અદ્વૈત – જયંત પાઠક
હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !
તું તારે ખેંચ્યા કર, છૂટવા હું હાર્યે ખેંચાવું,
આ પા તે પા દશે દિશામાં તું જાશે ત્યાં જાઉં,
આ ચરણો, આ ગતિ, હવે ક્યાં, પિયા, રહ્યા છે મારાં !
તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા,
એકમેકમાં ઓતપ્રોત, ક્યાં જોવા હવે જુદારા !
એક વૃક્ષનાં પંખી ? ના, ના… એક જ બીજ-જવારા !
– જયંત પાઠક
PUSHPAKANT TALATI said,
January 6, 2011 @ 6:21 AM
વાહ ભૈ વાહ !
“જયંત પાઠક” એટલે “જયંત પાઠક” – બસ વધુ કાંઈ જ નહી .
તેમાં પણ આ ગીતમાં વાપરેલા શબ્દસમુહો જેવા કે –
” તું તારે ખેંચ્યા કર – છૂટવા હું હાર્યે ખેંચાઉં ”
” આ પા તે પા દશે દિશામાં – તું જાશે ત્યાં જાઉં ”
અને આ મારા ચરણો પણ હવે ક્યાં રહ્યા છે મારાં !” વિગેરે….
અને છેલ્લી LINES માં તો હદ હી કર દી .
તારામાં જ મૂળ મૂકીને જાણે હું ફૂટ્યો છું . તેવું કહી ને વળી ઉમેર્યું કે — ” ક્યાં જોવા હવે જુદારા !’ તથા ” એક જ બીજ-જવારા !” ની સચોટતા જયન્તભાઈ વગર કોનું ગજું છે કે આપે.
સરસ અને સુન્દર મજાની મન ને તરબતર કરતી રચના .
વિવેક said,
January 6, 2011 @ 8:55 AM
સાદ્યંત સુંદર પ્રણયગીત !!!
urvashi parekh said,
January 6, 2011 @ 9:22 AM
ઘણા દીવસે સરસ મજાનુ પ્રેમગીત વાંચવા અને માણવા મળ્યુ.
ગામડા માં બોલાતા શબ્દો જેવા કે, હાર્યે, આ પા કે તે પા, જુદારા,
બીજ જવારા,વગેરે અલગ શબ્દો વાંચવા મળ્યા.
સરસ અનુભૂતી.
pragnaju said,
January 6, 2011 @ 10:40 AM
અદ્વૈત સિધ્ધાંતમા દુઃખનું મૂળ માયા છે અને બ્રહ્મનું જ્ઞાન જે માયાનો નાશ કરી શકે છે.
જ્યારે માયા દૂર થાય છે ત્યારે જીવ-આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈ જ ભેદ રહેતો નથી.
પુરુષ્રાર્થથી માયા દૂર થાય ત્યારે જીવનો અનુભવ
હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !
તું તારે ખેંચ્યા કર, છૂટવા હું હાર્યે ખેંચાવું,
આ પા તે પા દશે દિશામાં તું જાશે ત્યાં જાઉં,
આ ચરણો, આ ગતિ, હવે ક્યાં, પિયા, રહ્યા છે મારાં !
…………………………………….
આદિ શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતને દ્રઢિભૂત કર્યું.કાર્યએ કારણથી અલગ નથી; જો કે, કારણએ કાર્યથી અલગ છે.વિશ્વ બ્રહ્મથી અલગ નથી, જો કે બ્રહ્મ જગતથી અલગ છે.પ્રજ્ઞાનં બ્રહ્મ,અહં બ્રહ્માસ્મિ, તે તું જ છે અને અયમાત્મા બ્રહ્મ
તેનું દર્શન કવિશ્રી
તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા,
એકમેકમાં ઓતપ્રોત, ક્યાં જોવા હવે જુદારા !
હંસ પાણીમાં રહે છે છતાં તેના પીંછા પાણીમાં પલળી જતા નથી તેવી જ રીતે મુક્તિપામેલો અદ્વૈતવાદી માયાથી ભરેલા આ વિશ્વમાં જીવે છે પરંતુ તેને ભ્રમ સ્પર્શી શકતો નથી
એક વૃક્ષનાં પંખી ? ના, ના… એક જ બીજ-જવારા !
કવિશ્રી સહજ રીતે તેમના તત્ત્વમીમાંસા દર્શનની વાસ્તવિકતાના દર્શન કરાવે છે.
Pancham Shukla said,
January 6, 2011 @ 10:50 AM
ઉત્કટ ભાવોદ્રેકનું કાવ્ય.
શ્રી જયંત પાઠક એ પેઢીના કવિ હતાં જેમાં જીવ-શીવ મહદઅંશે સાથે જ હોય. કવિતાનું શીર્ષક ‘અદ્વૈત’ પણ એ રીતે સૂચક છે. આખા કાવ્યમાં કોનો કોની સાથે પ્રણય એ નક્કી કરવા દરેક લીટીમાં શબ્દના બધા જ રૂપો તપાસતા જઈએ તો ….
હવે ન છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
હવે ન છૂટે સાથ, બાથમાં આવ્યો, પ્યારા !
પહેલી બે લીટીઓથી સમજાય છે કે કવિનો પ્યારો કોઈ પુરુષ છે.
પણ કવિ પુરુષભાવે કે સ્ત્રીભાવે કાવ્ય કથે છે તે પકડાય છે આ લીટી પરથીઃ
‘તારામાં જ મૂકીને જાણે મૂળ ફૂટ્યો છું પ્યારા’
આમ અહીં ‘આ’ પુરુષનો ‘એ’ પુરુષ સાથેનો ‘પ્રણય’ છે એવું આપણે તારવી શકીએ.
On a light note:
(લિબરલ યુરોપ કે વેસ્ટમાં આવા વિધાનો સાથેનો સ્ટિગ્મા હજી દૂર થયો નથી. અને આપણે તો વેદકાળથી આ વિધાનો આત્મસાત કરેલા છે. અલબત્ત, આપણો કોન્ટેક્સ્ટ સ્થૂળ નહિ પણ સૂક્ષ્મ છે.)
Rajendra M.Trivedi, M.D. said,
January 6, 2011 @ 11:13 AM
” તું તારે ખેંચ્યા કર – છૂટવા હું હાર્યે ખેંચાઉં ”
” આ પા તે પા દશે દિશામાં – તું જાશે ત્યાં જાઉં ”
મારી નાડ તમારે હાથે પ્રભુ સમ્ભાળજો રે.
મુજને પોતાનો જાણી ને પ્રભુપદ આપજો રે.
તત્ત્વમીમાંસામા થયા.
રાજેન્દ્ર ત્રિવેદી
dHRUTI MODI said,
January 6, 2011 @ 3:24 PM
તીવ્ર અને ઉત્કટ પ્રેમનું સુંદર કાવ્ય.
devika dhruva said,
January 6, 2011 @ 3:29 PM
પ્રેમની પરાકષ્ટાનું આખુ યે સુંદર ગીત.
વિહંગ વ્યાસ said,
January 6, 2011 @ 9:34 PM
ખુબજ સુંદર ગીત. પ્રજ્ઞાબેન તથા પંચમભાઇનાં પ્રતિભાવ પણ ગમ્યાં.
Dinesh said,
January 15, 2011 @ 7:00 PM
હલ્લો
આપના બ્લોગની વાંચન સામગ્રી મને અતિ પ્રિય છે,અને જ્યારે પણ મુલાકાત લઉં છું એક કલાક ઓછો પડે છે ધન્યવાદ, સ્કૂલમા ભણતા હતા ત્યારે ગુજરાતીમા અભિજ્ઞાન શાકુંતલમ માથી એક પાઠ ભણવામા આવતો હતો મને યાદ નથી લેખક કોણ હતા પણ તેમા કણ્વ ઋષિ ના આશ્રમ
માથી શકુંન્તલા વિદાયનો પ્રસંગ હતો અને વિદાય ગીત હતુ તે ફરી માણવાનુ મન થયુ છે તો
આપને કે આપના વાચકોમાથી કોઇને તે ગીત પ્રાપ્ય હોય તો અહીં મૂકવા વિનંતિ