દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રીતમ લખલાણી

પ્રીતમ લખલાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બારણાની તૈડમાંથી – પ્રીતમ લખલાણી

બારણાની તૈડમાંથી જોયાં કરું છું કે,
ફળિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

ભમ્મરિયા વાવના હું સીંચું છું પાણી ને,
સીંચાતી જાઉં ઘીમે ઘીમે,
આશના પાતાળેથી ફૂટે સ૨વાણી ને,
હરખાતી જાઉં ઘીમે ઘીમે.
ઊંડા અતાગ કોઈ તળિયેથી આજ,
મને ટોચે લાવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

આંખ્યુંમાં ફૂટ્યા છે કેસરિયા કોડ,
સખી સૂરજ શા ઝળહળતા રેલે,
મહેંદીના છોડ જેવા રાતા રે ઓરતામાં,
સાંવરિયો મદમાતો ખેલે.
બળતી હથેળીમાં ભીનેરો હાથ દઈ,
રુદિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

– પ્રીતમ લખલાણી

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગીતસંગ્રહ ‘શેરીથી શેઢા સુધી’નું સહૃદય સ્વાગત છે…

પ્રોષિતભર્તૃકાની આંખો કાયમ પિયુના આગમનની પ્રતીક્ષામાં જ રત હોવાની. શક્યતાના બારણાંઓ બંધ હોય તો તિરાડમાંથી આવતો પ્રકાશ સુદ્ધાં આશાનું કામ કરે છે. ફળિયું ખાલી છે પણ કોઈ આવી ઊભું હોવાનો અહેસાસ નાયિકાને પોતાના વાસ્તવથી અળગી કરીને સ્વપ્નમહેલમાં પ્રેમથી લાવી આણે છે. ભમ્મરિયો શબ્દપ્રયોગ આમ તો બહુ ઊંડો અને ચક્કર આવી જાય એવા કૂવા માટે વપરાય છે. વાવ માટે આ પ્રયોગ યથોચિત ગણાય? આપણે તો ભાવ પકડીએ. પાણી સીંચતા-સીંચતા નાયિકાને પોતે સીંચાતી હોવાનું અનુભવાય છે. પિયુમિલનની આશા છેક પાતાળે જઈ પહોંચી હોય એ પરાકાષ્ઠાએ કોઈ બારણે આવી ઊભું હોવાનો ભાસ પાતાળ ફેડીને ફૂટી નીકળતી સરવાણી જેવો હરખ જન્માવે છે. સરવાણી પાતાળથી સપાટીએ આવે એની સાથોસાથ નાયિકા ઊંડા અતાગ તળિયેથી નિજનું પણ ઉર્ધ્વગમન થતું અનુભવે છે. ઊજાગરાને લઈને રાતાં ટશિયાં ફૂટેલી આંખ કેસરિયા કોડ ફૂટ્યા બરાબર લાગે છે અને આંખમાંથી વહેતા હર્ષાશ્રુના રેલા તિરાડમાંથી આવતા પ્રકાશને કારણે સૂરજ જેવા ઝળહળે છે. મહેંદીના છોડ જેવા રાતા ઓરતાની વાત થોડી મૂંઝવે છે. મહેંદીનો છોડ તો લીલો હોય. પિસાઈને હાથ પર લાગ્યા પછી મહેંદી હથેળી પર રતાશ બનીને પથરાય એ વાત અલગ પણ જ્યારે વાત કેવળ છોડની હોય ત્યારે રાતો રંગ રસાસ્વાદ અવરોધતો અનુભવાય છે. સરવાળે ગીત ઘણું સ-રસ થયું છે. વિરહાગ્નિથી બળતી હથેળીમાં મનના માણીગરનો હાથ તમામ બળતરાઓને શાંત કરી દેતો હોય એવો ભીનેરો વર્તાય છે.

Comments (6)

ત્રણ લઘુકાવ્ય – પ્રીતમ લખલાણી

(૦૧)

એક પનિહારીએ
નદીને
માણસ વિશે
એવું તે શું કહ્યું
કે
નદી
કદી દરિયા સુધી ન ગઈ?

(૦૨)

પનઘટે
પનિહારી વિચારે
કે
જો
હું
રોજરોજ આમ
બેડા
ભરતી રહીશ
તો
નદી બિચારી
કયે દિવસે
દરિયે પહોંચશે!

(૦૩)

રોજ બિચારો
દરિયો પૂછે નદીને
અરે!
પનિહારી કેવી હોય?

– પ્રીતમ લખલાણી

પનિહારી, નદી અને દરિયા -ત્રણેયને સાંકળતા ત્રણ મજાના લઘુકાવ્ય. સાવ સરળ અને સહજ ભાષા પણ દીર્ઘકાળ સુધી ચિત્તતંત્રમાં અનુરણન થયે રાખે એવા કલ્પન…

Comments (13)

પરિચય – પ્રીતમ લખલાણી

લીલી લોન,
વિશાળ ઘરમાં
આલિશાન ફર્નિચર
અને ડ્રાઇવ-વેમાં
ઊભેલ ગાડીઓનો કાફલો જોઈ
ભારતથી
અમેરિકા ફરવા આવેલ
મિત્રો
કહી બેસે છે
કે,
‘તમારે તો અહીં લીલાલહેર છે!’
હવે અમે
આવી વાતોના વર્તુળમાં
અટવાયા વિના
બારીએ ઝૂલતા
પીંજરે
ટહુકતી
મેનાથી
તેમને
પરિચય કરાવીએ છીએ!

