સ્મરણકુસુમો – રમણ વકીલ
*
વહ્યાં વેગે વર્ષો જીવનજલ સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.
વહ્યાં વર્ષો તેમાં વિવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.
વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હૃદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.
– રમણ વકીલ
ગતિ જળનો સ્વ-ભાવ છે. અહીં વાત જીવનજળની છે. જીવનજળ પણ કદી થંભતાં નથી. વેગપૂર્વક સતત વહેતાં રહે છે. ક્યાંક એમાં મલિનતા ઉમેરાય છે, તો ક્યારેલ એ શાંત અને નીતરાં સ્વચ્છ થઈ જાય છે. ક્યારેક જીવનજળ વેગ સાથે ઊંચેથી નીચે પછડાય છે તો ક્યારેક વિશાળ પટ સાંપડતાં સૌમ્ય ગંભીર થઈ વહે છે. જળની જેમ જીવનમાં પણ કોઈ દશા સ્થાયી નથી હોતી. સુખ-દુઃખની આવનજાવન ચાલુ રહે છે. આશાઓ અને મહેચ્છાઓ ક્યારેક ફળે છે, ક્યારેક નથી પણ ફળતી.
પ્રિયજનોની વિદાયના સાક્ષી બનવાની પીડા પણ જીવનનો જ એક ભાગ છે. હૃદય કઠણ કરીને ચિતાઓ સળગતી જોવી પડે છે. પ્રિયજનના અસ્થિ-ભસ્મ નદી-સમુદ્રમાં વહાવી પણ શકાય છે, પણ યાદોનું વિસર્જન કરી શકાતું નથી. એનાથી મુક્તિ મળતી નથી. હૈયું આ સ્મરણકુસુમોને આંસુઓથી સીંચી-સીંચીને જતનપૂર્વક ઉછેર્યે રાખે છે…
જળ અને જીવનજળ વચ્ચે જો કે એક બહુ મોટો તફાવત પણ છે. જળ વહી જાય ત્યાં ફરી પરત ફરી શકતાં નથી પણ જીવનજળ જે સ્મરણપુષ્પો ખીલવતાં વહી જાય છે, એ સ્મરણ વહી ગયેલી ક્ષણોમાં અવારનવાર પ્રવેશ કરવા માટેનો વિકલ્પ જીવંત રાખે છે…