જલાશય – પ્રિયકાન્ત મણિયાર
જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.
-પ્રિયકાન્ત મણિયાર
છ જ પંક્તિની લઘુત્તમ કવિતામાં એકેય અક્ષર કે એકેય ચિહ્ન પણ અનાયાસ વપરાયા નથી. ગામડામાં રિવાજ છે કે મહેમાન પાછો વળતો હોય ત્યારે એને વળાવવા જવું અને ગામના પાદરે જ્યાં જલાશય આવે ત્યાંથી વળાવનારે પાછા ફરવું. અહીં પાછા વળી જવું વાક્ય પછી કવિએ પૂર્ણવિરામ વાપરવાને બદલે અલ્પવિરામ વાપર્યું છે. આ અલ્પવિરામ નવોઢા પગના અંગૂઠા વડે ઘૂળમાં જે કુંડાળા કરે એવા સંકોચનો શબ્દાકાર છે જાણે. પછીની પંક્તિમાં પગ ઉપાડ્યાના બદલે ઉપાડ્યો શબ્દ પણ એટલો જ સૂચક છે. હજી તો જનારે ચાલવાની શરૂઆત પણ નથી કરી. ચાલવા માટે બંને પગ ઉપાડવા પડે, જ્યારે અહીં તો હજી એક જ પગ ઉપાડ્યો છે એટલે હજી તો જવાની વાત જ થઈ છે અને એટલામાં જ કવિની આંખો છલકાઈ આવી છે. અને આંખોના છલકાયાની ઘટનાના અંતે કવિએ ફરીથી પૂર્ણવિરામનો પ્રયોગ ટાળીને ઉદ્દગાર ચિહ્ન મૂક્યું છે, જાણે આંખોમાંથી ટપકતા આંસુના ટીપાનો આકાર ન હોય જાણે ! આ આંખોનું છલકાવું એ જ જાણે જલાશય… જલાશય આવી ગયું. આખી કવિતામાં પ્રથમવાર કવિએ અહીં પૂર્ણવિરામ મૂક્યું છે, જાણે કે જલાશયનો ગોળ આકાર બનાવ્યો. હવે અહીંથી તો પાછા વળી જવાનું. જનારે હજી તો માંડ પગ ઉપાડ્યો છે. એ હજી નથી ગયો કે નથી જવાની શરૂઆત કરી અને હવે મારે પાછા વળવાનું. ક્યાં? કોનામાં? કઈ રીતે? હું તો હજી ઉભો પણ થયો નથી. કોઈકને વળાવવા માટે મેં હજી તો ઘરના બારણા બહાર પણ પગ મૂક્યો નથી. તો પછી? આ ન મૂકાયેલા પ્રશ્નાર્થચિહ્નો જ તો છે કવિતા.
ધવલ said,
January 27, 2007 @ 11:13 AM
ઉત્તમ રચના… લાઘવ એ કાવ્યનું મોરપિચ્છ છે. ઘણીવાર એક ખોબામાં આખા દરિયા કરતા વધુ સમાવી શકાય છે. એ જાદૂનું નામ જ કવિતા છે.
લયસ્તરો » એ લોકો - પ્રિયકાંત મણિયાર said,
January 31, 2007 @ 1:06 AM
[…] રવિવારે વિવેકે પ્રિયકાંત મણિયારની રચના જળાશય રજૂ કરી ત્યારે આ કવિતા યાદ આવી ગઈ. આ કવિતા ભણવામાં આવતી અને એના પર ‘કવિ શા માટે જંતુનાશક દવા થવા ઈચ્છે છે?’ એવા બીબાંઢાળ પ્રશ્નોના જવાબ પણ પરીક્ષામાં આપવાના આવતા. કવિએ જે રીતે માણસના ફાટી-સડી-ફૂટી જવાની વાત કરી છે એ આ કવિતાને એવી ધાર આપે છે કે આટલા વર્ષે પણ મગજમાંથી હટતી નથી. અને હા, કવિનું કામ જંતુનાશક દવાનું પણ છે… કવિઓ અને કવિતાઓ ક્રાંતિની જનેતા બન્યાના દાખલા ઓછા નથી. […]