ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં
– રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for લઘુકાવ્ય

લઘુકાવ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




એક લઘુકાવ્ય – મુકેશ જોષી

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

મહત્વનું શું – સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ? – આવા પ્રશ્નોના ઉત્તર દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જાત માટે શોધી કાઢતી હોય છે. કોઈ એક ઉત્તર દરેક માટે appicable હોતો પણ નથી. ઘણાબધા લોકો અસ્પષ્ટતાના grey area માં જ જીવન વીતાવી દેવાનું પસંદ કરતા હોય છે. લગ્નસંસ્થામાં જેટલી જાતને [ અને અન્યને પણ ] છેતરવામાં આવતી હોય છે તેટલી ભાગ્યે જ કોઈ સંબંધમાં છેતરામણી ચાલતી હશે. પ્રત્યેક પળે – પ્રત્યેક પળે – જાત સાથે અને અન્યોન્ય સાથે અણીશુદ્ધ સ્પષ્ટતા જાળવવી એ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે.

Comments (10)

(કેમ ? ) – પ્રીતમ લખલાણી

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

-પ્રીતમ લખલાણી

કાશ માણસને ટકોરા મારીને ચકાસી શકાતો હોત ! અને કાશ દરેક માણસ હાથમાંથી ‘છૂટી’ જાય તો ય ન ટૂટવાની ગેરેન્ટી સાથે આવતો હોત ! … પણ એવું તો હોત તો આ બધી કવિતાઓ કોણ લખત 🙂 🙂

Comments (13)

ગાંધીજી – પ્રભુ પહાડપુરી

તે આથમી ગયો
પછી
અંધારું સોળે કળાએ ઊગ્યું.

-પ્રભુ પહાડપુરી

ઠાલાં શબ્દો ન વેડફે એ કવિ ઉત્તમ. શબ્દોની કરકસરના પહાડ પાછળ કવિતાનો જે સૂર્યોદય અહીં થયો છે એ ભાવકને કવિતા પૂરી થયા પછી આગળ ન વધવા મજબૂર કરી દે એવો ઝળાંહળાં છે. ગાંધીજીને આપવામાં આવેલી કેટલીક ઉત્તમ અંજલિઓમાંની એક આ ગણી શકાય એવું હું માનું છું.

Comments (9)

હવે હું… – પ્રિયકાંત મણિયાર

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

– પ્રિયકાંત મણિયાર

બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !

Comments (3)

લઘુકાવ્ય -ગુરુનાથ સામંત (અનુ. સુરેશ દલાલ)

મેં મારી કવિતા
       તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
       ‘સમજાતી નથી’
કોરા ચહેરાની
       તે એક બપોર
મેં એવી જ
       સાચવી રાખી છે.

-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)

Comments (4)

(સૌભાગ્યવતી યાદ) -પન્ના નાયક

તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…

હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…

-પન્ના નાયક

 

Comments (4)

પિતાની ઝૂંપડી મધ્યે – ચંપકલાલ વ્યાસ

પિતાની ઝૂંપડી મધ્યે  પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ?

– ચંપકલાલ વ્યાસ

Comments (4)

કાવ્યત્રયી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

બાપુ

બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !

ફૂલો

સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.

મા

ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)

Comments (2)

લઘુકાવ્ય – હરીશ દવે

રક્તિમ પીળું,
કેસરિયાળું,
બિન વાદળ નભ,
નીરવ, સ્તબ્ધ !
જો ! સૂર્ય અસ્ત !

-હરીશ દવે

હરીશ દવે નામ નેટ-ગુજરાતીઓ માટે નવું નથી. મધુસંચય, અનામિકા, અનુભાવિકા, અનુપમા જેવા ચાર-ચાર અલગ પ્રકારના બ્લૉગ નિયમિતપણે એકલા હાથે ચલાવે છે. ‘મુક્તપંચિકા’ નામે તાન્કા જેવો ભાસતો કાવ્યપ્રકાર એમણે પ્રચલિત કરવાની કોશિશ કરી છે. આજ મુક્તપંચિકા લઘુકાવ્યના નામે ગુજરાતી ભાષાના એક જમાનાના સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા ‘કુમાર’ માસિકના મે-2007ના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. હરીશભાઈને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…

Comments (7)