એષા દાદાવાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 25, 2022 at 2:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
એનીવર્સરી
એ
વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!
– એષા દાદાવાળા
Permalink
June 1, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
હવે મને
ગુલાબને સ્પર્શવાનું ગમતું નથી…
સ્પર્શું છું તો એની પાંદડીઓ કાંટાની જેમ ભોંકાય છે હથેળી પર
પછી હથેળી પર લોહી જામી ગયું હોય એવું
લાગ્યા કરે છે સતત…
બાલ્કનીના કૂંડામાં ઊગેલાં ગુલાબને જોઈને
ઘણીવાર ઝનૂન સવાર થઈ જાય મનમાં…
પછી જોરથી શ્વાસ ચાલવા માંડે
અને હું
કૂંડામાં ઊગેલાં બધાં જ ગુલાબને એક સામટાં તોડી નાખું
અંદરના રૂમમાં દોડી જઈ અરીસા સામે ઊભી રહું
શ્વાસ ચઢી જાય
પણ
જોરથી ચાલતા શ્વાસનો પડઘો પાડવાનું છાતી ભૂલી ગઈ હોય
એમ
સાવ સીધું સપાટ
એનાં જેવું જ
પ્રતિબિંબ
અરીસો પાડે
અને
હું હાથમાં પકડેલાં બધાં ગુલાબને મુઠ્ઠીમાં ભીંસી નાખું…!!
– એષા દાદાવાળા
એષાની કવિતા કાંટાની જેમ ન ભોંકાય તો જ નવાઈ…
Permalink
August 4, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under એષા દાદાવાળા, ગીત
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
–એષા દાદાવાળા
અહીં ગીતની નાયિકા ભલે એમ કહે છે કે મારી આંખોએ બેઠું ચોમાસું, પરંતુ મને તો લાગે છે કે નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે… 🙂
Permalink
November 24, 2009 at 2:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો –
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે
આંખોને લાલ કરીને જોયું
મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,
પછી
થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકાં-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની
બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!
–એષા દાદાવાળા
હજીયે ઘણા ઘરોમાં ‘સ્વાભાવિક’ બનતી આ પ્રકારની દૈનિક ઘટનાને એષાએ બખૂબી તાદૃશ કરી છે. મમ્મી-પપ્પા ઘણીવાર ભૂલી જાય છે કે પોતાના રોજબરોજનાં વર્તનની અસર બાળકોનાં માનસ પર કેટલી ઊંડી પડતી હોય છે. મને લાગે છે કે થોડા થોડા વખતે ઘરનાં બાળકો જ જો આવો એક્શન-રીપ્લે કર્યા કરે તો મમ્મી-પપ્પાનાં એકબીજા પ્રત્યેનાં વર્તનની ગુણવત્તા ચોક્કસ વધે જ વધે… 🙂
Permalink
December 22, 2008 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
ફૂટપાથની ધારે રાત્રે સાવ ભુખ્યા સૂઈ ગયેલા
બાળકની આંખોમાં
કેવાં સપનાં આવતા હશે, ખબર છે ?
એના સપનાંમાં પરીઓ આવી
બરાબર સિન્ડ્રેલાની વાર્તાની જેમ જ
એમને નવાંનક્કોર કપડાં પહેરવી
પિઝા-બર્ગર-પેસ્ટ્રી એવું ખવડાવી જતી હશે ?
કે પછી
સવારે જ એની ઉંમરનાં બાળકને
એની મમ્મી સાથે હસતું-રમતું જતાં જોઈને
એના મનમાં જે કલ્પના ચાલેલી
એવું જ કંઈક
સપનાંમાં આવીને સાન્તાક્લોઝ
સાચું કરી જાય ?
પણ હમણાં તો,
એને સપનાંમાં દેખાય છે
કપ-રકાબી ધોતાં-ધોતાં તૂટી ગયેલાં
બે નંગ કપ-રકાબીનાં પૈસા
મહિનાના જરા-અમથા પગારમાંથી કપાઈ જવાના છે તે.
ચોકલેટ લેવા માટે બચાવી રાખેલા પૈસાનો
બાપ દારુ પી ગયો છે –
આ બધાં જ સંપનાઓ હમણાં હમણાં તો એને ઊંઘમાંથી ઝબકાવીને
જગાડી દે છે
પણ, ચિંતા ન કરો
થોડા દિવસ પછી એ ઝબકીને નહીં જાગે,
કારણ કે
એને સપનાંઓ જ નહીં આવે !
– એષા દાદાવાળા
તાજેતરમાં જ એષા દાદાવાળાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘વરતારો’ ઈમેજ પબ્લિકેશન્સના નેજા હેઠળ પ્રગટ થયો છે. કોઈ પણ કવિના જીવનના સહુથી મોટા ગણી શકાય એવા આ પ્રસંગ નિમિત્તે એષાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ…
(કવિતા મોકલવા માટે આભાર : જય ત્રિવેદી)
Permalink
July 5, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા, હસ્તપ્રત
( …ખાસ ‘લયસ્તરો’ માટે એષા દાદાવાલાના હસ્તાક્ષરમાં એક અપ્રગટ અછાંદસ કાવ્ય… )
*
એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.
પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?
જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!
પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!
અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!
-એષા દાદાવાલા
એષાના અછાંદસ આજની ગુજરાતી કવિતામાં એક નવી જ ભાત પાડે છે. એના અછાંદસની ખાસ વિશેષતા એ છે કે એ આપણા રોજબરોજની જિંદગીમાંથી જ ઉંચકાયેલા છે અને ક્યાંય કવિત્વનો ભારેખમ બોજ ભાવકના માથે નાંખતા દેખાતા નથી. સરળ લોકબોલીની ભાષામાં સમજવામાં સહજ પણ પચાવવામાં અઘરા આ કાવ્યો એની ચોટના કારણે અને ભાવપ્રધાનતાના કારણે ઘણીવાર આંખના ખૂણા ભીનાં કરવામાં સફળ બને છે. એષાની કવિતામાંથી પસાર થવું એટલે એક ઘટના સોંસરવા નીકળવું અને ખાતરીપૂર્વક લોહીલુહાણ થવું….
એષાના પ્રથમ પ્રકાશ્ય કાવ્ય સંગ્રહ ‘વર્તારો’ માટે એને અગાઉથી જ શુભેચ્છાઓ…
Permalink
February 8, 2008 at 12:55 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા
કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!
-એષા દાદાવાલા
એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?
Permalink
June 6, 2006 at 10:38 AM by વિવેક · Filed under એષા દાદાવાળા, સાહિત્ય સમાચાર
લયસ્તરોનું વાંચકવૃંદ એષા દાદાવાળાના નામથી પરિચિત છે જ. એક કુંવારી છોકરીએ લખેલી પિતૃત્વની ભાવવાહી કવિતાઓથી આપણે વહી ગયેલી પળોમાં અઢળક ભીંજાયા છીએ. ‘કવિતા’ના એપ્રિલ-મે 2006ના અંકમાં એષાની લયસ્તરો પર અગાઉ આપણે માણેલી બે રચનાઓ ‘પગફેરો…!’ અને ‘ભ્રુણ હત્યા…!’ પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત 4-6-2006ના દિવ્યભાસ્કરની રવિવારીય ‘મહેફીલ’ પૂર્તિમાં સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. એષા અભિનય ક્ષેત્રે પણ ઝડપભેર આગળ વધતું નામ છે અને થોડા સમય પહેલાં જ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીતી હતી. લયસ્તરો તરફથી એષાને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ….
Permalink
January 11, 2006 at 12:44 PM by ધવલ · Filed under એષા દાદાવાળા, ગીત
મા બોલ
હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?
તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
પહેલાં તો આપ્યો’તો આધાર,
તારામાં શ્વસતો એ જીવ હું છું,
એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?
તમારું પણ કેવુ પહેલાં તો
પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
પેટમાં દિકરો નથી એવી ખબર પડે
પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?
છૂટાં પડતા રડવું આવે,
એવો આપણો ક્યાં હતો સંબંધ?
તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?
-એષા દાદાવાળા
Permalink
December 20, 2005 at 9:27 PM by ધવલ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!
-એષા દાદાવાળા
એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.
Permalink
December 10, 2005 at 7:12 PM by ધવલ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
પ્રિય દિકરા,
યાદ છે તને?
તું નાની હતી અને આપણે પાના રમતા,
તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,
ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ,
તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ,
તું મારા હાથમાં મુકી દેતી,
અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.
મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.
આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,
તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…
આમ અચાનક,
તારા બાપને આટલી ખરાબ હદે
હરાવીને જીતાતું હશે…મારા દીકરા…?
તારાં બધાં શિલ્ડ અને સર્ટિફિકેટસ
મેં હજી સાચવી રાખ્યાં છે,
પણ એનો અર્થ એ તો નથી ને,
કે તારું ડેથ સર્ટિફિકેટ
પણ મારે જ સાચવવાનું…?!!
-એષા દાદાવાળા
એ.દા.સૂરતની રહેવાસી છે. એની કવિતાઓ ‘કવિતા’ સહિત ઘણા મેગેઝીનોમાં પ્રગટ થઈ છે.
Permalink