વિવેક કાણે ‘સહજ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
October 24, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું
જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું
માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું
રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું
જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું
આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું
સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું
જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું
– વિવેક કાણે ‘સહજ’
Permalink
July 23, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
બેખુદી જે સભામાં લાવી છે,
ત્યાં જ બેઠક અમે જમાવી છે.
શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,
જાતને કેટલી દબાવી છે !
ભીંત એકે ન કેદખાનામાં,
કેટલી બારીઓ મૂકાવી છે ?
માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,
તેંય ખરી દુનિયા બનાવી છે !
પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે.
– વિવેક કાણે ‘સહજ’
મત્લાના શેરમાં સાચા કવિનું સરનામું જડે છે. ખુદ, ખુદના વિચારો, અભિમાન, સંપર્કો – બધાથી અળગા થઈ જઈએ એ પછી હોવાહીનતા જ્યાં આપણને લઈ આવે ત્યાં જ કવિ બેઠક જમાવી બેસે છે બાકી તો મજૂરિયાની જેમ શ્વાસ પર શ્વાસ સતત લાદતા જઈને આપણે આપણેરે જાતને દબાવવા-કચડવા સિવાય બીજું કર્યું જ શું છે ?
Permalink
January 16, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.
જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું, ને હું મારા સમાન છું.
ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું.
તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.
– વિવેક કાણે ‘સહજ’
વિવેક કાણેની ગઝલો એમની સંનિષ્ઠ ગઝલપ્રીતિની દ્યોતક છે… છંદ-વૈવિધ્ય, રદીફ, કાફિયા, શેર-બંધારણ અને શેરિયત પર એ જેટલું ઝીણું કાંતે છે એટલું ઝીણું કાંતનાર ઝૂઝ ગઝલકાર જ આજે મળશે.
ગુજરાતી ગઝલની દસ ટોચની ગઝલોમાં ગર્વભેર બેસી શકે એવી આ ગઝલના એક-એક શેર અદભુત થયા છે. તખલ્લુસનો કવિ જે રીતે મક્તામાં પ્રયોગ કરે છે એ પણ સર્વોત્કૃષ્ટ !
ઝુમરા અને મારવાવાળો શેર તો જરા જુઓ. કવિની સંગીતની ઝીણી સૂઝ કેવી ઊઘડી આવી છે ! ખયાલ શબ્દ ‘ખ્યાલ-વિચાર’ અને ‘ખયાલ ગાયકી’ એમ બંને અર્થ સાથે પ્રયોજાયો છે. એક તરફ પ્રિયાને વિલંબિત તાલ સાથે સરખાવી કવિ પોતાની ઉતાવળી જાતને મારવા રાગ કહીને juxtapose કરે છે ત્યારે શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં નખશિખ શાસ્ત્રીય શેર નીપજે છે.
Permalink
March 15, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?
આ મોડસઑપરૅન્ડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથીને ?
સરખું છે અમારું, કે તમારું, કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઈ બીબું તો નથીને ?
નીકળ્યા જ કરે, નિત્ય નવાં સ્વપ્ન નિરંતર,
પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથીને ?
જન્મ્યા અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથીને ?
– વિવેક કાણે ‘સહજ’
મોડસઑપરૅન્ડી (કામ કરવાની પદ્ધતિ) જેવો લેટિન ભાષાનો શબ્દ ગુજરાતી ગઝલમાં આમ સુપેરે ઉતરેલો જોઈએ ત્યારે ભાષાની સરહદો ઓગાળીને “આપણી” ગુજરાતી સંજીવની પામતી હોય તેવો મીઠો ઓડકાર જરૂર આવે. મક્તાનો શેર તો દિગ્મૂઢ કરી નાંખે એટલો સરળ અને એટલો ગહન થયો છે…
બાય ધ વે, આવતીકાલે કવિનો જન્મદિવસ પણ છે… કવિને વર્ષગાંઠની આગોતરી વધાઈ…
Permalink
July 28, 2012 at 2:18 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'
અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે
બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે
હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે
કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.
– વિવેક કાણે ‘સહજ’
ખાલી ચાર જ શેરની ગઝલ પણ ચારેચાર શેર જાણે મકાનના ચાર પાયા… એકેય હલાવી ન શકાય એવા નક્કર… આજે મોટા ભાગના ગઝલકારો (મારા સહિત) સારા શેરની વચ્ચે ફસાઈ ગયેલા એક-બે નબળા શેર કાઢી-કાપી શકતા નથી પણ વિવેક કાણેની આ ખાસિયત છે કે એ કશું નબળું ચલાવી લેતા નથી…
Permalink
January 1, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી
ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી
ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી
પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી
– વિવેક કાણે ‘સહજ’
વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ બદલ કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !!
કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ ‘લયસ્તરો’ તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
March 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત
(આ ગઝલ કવિના પોતાના હસ્તાક્ષરમાં લયસ્તરો માટે)
*
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’
ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!
અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે.
ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!
Permalink
August 11, 2007 at 12:18 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત

(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.
ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.
કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.
આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.
થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.
-વિવેક કાણે ‘સહજ’
ગયા અઠવાડિયે એમની કઠપૂતળીની ગઝલ વાંચી. એ જ વિષયને સંલગ્ન આજે આ ગઝલ. ઉંદરડાને પ્રતીક બનાવી કવિ ભલે દિશા, લક્ષ્ય કે ઉદ્દેશ છોડવાની સલાહ આપતા હોય, ગઝલ વાંચતા જ અનુભવાય છે કે કવિ આ ત્રણેય આયામ સફળતાથી પામ્યા છે. વિવેક કાણેને ઈ.સ.૨૦૦૦નો “શયદા” પુરસ્કાર પણ મળ્યો હતો. કવિતા ઉપરાંત પ્રકૃતિનો ખોળો ખૂંદવું એ એમના લોહીમાં વણાયેલું છે. (અમારા બંનેના નામ અને કંઈક અંશે શોખ તો એકસમાન છે જ… વિશેષ આશ્ચર્યમાં એ કે એમની (૧૬-૦૩-૧૯૬૭) અને મારી (૧૬-૦૩-૧૯૭૧) જન્મતારીખ પણ એક જ છે.)
Permalink
August 4, 2007 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ', હસ્તપ્રત

(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.
હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.
સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.
‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.
-વિવેક કાણે ‘સહજ’
પૂણે ખાતે સુઝલોન એનર્જી લિ.માં AGM તરીકે કાર્યરત્ વિવેક અનિલ કાણે ‘સહજ’ સાથે તમે વાત કરો તો એમનું તખલ્લુસ સાર્થક હોવાની પ્રતીતિ બે જ મિનિટમાં થઈ જાય. સહજતાથી એવી મુલાયમ ઢબે શબ્દો એમની અંદરથી સરે કે લપસ્યા વિના છૂટકો જ ન રહે. ટેલિફોન પર એમની ગઝલો સાંભળવાનો મોકો મળ્યો એ ક્ષણો ચિરસ્મરણીય બની રહેવાની. BE Mech અને MBA (Finance) જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવનાર, પૂણેમાં જ જન્મેલ આ મહારાષ્ટ્રિયન કવિ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવે છે. ગુજરાતી કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર (‘અનુભૂતિ’) કરવા ઉપરાંત મરાઠી સાહિત્યનો ગુજરાતી અનુવાદ કરીને એ બે ભાષાઓ વચ્ચેની સરહદ ઓગાળે છે.
‘લયસ્તરો’ માટે આ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ અમે એમના ઋણી છીએ. આજ ગઝલની વિચારધારા સાથે સંલગ્ન એક બીજી ગઝલ પણ આ સાથે જ મૂકાય એવી એમની ઈચ્છા હતી, પણ મને થયું કે ઈંતેજારની મજા જ કંઈ ઓર છે…બીજી ગઝલ આવતા અઠવાડિયે…
Permalink