એ લોકો – પ્રિયકાંત મણિયાર
એ લોકો પહેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પહેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પહેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહિ.
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ !
– પ્રિયકાંત મણિયાર
રવિવારે વિવેકે પ્રિયકાંત મણિયારની રચના જળાશય રજૂ કરી ત્યારે આ કવિતા યાદ આવી ગઈ. આ કવિતા ભણવામાં આવતી અને એના પર ‘કવિ શા માટે જંતુનાશક દવા થવા ઈચ્છે છે?’ એવા બીબાંઢાળ પ્રશ્નોના જવાબ પણ પરીક્ષામાં આપવાના આવતા. કવિએ જે રીતે માણસના ફાટી-સડી-ફૂટી જવાની વાત કરી છે એ આ કવિતાને એવી ધાર આપે છે કે આટલા વર્ષે પણ મગજમાંથી હટતી નથી. અને હા, કવિનું કામ જંતુનાશક દવાનું પણ છે… કવિઓ અને કવિતાઓ ક્રાંતિની જનેતા બન્યાના દાખલા ઓછા નથી.
UrmiSaagar said,
January 31, 2007 @ 11:30 AM
ખરેખર મઝા આવી ગઇ.. માણસના ફાટી-સડી-ફૂટી જવાની વાત તો ખુબ જ ગમી.
સાચુ કહુ તો મને એ પણ યાદ નહોતું કે આ કવિતા ભણવામાં આવી હતી…
આભાર ધવલભાઇ… યાદ કરાવવા બદલ!
વિવેક said,
February 1, 2007 @ 8:44 AM
પ્રિયકાંત મણિયારની આ કૃતિ સાચે જ આટઆટલા વર્ષેય મનમાંથી હટી નથી. આ કવિતા એ વખતે વેધક લાગતી હતી, આજે વધુ વેધક લાગે છે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના સ્થાનિક અખબારોમાં તેલિયા રાજાઓની વાત ચર્ચાના ચકડોળે ચડી છે. 1960માં જે તેલના ડબ્બા 53 રૂપિયે મળતા હતા તે આજે 1050ના આકાશને આંબી રહ્યા છે… કાશ! જંતુનાશક દવા બની શકાતું હોત!
અનામી said,
January 31, 2009 @ 5:10 AM
વાહ…….