ગઝલ- રઈશ મનીઆર
(રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ ગઝલ)
જાણી ગયો છું આજ કશું જાણતો નથી
શું દર્દ ? શું ઈલાજ ? કશું જાણતો નથી.
સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.
વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.
આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.
મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.
મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.
મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.
મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.
-રઈશ મનીઆર
કશું જાણતો નથી કહીને ઘણી બધી વાત અહીં કહેવાઈ રહી છે. ગઝલના મત્લામાં રઈશભાઈનો તબીબી વ્યવસાય કવિતાની કળામાં ઓગળતો દેખાય છે. જ્યારે કોઈ અગમ્ય બિમારી સામે તબીબ પોતાના હાથ હેઠા પડતા અનુભવે છે ત્યારે કોઈ ગેબી તાકાત સામે આ લાચારી જરૂર અનુભવાય છે. આખી ગઝલ અદભુત છે પણ હું રહી-રહીને ગઝલના આખરી શે’ર સામે પાછો ફરું છું. સ્વરાજ તમે કોને કહેશો? લાલા લજપતરાય, ભગતસિંહ અને ગાંધીએ જેના બી વાવ્યા હતા એ સ્વરાજની ભાવના આઝાદીના સાંઠ વર્ષ બાદ જુઓ તો, ક્યાં આવી પહોંચી છે ! દેશની આઝાદીથી લઈને અદના આદમી સુધી સમાન હક જેવા વિશાળ ફલક પર રચાયેલી સ્વરાજની વ્યાખ્યાઓ આજે કેટલી સીમિત બનીને રહી ગઈ છે એ વાત અહીં આબાદ દર્શાવાઈ છે. આજે મનુષ્યની આઝાદીના સીમાડાઓ એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે મનુષ્યને પોતાને પોતાની જાત વિશે પોતાની જાત તરફથી કોઈ ફરિયાદ ન રહે એ પણ ખરું સ્વરાજ ગણાય… કદાચ આપણે ટૂંકા પાયા પર આટલું કરી શકીએ તોય ગાંધી-ઈચ્છ્યું સ્વરાજ પ્રાપ્ત થઈ શકે, ખરું ને? (દરેક જણ પોતાનું આંગણું સાફ કરે તો આખું વિશ્વ સાફ થઈ જાય!)
અને હા ! આ ગઝલ રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે ખાસ લખી આપી છે. કહેવાની જરૂર ખરી કે આ પણ એક સાવ નવી જ, તરોતાજા અને અત્યાર સુધી ક્યાંય પ્રગટ ન થયેલી ગઝલ છે!
jayshree said,
July 28, 2007 @ 2:27 AM
મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.
મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.
મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.
સાચ્ચે જ….!!! આખી ગઝલ અદભુત છે…. દરેક શેરમાં મજા આવી…..
આભાર રઇશભાઇ….
પંચમ શુક્લ said,
July 28, 2007 @ 11:39 AM
વિવેકભાઇ
તમે એકઠાં કરેલા ઓથેન્ટિક છૂટના નમૂનામાં આ ઉમેરી શકાશે?
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.
(પર-આજ = ‘પરાજ’)
ગાગા લગા લગાલ લગા ગાલગા લગા (આજ છંદ છે ને?)
અહિંયા ભૂમિ (ગાલ = લગા) પણ સરસ રીતે ગોઠવાયો છે!
GeetaParul said,
July 28, 2007 @ 3:02 PM
નમસ્કાર
પુ. મુરારીબાપુ ની કથામાં એમણે બે પંક્તી કહી હતીઃ
હ્સતાં હ્સતાં રડી પડે, ભાઇ, માણસ છે;
રમતાં રમતાં લડી પડે,ભાઇ, માણસ છે.
આની બાકીની પંક્તીાઓ ખબર છે?
આભાર.
ગીતા-પારુલ
ઊર્મિ said,
July 28, 2007 @ 10:24 PM
આખી ગઝલ જ એકદમ સ-રસ છે… ખૂબ જ મજા આવી ગઈ…!
રઈશભાઈની લગભગ દરેક ગઝલ વાંચતી વખતે મને એક મોટ્ટી મુશીબત કાયમ જ ઉભી થાય છે… મને ગમતાં માત્ર ૧-૨ શેર હું કદી પસંદ જ નથી કરી શકતી.. 🙂
આભાર રઈશભાઈ…!
આભાર વિવેક…!
ઊર્મિ said,
July 28, 2007 @ 10:26 PM
છેલ્લા શેરનો આસ્વાદ પણ તમે ખૂબ જ સરસ રીતે કરાવ્યો વિવેક…! આભાર.
વિવેક said,
July 29, 2007 @ 4:11 AM
પંચમભાઈ,
તમારી પારેખ-દૃષ્ટિની સાચે જ દાદ દેવી પડશે…. બંને છૂટ તમે આબાદ પકડી પાડી…. આભાર!
shaileshpandya BHINASH said,
July 29, 2007 @ 5:32 AM
nice……………….
Hiral Thaker - 'Vasantiful' said,
July 30, 2007 @ 3:54 AM
Very nice gazal….!
“આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.” ………
ધવલ said,
July 31, 2007 @ 12:29 AM
ઉમદા ગઝલ. ત્રણ દિવસથી આ ગઝલને મમળાવી રહ્યો છું. ગઝલમાં વિચારોની જે રેંજ છે એ અદભૂત છે. એક એક શેર નવા જ વિચારને પકડે છે. છેલ્લો શેર તો વિવેકે કહ્યું તેમ બહુ સરસ થયો છે. એ સાથે આ શેર પણ વધુ ગમ્યા.
મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.
સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.
વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.
કુણાલ said,
August 1, 2007 @ 7:26 AM
સુંદર ગઝલ…
vatsal said,
August 5, 2007 @ 4:27 AM
r[xba[nI gzl hU> Kyarey bUlI xku nih>.
Krishna said,
September 11, 2007 @ 2:09 PM
ચેલ્લા બે ક્લાક થિ લય્સ્તરો વાચિ રહ્યો ચુ મારે કેહ્વવ્વુ પદ્શે કે મારો ગુજરાતિ ભાશા પ્રરત્યે નો પ્રેમ વધિ ગયો એત્લે સૌ પ્રથમ તો મારે આ બ્લોગ ન રચેતા નો આભાર માનવો રહ્યો.
રૈશ સાહેબ નિ આ ક્રુતિ પણ ખુબજ સુન્દર ચે અને આનિ પેહલા નિ દોડ્તો રાખ્યો પણ અત્યન્ત ઉત્ક્રુસ્ટ ક્રુતિ ચે … ગ્રેઅટ ગોઇન્ગ.. કીપ ઇટ ઉપ સર્..