ગઝલ – વિવેક કાણે ‘સહજ’
દેખાય તું ન ક્યાંય, ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.
જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું, ને હું મારા સમાન છું.
ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું.
તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું’ય સહેજ ભીનેવાન છું.
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.
– વિવેક કાણે ‘સહજ’
વિવેક કાણેની ગઝલો એમની સંનિષ્ઠ ગઝલપ્રીતિની દ્યોતક છે… છંદ-વૈવિધ્ય, રદીફ, કાફિયા, શેર-બંધારણ અને શેરિયત પર એ જેટલું ઝીણું કાંતે છે એટલું ઝીણું કાંતનાર ઝૂઝ ગઝલકાર જ આજે મળશે.
ગુજરાતી ગઝલની દસ ટોચની ગઝલોમાં ગર્વભેર બેસી શકે એવી આ ગઝલના એક-એક શેર અદભુત થયા છે. તખલ્લુસનો કવિ જે રીતે મક્તામાં પ્રયોગ કરે છે એ પણ સર્વોત્કૃષ્ટ !
ઝુમરા અને મારવાવાળો શેર તો જરા જુઓ. કવિની સંગીતની ઝીણી સૂઝ કેવી ઊઘડી આવી છે ! ખયાલ શબ્દ ‘ખ્યાલ-વિચાર’ અને ‘ખયાલ ગાયકી’ એમ બંને અર્થ સાથે પ્રયોજાયો છે. એક તરફ પ્રિયાને વિલંબિત તાલ સાથે સરખાવી કવિ પોતાની ઉતાવળી જાતને મારવા રાગ કહીને juxtapose કરે છે ત્યારે શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં નખશિખ શાસ્ત્રીય શેર નીપજે છે.
Makarand Musale said,
January 16, 2015 @ 2:12 AM
વિવેક કાણેની ગઝલોને નજીકથી જોવાની ઓર મજા છે. એની ગઝલ બે ત્રણ વાર વાંચીને એના સૌન્દર્યને મમળાવવાની લિજ્જત માણવા જેવી હોય છે. ઉપરોક્ત ગઝલના કાફિયા આ પહેલાં વપરાયા હોવાનું સાંપડવું મુશ્કેલ છે…
Parth Tarpara said,
January 16, 2015 @ 3:08 AM
ગઝલ સારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ ગુજરાતી ગઝલની ટોચની 10 ગઝલોમાં ગર્વભેર બેસી શકે એ જરા વધારે થઈ ગયું…..
Rina said,
January 16, 2015 @ 3:35 AM
Awesome
Rajnikant Vyas said,
January 16, 2015 @ 4:17 AM
ખૂબ અર્થપૂર્ણ ગઝલ.
Vivek Kane ' Sahaj' said,
January 16, 2015 @ 6:46 AM
મિત્રો, આ ગઝલ સારી, કે બહુ બહુ તો ઉત્તમ છે એટલું જ કહી શકાય. મિત્ર ડૉ વિવેક ટેલરે જે કહ્યું છે એ પ્રેમવશ કહ્યું છે એમ માનવું.
Harshad said,
January 16, 2015 @ 9:10 PM
It’s really Beautiful, awesome creation.
Sudhir Patel said,
January 16, 2015 @ 9:44 PM
ખૂબ સુંદર ગઝલ માણવી ગમી!!
સુધીર પટેલ.
desai umesh said,
January 16, 2015 @ 11:28 PM
ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું,
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું.
વાહ વાહ વાહ
વિવેક said,
January 17, 2015 @ 2:03 AM
@ પાર્થ તારપરા:
આ મારી અંગત માન્યતા છે. તમારો પ્રતિભાવ વાંચી ફરી એકવાર આ ગઝલના એક-એક શેરના સૌંદર્યને હાથમાં લઈ જોયું અને ફરી એકવાર મારી માન્યતા દૃઢીભૂત થઈ…
Pravin Shah said,
January 17, 2015 @ 10:55 AM
અદભુત રચના !
ત્રીજા શેર માટે કવિને ખાસ અભિનંદન !
Dinesh Pandya said,
January 18, 2015 @ 10:25 AM
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું.
સુંદર ગઝલ! શરુઆતથી જ મક્તા સુધી ઈશ્વરની વાત કરી છે.
દસ ટોચની ગઝલોની વાત પર ચર્ચા ને મતમતાન્તર હોય શકે પણ
આવી ગઝલો હવે ઓછી માણવા મળે છે.
બહુ ‘સહજ’તા (સજ્જતા) થી રચાયેલી ગઝલ!
ઘણા વખતે આવી સુંદર ગઝલ માણી,
આભાર અને અભિનંદન!
દિનેશ પંડયા