કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે !
મુકુલ ચોકસી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઊર્મિ

ઊર્મિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોના સહસંપાદિકા મોના નાયક તથા એના જીવનસાથી ચેતનને સફળ દામ્પત્યજીવનના સોળ પગલાં પૂર્ણ કરવા બદલ લયસ્તરો તરફથી હાર્દિક અભિનંદન !

લગભગ બધા જ શેર સરસ થયા છે પણ મને મનનું તમસ હણવાની વાત અને પગરવના રણઝણવાની વાત વધુ ગમી ગઈ…

Comments (34)

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

આજનો અંધાર જો, રળિયાત છે !
આપણી વચ્ચે શું કોઈ વાત છે?

ક્યાં ગયો લય, જે હતો હર શબ્દમાં?
દિલમાં મારા એ જ ઉલ્કાપાત છે.

એ ધધખતું રણ લઈને આવશે,
એ સ્મરણ છે, એ જ એની જાત છે.

એટલું સહેલું નથી, જીવન તો એક
યુદ્ધ છે, ને એના કોઠા સાત છે.

કેમ તું ચર્ચાય છે, હોવાપણું?
તું નથી ને તોયે તું સાક્ષાત છે.

ક્યાં લગી એ પાળશે નિઃસ્તબ્ધતા ?
‘ઊર્મિ’ની તાસીર ઝંઝાવાત છે.

-મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોની સહસંપાદિકા અને આશાસ્પદ કવયિત્રી મોનાની એક તરોતાજા ‘ઊર્મિ’સભર ગઝલ… સરળ ભાષા, સહજ બોધ અને ત્વરિત પ્રત્યાયનશીલતા – કોઈ પણ ઉત્તમ ગઝલના આ બધા ઘરેણાં યોગ્ય રીતે પહેરીને આવેલી આ દુલ્હનને આવકારીએ…

Comments (22)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – १)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘ ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’ નામના બીજનું સંવર્ધન પાકિસ્તાનના ‘જંગ’ અખબારના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યું છે. આ અન્વયે બે દેશના શાયરો વચ્ચે ફિલબદી (પાદપૂર્તિ) યોજવાની વિચારણા હતી અને ઇન્ટરનેટના માધ્યમનો હવાલો મને સોંપવામાં આવ્યો. કમનસીબે પાકિસ્તાનની વેબસાઇટ્સ અને અખબારોના તંત્રીઓને લખેલા એક પણ ઇ-મેલનો જવાબ સરહદપારથી હજી આવ્યો નથી… આ કાર્યક્રમને ઘણા લોકોએ વખોડ્યો પણ ખરો, પણ અમે તો એટલું જ માનીએ છીએ કે દુર્યોધન ભલે યુધિષ્ઠિર ન થાય પણ યુધિષ્ઠિર તો દુર્યોધન ન જ થાય…

દેશ-વિદેશમાં વસતા ભારતીય કવિઓએ સરહદની પેલે પાર પ્રેમભર્યો હાથ લંબાવ્યો છે… એની થોડી ઝલક:

યુ.કે.થી ગુજરાતી લિટરરી ગ્રુપ ઑફ લેસ્ટરના સેક્રેટરી દિલીપ ગજ્જર વિખરાયેલા બે દાણાઓને તસ્બીમાં પરોવી દેવા જેવી ઉદાત્ત ભાવના સાથે આવે છે:

सीमीत मनकी  पंखका निस्सीम हो विस्तार,
अब  घोंसला  है  विश्व  सभीका  सदन  रहें

तस्बीमें   पीरों   दूँ में ये  बिखरे  हुए   दाने
हरदम  खुशीमें चुरचुर  मन  और  तन  रहें

ફ્લોરિડા, અમેરિકાથી જૈફ શાયરા નઈમ ફાતિમા તૌફિક એકતાની આહલેક જગાવે છે:

हम एक हैं, हम एक हैं – नारा बुलंद हो,
सरहद की दोनों ओर चहकता चमन रहे

વડોદરાના મીનાક્ષી ચંદારાણા ગઝલની પંક્તિને બખૂબી ગીત બનાવીને પીરસે છે અને બે ધર્મ, બે પ્રાંત અને બે માણસોના મીઠા મિલનથી વાતાવરણને રંગી દે છે:

कविता हो शायरी हो, गाना हो, हो तरन्नुम,
हो भक्ति, हो तसव्वुफ, हो प्रेम, हो तगझ्झुल,
आझान आरती का मीठा मिलन रहें…
सरहद की दोनो और चहकता चमन रहें ।

-તો અમિત ત્રિવેદી સરહદને જોનારી આંખોને અંધકરાર આપે છે:

अंधी जो आंखे  देख  सके उस  लकीर को –
बोलो क्युँ देखे हम भी वो जिस पर कफन रहे

– યુ.કે.થી ગુજરાતી રાઈટર્સ ગિલ્ડના માનદ્ સેક્રેટરી શ્રી સિરાઝ પટેલ ‘પગુથનવી’ પણ કાયમી શાંતિની આશાને પુષ્ટિ આપે છે:

सरहदकी   दोनों    और   चहकता  चमन  रहे’
बेसाखता    हे    हसरत   अमनो    अमन   रहे

અમેરિકાથી ‘ઊર્મિ’ પણ અંતરો વચ્ચેના અંતરને ઓછું કરવાના મતની છે અને માથા પર કોઈ સીમા વિના વિસ્તરેલા આકાશના વિશાળ ઐક્યને દિલોમાં ઉતારવાની મધુરી વાત કરે છે:

हर दिलसे ये दुआ उठे की दूरियां हो कम,
दोंनो तरफको चैन मिले और अमन रहे.

तो क्या हुआ अलग है जमीं और अलग धरम,
यु इक बने रहे सभी जैसे गगन रहे.

-જેતપુરના તબીબ કવિ ડૉ. જે.કે. નાણાવટીનો અંદાજ-એ-બયાઁ બધાથી નિરાળો છે. એમની પંક્તિઓ દિલ પર સદાકાળ માટે અંકિત થઈ જાય અવી છે:

आदाब एक हाथ से, या दो से नमस्ते
दिलमे जरुरी खास, खयाले नमन रहे

भंवरे तो गुनगुनायेंगे, आदत ही डाल दो
मक़सद यही रहे की सलामत सुमन रहे

-અમેરિકાથી સુધીર પટેલ પણ એમની હળવી સરળ બાનીમાં ઊંડી અને ઊંચી વાત કરે છે:

हद की लकीर चाहे रहे नक़्शे पे यहां ,
दिल पे मगर ना कोइ भी हद का चलन रहे |

– સુરતના કવિઓના દિલની વાત આવતા શનિવારે….

Comments (10)

तेरे आने के बाद – ઊર્મિ

gazal-mona-handwriting2

(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.

સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.

કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.

આંખમાં ઊમટે સાત રંગો સતત
અશ્રુઓ ઝળહળે तेरे आने के बाद.

શબ્દ કે અર્થ કૈં પૂરતું ના પડે,
કાવ્યમાં શું ઢળે, तेरे आने के बाद ?!

તું અહીં, તું તહીં, તું તહીં, તું અહીં,
ક્યાંય ‘હું’ ના મળે तेरे आने के बाद.

ઉર મહીં ‘ઊર્મિ’ તું, મારો પર્યાય તું,
તું બધે ખળભળે तेरे आने के बाद.

ઊર્મિ (૭ મે ૨૦૦૯)

ગયા અઠવાડિયે જ મૂકેલી અને બધાને ખૂબ ગમી ગયેલી तेरे जाने के बाद  ગઝલ ના બીજા ભાગ જેવી આ ગઝલ હિન્દી અને ગુજરાતી બન્નેના ઉપયોગ ઉપરાંત ‘ગઝલ-બેલડી’ના આ નવા પ્રયોગને કારણે પણ યાદ રહેશે.  શબ્દ અને કલ્પનોની સાદગી આખી ગઝલને ઉષ્મા અને ઘેરી અસરકારકતા બક્ષે છે. પાંપણ પર તગતગતા આંસુમાં પણ કોઈના આવવાથી સાતે રંગ દેખાવા માંડે એ આ ભાવવિશ્વની ચરમસીમા છે !

Comments (14)

तेरे जाने के बाद – ઊર્મિ

gazal-mona-handwriting
(ઊર્મિની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

ઊર્મિ  (૬ મે ૨૦૦૯)

સ્નિગ્ધ એકલતાની નખશિખ સુંદર ગઝલ. ગયા અઠવાડિયે મૂકેલી ઝફરસાહેબની ગુજરાતી રદીફવાળી હિન્દી ગઝલ જોઈ લઈ, એની સાથે સરખાવશો.

Comments (25)

યાદ તવ નિતરે સખા… – ઊર્મિ

વ્હાલ અપાર ઉમટે સખા,
ટેરવા નિતરે સખા.

એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે સખા.

શ્વાસના ઉત્પાતમાં,
તું સતત મહેંકે સખા!

શબ્દ સૌ ઠાલા બની,
મૌન થઈ બહેકે સખા!

જિન્દગીનાં સારમાં,
તું જ તું વિચરે સખા!

ક્યાં લખું છું કાવ્ય કોઈ!
યાદ તવ નિતરે સખા…

-’ઊર્મિ’

ઊર્મિસાગર ડૉટ કોમથી ગુજરાતી વેબવિશ્વમાં પરિચિત અને લાડકી બનેલી ઊર્મિનો આજે જન્મદિવસ છે. એની જ એક ગઝલ આજે લયસ્તરો પર જન્મદિવસની એક નાનકડી ભેટ તરીકે. ગંગાનું અવતરણ થતું હોય એમ ધસમસતી યાદોના પ્રપાતમાં શબ્દોનું ખાલીખમ થઈ જવું સ્વાભાવિક છે અને જ્યારે શબ્દ સાવ ખાલી થઈ જાય છે ત્યારે વરસાદ વરસી ગયા પછીના આભ જેવું સ્વચ્છ મૌન બહેકી ઊઠે છે. આવી મદમસ્ત યાદો નિતરતી હોય ત્યારે કાગળ પર જે કંઈ શબ્દ-ચિત્ર દોરાતા હોય છે એ જ તો છે સાચી કવિતા…

વર્ષગાંઠ મુબારક હો, ઊર્મિ!

Comments (15)

ઝાકળબુંદ : ૭ : ઊર્મિચિત્રો – ઊર્મિ

ચલચિત્રની જેમ
ક્ષણે ક્ષણે
બદલાતી
મારી ઊર્મિનાં

ચિત્રો છે…
જેને મેં
માત્ર
મારા શબ્દોની
ફ્રેમમાં મઢ્યા છે…
એને કાંઈ
કાવ્યો થોડા કહેવાય?!!

– ‘ઊર્મિ’

અમેરિકા સ્થિત આ ‘સદ્યશબ્દેલ’ કવયિત્રીને ગુજરાતી નેટ-જગતના નિયમિત વાચકો ભાગ્યે જ નહીં જાણતા હોય. ‘ઊર્મિનો સાગર‘ નામે વેબસાઈટ હેઠળ એ પોતાની રચેલી અને પોતાને ગમેલી કવિતાઓના બે બ્લૉગ્સ ઉપરાંત સર્વપ્રથમ ઓનલાઈન ગુજરાતી પોએટ્રી વર્કશૉપ પણ ચલાવે છે. છંદના કુછંદે ચડ્યા પછી એમની રચનાઓમાં ઉત્તરોત્તર નિખાર આવી રહ્યો છે પણ આ અછાંદસ કવિતા મને ખૂબ જ ગમી ગઈ. કવિતાની વ્યાખ્યા કરતી ઘણી કવિતાઓ આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. પણ ‘નન્નો’ પરખાવીને રોકડી વાત કરતું આ લઘુકાવ્ય સિદ્ધહસ્ત કવિઓની પંગતમાં બેસી શકે એવું મજાનું અને અર્થસભર થયું છે…

Comments (14)