શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
જલન માતરી

એક જુનવાણી ઢબની કવિતા – જયન્ત પાઠક

સંતો આપવખાણ ભલાં!
ભદંતો આપલખાણ ભલાં!

બોલ્યા વણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં;

હાંક્યે રાખો બડું બડાશી ઘોડું
આપ મૂઆ વિણ સ્વર્ગ જવાશે થોડું!

કોઈ કહેશે ગરવ કરો છો, કોઈ કહે: ‘છો જુઠ્ઠા!’
દુનિયા બોલે, દિયો બોલવા, બનો ન બાઘા – બુઠ્ઠા;

વરની મા જો નહીં વખાણે વરને
તે બત્રીલખણાને સામે કોણ જઈને પરણે!

કેાઈ કહેશે: રહો મહાશય લખાણને કહેવા દો –
કહેવું આપણેઃ “લખાણુ બોલે!”– રહેવા દો, રહેવા દો!

એવું બધું તો વદે વાયડા
અમે ન ભોળા, અમે ભાયડા!

અમે લખીશું, અમે વાંચશું, અમે કરીશું શ્લાઘા
ભલે બીજા તૈયાર સોય લઈ ઊભા
અમે સિફતથી દેશું પરોવી એમાં અપના ધાગા !

– જયન્ત પાઠક

કવિતાની એક મજા એ કાળજયી હોય એ પણ ખરી. જયન્ત પાઠકની આ વ્યંગ રચના દાયકાઓ પૂર્વે લખાઈ હોવા છતાં આજે પણ એ એટલી જ પ્રસ્તુત છે, જેટલી લખાઈ ત્યારે હશે. કદાચ આજે તો તો તંતોતંત પ્રસ્તુત ગણાય. પોતાના અને પોતાના લખાણના વખાણ કરવાં એ જ આજે મોટાભાગના સર્જકો માટે જીવનહેતુ બની ગયો છે. કવિએ અખાની જેમ વક્રોક્તિ સાથે આવા સર્જકોનો ઉધડો લીધો છે. કવિએ ભલે રચનાને જુનવાણી ઢબની રચના કહીને કેમ ન ઓળખાવી હોય, રચના પૂર્ણપણે સમસામયિક હોવાનું વર્તાય છે. પ્રાસનિયોજના અને કટાવ છંદના પ્રવાહી વહેણના કારણે રચનામાં ઓર નિખાર આવ્યો છે.

1 Comment »

  1. Diven Dhimmar said,

    July 20, 2024 @ 7:16 AM

    બાળપણમાં હતા ત્યારે અભ્યાસક્રમમાં અખાના છપ્પા નામની કવિતાનું પ્રકરણ આવતું હતું… જેમાં મને હજીય પસંદ એવો…
    “વાડ થઈને ચીભડાં ગળે…”
    એવું ક્યાંક સ્મરણમાં આવે છે, બસ એ જ રજુઆત અહીંની દરેક પંક્તિમાં કવિએ બારીકાઈ થી કરી છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment