હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ
-રાજેન્દ્ર શુક્લ

બારણાની તૈડમાંથી – પ્રીતમ લખલાણી

બારણાની તૈડમાંથી જોયાં કરું છું કે,
ફળિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

ભમ્મરિયા વાવના હું સીંચું છું પાણી ને,
સીંચાતી જાઉં ઘીમે ઘીમે,
આશના પાતાળેથી ફૂટે સ૨વાણી ને,
હરખાતી જાઉં ઘીમે ઘીમે.
ઊંડા અતાગ કોઈ તળિયેથી આજ,
મને ટોચે લાવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

આંખ્યુંમાં ફૂટ્યા છે કેસરિયા કોડ,
સખી સૂરજ શા ઝળહળતા રેલે,
મહેંદીના છોડ જેવા રાતા રે ઓરતામાં,
સાંવરિયો મદમાતો ખેલે.
બળતી હથેળીમાં ભીનેરો હાથ દઈ,
રુદિયે આવીને ઊભું કોણ?
મારામાંથી એ મુંને સપનાના મ્હેલ મહીં,
હેતે લાવીને ઊભું કોણ?

– પ્રીતમ લખલાણી

લયસ્તરોના આંગણે કવિશ્રીના ગીતસંગ્રહ ‘શેરીથી શેઢા સુધી’નું સહૃદય સ્વાગત છે…

પ્રોષિતભર્તૃકાની આંખો કાયમ પિયુના આગમનની પ્રતીક્ષામાં જ રત હોવાની. શક્યતાના બારણાંઓ બંધ હોય તો તિરાડમાંથી આવતો પ્રકાશ સુદ્ધાં આશાનું કામ કરે છે. ફળિયું ખાલી છે પણ કોઈ આવી ઊભું હોવાનો અહેસાસ નાયિકાને પોતાના વાસ્તવથી અળગી કરીને સ્વપ્નમહેલમાં પ્રેમથી લાવી આણે છે. ભમ્મરિયો શબ્દપ્રયોગ આમ તો બહુ ઊંડો અને ચક્કર આવી જાય એવા કૂવા માટે વપરાય છે. વાવ માટે આ પ્રયોગ યથોચિત ગણાય? આપણે તો ભાવ પકડીએ. પાણી સીંચતા-સીંચતા નાયિકાને પોતે સીંચાતી હોવાનું અનુભવાય છે. પિયુમિલનની આશા છેક પાતાળે જઈ પહોંચી હોય એ પરાકાષ્ઠાએ કોઈ બારણે આવી ઊભું હોવાનો ભાસ પાતાળ ફેડીને ફૂટી નીકળતી સરવાણી જેવો હરખ જન્માવે છે. સરવાણી પાતાળથી સપાટીએ આવે એની સાથોસાથ નાયિકા ઊંડા અતાગ તળિયેથી નિજનું પણ ઉર્ધ્વગમન થતું અનુભવે છે. ઊજાગરાને લઈને રાતાં ટશિયાં ફૂટેલી આંખ કેસરિયા કોડ ફૂટ્યા બરાબર લાગે છે અને આંખમાંથી વહેતા હર્ષાશ્રુના રેલા તિરાડમાંથી આવતા પ્રકાશને કારણે સૂરજ જેવા ઝળહળે છે. મહેંદીના છોડ જેવા રાતા ઓરતાની વાત થોડી મૂંઝવે છે. મહેંદીનો છોડ તો લીલો હોય. પિસાઈને હાથ પર લાગ્યા પછી મહેંદી હથેળી પર રતાશ બનીને પથરાય એ વાત અલગ પણ જ્યારે વાત કેવળ છોડની હોય ત્યારે રાતો રંગ રસાસ્વાદ અવરોધતો અનુભવાય છે. સરવાળે ગીત ઘણું સ-રસ થયું છે. વિરહાગ્નિથી બળતી હથેળીમાં મનના માણીગરનો હાથ તમામ બળતરાઓને શાંત કરી દેતો હોય એવો ભીનેરો વર્તાય છે.

6 Comments »

  1. pragnajuvyas said,

    February 23, 2023 @ 2:20 AM

    કવિશ્રીના પ્રીતમ લખલાણી ગીતસંગ્રહ ‘શેરીથી શેઢા સુધી’નું સ્વાગત છે
    સુંદર ગીતનો સ રસ આસ્વાદ
    યાદ આવે
    મા મકરંદ દવે
    રોજ રોજ એ આંખે તરતી
    કાયા રંગરૂપાળી;
    રે! રોજ રોજ એ જાય લગાડી
    માયા કો મર્માળી :
    હું કરું અરે શું? ક્યારે મળશો?
    મનમોહન વનમાળી!
    રે! સૂનાં અંતર – તપનાં
    આ સાચ કરો સૌ સપનાં.

  2. ભારતી વોરા said,

    February 23, 2023 @ 5:54 PM

    સરસ ,…..પિયુ વિરહમાં તપતી ,,, એ આપણને પણ રસમાં તરબોળ કરી જાય છે

  3. gaurang thaker said,

    February 23, 2023 @ 6:42 PM

    વાહ.. સરસ ગીત👌🌷

  4. Aasifkhan aasir said,

    February 23, 2023 @ 10:26 PM

    વાહ સરસ ગીતનો સરસ આસ્વાદ

  5. preetam lakhlani said,

    February 23, 2023 @ 11:32 PM

    કવિશ્રી/Dr. વિવેક સાહેબ અને લયસ્તરો ટીમનો ખુબ ખુબ આભારી છું   

  6. Poonam said,

    March 4, 2023 @ 9:44 AM

    …ઊભું કોણ?
    – પ્રીતમ લખલાણી – 👌🏻
    Saras aaswad sir ji.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment