
તું આવ્યાંની વેળા

-વિહંગ વ્યાસ

વિરહાસન્ન જીવન માટે મિલનની એક જ વેળા કેવી સંજીવની બની રહે છે ! વિયોગ અને પ્રતીક્ષાના અગ્નિથી રોમે-રોમે રોજે-રોજ ફૂટતા ફોલ્લા એક જ ઘડીમાં રુઝાઈ જાય છે. જે શ્વાસ માત્ર જીવવાના હેતુસર ભીતરમાં શગની પેઠે સંકોરીને રાખી મૂક્યા હતા એ આજે વિખેરાઈને ચોમેર પ્રસરી રહ્યા છે અને બહારની જેમ જ અંદર પણ અજવાળું અજવાળું થઈ રહે છે… ઉંબરે થીજી રહેલી પ્રતીક્ષા ઓસરી સુધી દડી જાય અને એના પગલે પગલે કંકુછાંટણા થાય એ જ તો મિલનનું ખરું સાફલ્ય છે… અને કવિની આખરી આરત એમના પ્રણયની ચરમસીમાની દ્યોતક છે… એ આવે એ જ એમને મન ખરો અવસર છે… કાયા નહીં, માત્ર પડછાયા એકમેકમાં ભળી જાય તોય આ સંતોષીજનને તો ઘણું…

Comments (7)

ગઝલ – વિહંગ વ્યાસ

Vihang Vyas_Anaayaas ne kalpanaatit
(લયસ્તરો માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ કૃતિ)

અનાયાસ ને કલ્પનાતીત થયું છે
નરી આંખે સપનું ઉપસ્થિત થયું છે

ઉલા-સાની મિસરાની વચ્ચે જ તારું
પ્રવેશી જવું અર્થગર્ભિત થયું છે

અનુમાન તું સાવ ખોટા કરે છે
જગત સામટું ક્યાં પરિચિત થયું છે

સ્મરણ કોઈનું કેમ રાખીશું ગોપિત
અહીં અશ્રુ પણ સર્વવિદિત થયું છે

ખરે ડાળથી પાંદડું પૂર્વયોજિત
હવાનું હલેસું તો નિમિત્ત થયું છે

ખરેખર તમારા જ હોવાનું નાટક
તમારાથી થોડું અભિનિત થયું છે

-વિહંગ વ્યાસ

ઢસા (ભાવનગર)ના યુવાન કવિ વિહંગ વ્યાસ કરિયાણું, ફરસાણ અને મીઠાઈ બાંધવાની સાથોસાથ પડીકામાં ગીત-ગઝલ પણ બાંધી આપે છે. ગુજરાતીમાં સ્નાતક થયા હોવાની છાપ આ ગઝલમાં ડગલે ને પગલે ચાડી ખાય છે. અહીં જે પ્રકારના કાફિયા એમણે પ્રયોજ્યા છે એ પોતે અનાયાસ અને કલ્પનાતીત છે ! આખી ગઝલ પહેલા વરસાદના છાંટા જેવી તાજી-ભીની છે પણ છેલ્લા બે શેર યાદગાર નીવડ્યા છે. એની ઇચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી એ વાત કેવી રોચક રીતે લઈ આવ્યા છે. સૃષ્ટિમાં જે પણ કંઈ થાય છે એ સઘળું હરિઇચ્છાથી જ થાય છે. પાંદડું ઝાડ પરથી ખરે યા એ રીતે સંસારમાં જે કોઈ બીના ઘટે એ બધી પૂર્વયોજિત જ હોય છે, હવા કે હોવાપણું એ માત્ર નિમિત્ત જ છે… એટલે જ નરસિંહે ગાયું છે ને કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા

Comments (32)