– પ્રીતમ લખલાણી

શરીરથી વિદેશમાં વસેલા પણ હૃદય ભારતની ગલીઓમાં જ ભૂલી ગયેલા ‘ડાયાસ્પૉરા’ સાહિત્યકારોના કારણે આપણને એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય માણવા મળે છે જેમાં ક્યારેક બે દેશની સંસ્કૃતિઓ તડ-સાંધા વિના એકાકાર થઈ જતી જોવા મળે છે તો ક્યારેક વતન-ઝુરાપાની એક જુદી જ ‘ફ્લેવર’ નજરે ચડે છે. પ્રીતમ લખલાણીની પ્રસ્તુત કવિતા વતન-ઝુરાપાની વાત સાવ સાદા શબ્દ-ચિત્રથી અંકિત કરે છે. પાંજરે પૂરાયેલી મેનાના ટહુકા અટકતા નથી પણ આકાશ ખૂટી ગયું હોય છે. લીલી લોનથી શરૂ થતું કાવ્ય ‘લીલા’લહેરથી એક યુ-ટર્ન લે છે ત્યારે બધી લીલોતરી પર એકસામટી પાનખર બેસી ગઈ ન હોય એવો ડંખ અનુભવાય છે…

Comments (25)

ફકીર – પ્રીતમ લખલાણી

Scanned Document

ફકીર

વહેલી પરોઢે
ફૂટપાથ પર
તસબીના મણકા ફેરવવામાં
તલ્લીન થઈ ગયેલા ફકીરના કાનમાં
ઈશ્વરે આવી ધીમેથી કહ્યું,
‘હે ફરિશ્તા
તું
મારા માટે દુવા કર
કે આવતા જન્મે
હું
આ ધરા પર
ફકીર થઈને જન્મુ !’

– પ્રીતમ લખલાણી

ફકીરી એક એવી દોલત છે કે જે ખુદાને પણ સુલભ નથી. અનાસક્તિમાં એટલુ સુખ સમાયેલુ છે કે જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં !

Comments (10)

(કેમ ? ) – પ્રીતમ લખલાણી

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

-પ્રીતમ લખલાણી

કાશ માણસને ટકોરા મારીને ચકાસી શકાતો હોત ! અને કાશ દરેક માણસ હાથમાંથી ‘છૂટી’ જાય તો ય ન ટૂટવાની ગેરેન્ટી સાથે આવતો હોત ! … પણ એવું તો હોત તો આ બધી કવિતાઓ કોણ લખત 🙂 🙂

Comments (13)

નિર્માણ – પ્રીતમ લખલાણી

લીલુંસૂકું ભરડતા
ઘાંચીના બળદે
એક સાંજે
ભગવાનને પ્રાર્થના કરી
કે
હે! દીનાનાથ
હવે ફરી
આવતા ભવે
બળદનું આયખું ન આપીશ !
આજે સવારે
બળદને જન્મ આપવાનું વિચારતા
બ્રહ્માની નજર
લોકલ ટ્રેનમાં લટકતા
મજદૂરના હાથમાં
ઝૂલતા ટિફિન પર પડી
અને તેણે
એક વધારે
માણસનું
નિર્માણ કરી નાખ્યું !

– પ્રીતમ લખલાણી

આત્માને ઝંઝોળી નાખે એવી નાની સરખી કવિતાઓ રચવાની કવિને હથોટી છે. વળી કવિ કાવ્યનું નામ ‘નિર્માણ’ રાખે છે જે ચોટમાં ઉમેરો જ કરે છે.

Comments (2)

પૂર્વજન્મ – પ્રીતમ લખલાણી

બારીએ
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!

-પ્રીતમ લખલાણી

અત્યંત ટચૂકડી હોવા છતાં આ રચનામાં કવિએ પ્રકૃતિપ્રેમની લાગણી એવી તીવ્રતાથી વણી લીધી છે કે લોહી અચાનક થીજી જતું જણાય. વૃક્ષમાંથી બનતી ત્રણ વસ્તુઓ બારી, મેજ અને કાગળ સાથે વૃક્ષ પર બેસનાર પંખીને સાંકળીને કવિએ ચમત્કૃતિ સર્જી છે.

Comments (4)

મીણબત્તી – પ્રીતમ લખલાણી

દેવળના
એક ખૂણે
મીણબતીને બળતી જોઇ!

ઇસુએ પૂછ્યું,
’શું તને આમ
એકલું બળવું-પીગળવું ગમે છે?’

મીણબતી બોલી,
‘બળવા – પીગળવાનો આનંદ !
ભલા તમે દેવતાઓ શું જાણો???’

પ્રીતમ લખલાણી

મૂળ ઘાટકોપરના રહેવાસી અને કોમ્પ્યુટર ક્ષેત્રના આ નિષ્ણાત, 26 વર્ષથી અમેરીકાના રોચેસ્ટર શહેરમાં રહે છે.
તેમના કાવ્ય સંગ્રહો- ગોધૂલિ, દમક, સંકેત, એક્વેરીયમમાં દરિયો

Comments (6)