જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
વિવેક મનહર ટેલર

કઠપૂતળી- વિવેક કાણે ‘સહજ’


(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)

કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.

આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.

હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.

સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.

‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.

-વિવેક કાણે ‘સહજ’

પૂણે ખાતે સુઝલોન એનર્જી લિ.માં AGM તરીકે કાર્યરત્ વિવેક અનિલ કાણે ‘સહજ’ સાથે તમે વાત કરો તો એમનું તખલ્લુસ સાર્થક હોવાની પ્રતીતિ બે જ મિનિટમાં થઈ જાય. સહજતાથી એવી મુલાયમ ઢબે શબ્દો એમની અંદરથી સરે કે લપસ્યા વિના છૂટકો જ ન રહે. ટેલિફોન પર એમની ગઝલો સાંભળવાનો મોકો મળ્યો એ ક્ષણો ચિરસ્મરણીય બની રહેવાની. BE Mech અને MBA (Finance) જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવનાર, પૂણેમાં જ જન્મેલ આ મહારાષ્ટ્રિયન કવિ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવે છે. ગુજરાતી કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર (‘અનુભૂતિ’) કરવા ઉપરાંત મરાઠી સાહિત્યનો ગુજરાતી અનુવાદ કરીને એ બે ભાષાઓ વચ્ચેની સરહદ ઓગાળે છે.

‘લયસ્તરો’ માટે આ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ અમે એમના ઋણી છીએ. આજ ગઝલની વિચારધારા સાથે સંલગ્ન એક બીજી ગઝલ પણ આ સાથે જ મૂકાય એવી એમની ઈચ્છા હતી, પણ મને થયું કે ઈંતેજારની મજા જ કંઈ ઓર છે…બીજી ગઝલ આવતા અઠવાડિયે…

6 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 4, 2007 @ 5:40 AM

    કઠપૂતળી જેવા રદીફ અને એવા જ લવચીક છંદમાં અનોખી રચના.

  2. ધવલ said,

    August 4, 2007 @ 8:39 AM

    હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
    જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.

    સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
    જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.

    – બહુ સરસ. અલગ પડી આવતી ગઝલ.

  3. Spandan Joshi said,

    August 4, 2007 @ 9:20 AM

    Great. I like the last 2 lines. That has a deepest of deepest meaning. What a sensitive and a lively heart you have. Hats off to this “Kavita”.

    Thanks for a “Ras-paan”

    Spandan

  4. Shriya said,

    August 6, 2007 @ 2:14 PM

    ખૂબ સરસ!

  5. લયસ્તરો » ઉંદરડા - વિવેક કાણે ‘સહજ’ said,

    August 11, 2007 @ 4:34 AM

    […] ગયા અઠવાડિયે એમની કઠપૂતળીની ગઝલ વાંચી. એ જ વિષયને આગળ વધારતી આજે આ ગઝલ. ઉંદરડાને પ્રતીક બનાવી કવિ ભલે દિશા, લક્ષ્ય કે ઉદ્દેશ છોડવાની સલાહ આપતા હોય, ગઝલ વાંચતા જ અનુભવાય છે કે કવિ આ ત્રણેય આયામ સફળતાથી પામ્યા છે. વિવેક કાણેને ઈ.સ.૨૦૦૦નો “શયદા” પુરસ્કાર પણ મળ્યો હતો. કવિતા ઉપરાંત પ્રકૃતિનો ખોળો ખૂંદવું એ એમના લોહીમાં વણાયેલું છે. (અમારા બંનેના નામ અને કંઈક અંશે શોખ તો એકસમાન છે જ… વિશેષ આશ્ચર્યમાં એ કે એમની (૧૬-૦૩-૧૯૬૭) અને મારી (૧૬-૦૩-૧૯૭૧) જન્મતારીખ પણ એક જ છે.) […]

  6. naresh solanki said,

    March 3, 2014 @ 1:44 PM

    ક્યા બાત બહોત ખુબ્……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment