પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
રાજુ રબારી

મારી જ મુશ્કેલીઓ – ઉશનસ


(કવિશ્રી ઉશનસે સ્વહસ્તે ખાસ લયસ્તરો માટે લખી આપેલ અક્ષુણ્ણ કૃતિ)

(શિખરિણી સૉનેટ)
તમે તો આખું યે ગગન મુજને દૈ મફતમાં
દીધું’તું ! દાખ્યું’તું પ્રીત પરમનું પોત પરમ;
ઉડાઉ પ્રીતિના ધણી ! પણ મહારાં જ કરમ
ફૂટેલાં ને; એનો કરી શકું પૂરો ભોગ ન; ક્ષમા.

જુઓ ને : એને ના ભજી શકું; ન તો ભોગવી શકું;
પડી ર્.હે છે આખું વગર વપરાશે જ અમથું;
તમે તો પૃથ્વીનું ઘર દીધું મને એમ જ દઈ;
પરંતુ મારાંસ્તો કરમ ફૂટલાં છે પ્રથમથી,
તમે આપેલી તે પૃથવી ય પૂરી ભોગવી નથી;
નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ.

નહીં તો આપ્યાં’તાં અભિમુખ મને, આંખની કને
પહાડો, મેદાનો, ગગન, વગડો અર્ણવ; મને
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.

-ઉશનસ
૨૩-૦૯-૨૦૦૭

22મી સપ્ટેમ્બરના રોજ વલસાડ ખાતે શ્રી રમેશભાઈ શાહે લાયન્સ ક્લબ ઑફ વલસાડના ઉપક્રમે ‘ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્ય અને સંગીત’ પર એક કાર્યક્રમ યોજ્યો હતો. મારે ‘ઈન્ટરનેટ-ગુજરાતી ભાષાનું નવું સરનામું’વિશે અને જયશ્રી ભક્તે ‘ટહુકો.કોમ‘ વિશે બોલવાનું હતું. સાથે જ મારા કાવ્યપઠનનો કાર્યક્રમ પણ હતો. વલસાડ ઉતરીને હું મારા સંબંધીના ઘરે ગયો અને જ્યારે રમેશભાઈને મને કયા સરનામે લેવા આવવું એ સમજાવ્યું તો આકાશમાં એ દિવસે થઈ રહેલી ભારે ગાજ-વીજ અને મુશળધાર વરસાદને પણ ઝાંખા પાડી દે એવો ચમકારો એમણે કર્યો- ‘એટલે ઉશનસના ઘરની સામે?’ હું ચમક્યો. મેં મારા યજમાનને પૂછ્યું અને પાંચ મિનિટમાં હું ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનો ચરણસ્પર્શ કરી રહ્યો હતો. મારા યજમાને કવિ તરીકે મારી ઓળખાણ કરાવી પણ સિંધુ સામે બિંદુની અનુભૂતિ મને થઈ રહી હતી. એમના જ ટેબલ પર પડેલા ‘કુમાર‘નો એક અંક ખોલીને મેં મારી છપાયેલી ગઝલ એમને બતાવી અને એ ખુશ થઈ ગયા. એમના ચહેરા પરની એ ખુશી જ મારા માટે તો મોંઘેરું ઘરેણું હતું પણ હું રહ્યો લોભી જીવડો. મેં ‘લયસ્તરો’ની વાત માંડી અને એમની અપ્રગટ રચના એમના હસ્તાક્ષરમાં માંગી લીધી. બીજા જ દિવસે એમણે આ સૉનેટ ખાસ ‘લયસ્તરો’ માટે લખીને મારા સંબંધી હસ્તક મોકલાવી પણ આપ્યું… કવિવરનો આભાર માનવા માટે અમને હવે શબ્દો ન જડે તો આપ અમને ક્ષમા કરશો ને?


(દિવ્ય ભાસ્કર….                               ….૦૧-૧૦-૨૦૦૭)

10 Comments »

  1. ramesh shah said,

    October 20, 2007 @ 1:08 AM

    આનું પ્રિન્ટઆઊટ શ્રી ઉશનસસરને પહોઁચાડીશ.બહુ રાજી થશે.આપના વતી આભાર પણ માની લઊ ને?

  2. વિવેક said,

    October 20, 2007 @ 1:47 AM

    પ્રિય રમેશભાઈ,

    આપનો પ્રતિભાવ આટલો સત્વરે આવશે એની તો કલ્પના જ નહોતી. આ આખો કાર્યક્રમ પણ આપના જ કારણે થયો હતો અને કવિશ્રી સાથે મુલાકાત પણ આપના કારણે જ સંભવી હતી. એટલે પહેલો આભાર તો મારે આપનો જ માનવાનો. કવિશ્રીને પ્રિન્ટઆઉટ આપવા જાઓ ત્યારે અમારા આભાર સાથે સસ્નેહ વંદન પણ જરૂરથી પહોંચાડજો…

  3. pragnajuvyas said,

    October 20, 2007 @ 9:24 AM

    બહુ ઓછા કવિઓ જેને મળતાં પગે લાગવાનું ગમે-થાય તેવા અમારાં ગુજરાતી કવિતાની જીવંત દંતકથા સમાન કવિરાજનાં માનસિક ચરણસ્પર્શ કરી ગાઈ શકાય તેવું કાવ્ય માણ્યું.
    ઉડાઉ પ્રીતિના ધણી ! પર પ્રીતિ દૃઢ થાય ,નીત્ય વર્ધમાન થાય તેવી અભ્યર્થના…

  4. ramesh shah said,

    October 21, 2007 @ 3:28 AM

    દશેરા ના શૂભમુર્હતમાં પ્રિન્ટઆઉટ કવિવર્ય ને પહૉંચાડ્યુ છે સાથે આભાર નું પડીકું પણ ! તેમના તરફથી મળેલ આભાર આ સાથે પાઢવું છુ.

  5. ઊર્મિ said,

    October 22, 2007 @ 4:04 PM

    પ્રિય વિવેક, કદાચ અહીં “નડયો છે આ નાના કૃપણ…” નહીં, પણ “નડ્યાં છે આ નાના કૃપણ…” એવું છે…! એવું જ બંધ પણ બેસે છે…! કવિશ્રીએ લખતાં લખતાં અનુસ્વારનાં ટપકાંને જરા રેલાવી દીધું લાગે છે…

    અને આંખેદેખ્યો અહેવાલ તો સાંભળ્યો જ હતો શ્રી પાસેથી, પણ તારી પાસેથી જાણવાનું અને સમાચાર વાંચવાનું ઘણું ગમ્યું!

  6. વિવેક said,

    October 23, 2007 @ 2:23 AM

    પ્રિય ઊર્મિ,

    મને લાગે છે કે જે લખ્યું છે એ જ બરાબર છે… કવિશ્રી ઉશનસની હસ્તપ્રતને ધ્યાનથી ચકાસશે તો માત્રા લખવાની એમની શૈલી આજ પ્રકારની છે… અને અર્થછટા પણ “નડયો છે આ નાના કૃપણ મનનો શાપ જ કંઈ” યોગ્ય જ જળવાયેલી લાગે છે…

  7. Pinki said,

    October 23, 2007 @ 11:59 AM

    વિવેકભાઈ સાથે હું પણ સહમત છું.

  8. ઊર્મિ said,

    October 24, 2007 @ 2:32 PM

    હ્મ્મ્મ…. ટ્યુબલાઈટ ઝળકી ખરી! 🙂

  9. jugalkishor said,

    October 28, 2007 @ 10:46 AM

    નડ્યો શબ્દ શાપને લાગુ પડતો હોઈ એકવચન જ હોય.

  10. manubhai1981 said,

    November 6, 2011 @ 10:00 AM

    સૌને સાદર અભિનન્દન અને નમસ્કાર !
    આપણે કશા ય ઝગડામાઁ પડવુઁ નથી..હોઁ..!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment