પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે..
નરસિંહ મહેતા

શ્યામસુંવાળું અંધારું – જયન્ત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયન્ત પાઠક

પરાપૂર્વથી અંધારું કવિઓને આકર્ષતું આવ્યું છે. જયન્ત પાઠક શ્યામસુંવાળું જેવા નમણાં વિશેષણથી સીસમ જેવા અંધારાને નવાજે છે. શ્યામ જેવો ગાઢો અંધકાર રેશમ જેવો સુંવાળો પણ છે અને વધુ ઘટ્ટ થાય ત્યરે એ સીસમ જેવો ઘન હોવાનું પણ અનુભવાય છે. પ્હો ફાટતાં પ્રકાશના કિરણની કરવતથી સીસમ જેવું અંધારું વહેરાતાં અજવાળું જાણે કે રજ-રજ થઈને ખરે છે અને સૃષ્ટિમાં ધીમે ધીમે અજવાસ જે રીતે પથરાય છે એને કવિનો કેમેરા આબાદ ઝીલે છે. કીકીના કાજળમાં કલવાઈને એ ટપકું થઈને ઝળકે છે ત્યાં જઈને કવિતા પૂર્ણ થાય છે.

5 Comments »

  1. pragnajuvyas said,

    February 6, 2022 @ 12:19 AM

    કવિશ્રી જયન્ત પાઠકનુ સુંદર ઊર્મિકાવ્ય
    ડૉ. વિવેકનો સ રસ આસ્વાદ
    કવિશ્રી તેમની બીજી કવિતામા કહે છે
    થોડો અંધારે, થોડો ઉજાસમાં,
    થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
    થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
    આ કાવ્યની અંધારેથી અજવાળાની વાત અમારી પ્રાર્થનામા રોજ ગાઇએ છીએ
    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા
    ગુરુ શબ્દનો અર્થ પણ આ રીતે થાય
    ગુ=અંધકાર , રૂ=નાશ, જે અંધકારનો નાશ કરે તે ગુરુ કહેવાય
    આમ અંધકારનુ શાસન અસત્ય, મહામૃત્યુ, વિશ્વાસઘાત, કાવતરું અને ભય સાથે સંકળાયેલ મનાય છે
    અને અજવાળુ પરમ સત્ય અને અમૃત …
    આ કાવ્યમા શ્યામસુંવાળું
    સીસમ જેવું અંધારું
    અજવાસ પથરાતા
    ટપકું થૈને ઝળકે!
    ખૂબ સુંદર કલ્પના

  2. Vimala Gohil said,

    February 6, 2022 @ 1:54 AM

    “શ્યામસુંવાળું
    સીસમ જેવું અંધારું
    કિરણની કરવતથી વ્હેરાય”

    “સીસમ જેવું અંધારું
    અજવાસ પથરાતા
    ટપકું થૈને ઝળકે!”

  3. જયેન્દ્ર ઠાકર said,

    February 6, 2022 @ 3:02 AM

    સરસ કાવ્ય છે!

  4. Indu ShahI said,

    February 9, 2022 @ 12:29 AM

    વાહ,સુંદર, કાવ્ય
    “કીકીના કાજળમાં કલવાય
    ટપકું થૈને ઝળકે”
    કીકીના કાઝળને પણ ઝળકાવ્યું.

  5. લતા હિરાણી said,

    February 20, 2022 @ 1:32 PM

    કેટલા સરસ કલ્પન !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment