તારો વૈભવ – જયન્ત પાઠક
(પૃથ્વી)
અહો જલની ઉગ્રતા !
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.
અહો જલનું માર્દવ !
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળવા બની
હથેલી મહીં પુષ્પની જેવું ઝીલાઈ, વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.
અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
વિનષ્ટિ સૃજને કશો પ્રગટ તાહરો વૈભવ !
– જયન્ત પાઠક
જળના બે આંત્યંતિક સ્વરૂપોને સામસામે ગોઠવી કવિ મજાનું કાવ્ય કરે છે ! મૂશળધાર વરસીને કાંઠા તોડી પર્વતના શિખરોને ય તહસ-નહસ કરી નાંખી રેતી-રેતી કરી દે એવું સમસ્ત સૃષ્ટિના ધબકારા અટકાવી દે એવું જળનું સ્વરૂપ એક સામે છે તો બીજી તરફ હળવેથી જેમ ફૂલ હથેળીમાં ઝીલાય છે એ રીતે ધરતીમાં ભળી જઈ એક બીજને નવાંકુરિત કરી નવી જિંદગી જન્માવતું ઋજુદિલસ્વરૂપ છે… બંને સ્વરૂપે ઈશ્વરનો જ ખરો વૈભવ પ્રગટ થાય છે…
(અદ્રિશૃંગ = પર્વતની ટોચ; ગ્રાવા = પર્વત, પથ્થર; ચરાચર = જડ-ચેતન; વિનષ્ટિ= વિનાશ)
Jina said,
May 26, 2009 @ 2:04 AM
વાહ!!
mrunalini said,
May 26, 2009 @ 3:25 AM
પ્રેમ ઈશ્વરની ભાષા છે.
માણસની બધી જ વ્યથા- વીતક પછી આવે છે માત્ર પ્રેમ. પ્રેમવૃતિ મૂળભૂત … પ્રેમ ભાષ્યનો વિષય નથી, પ્રેમ આત્માનો વૈભવ છે. પ્રેમ દ્વૈતની પાસે ફરકતો નથી. પ્રેમ અદ્વૈત ઝંખે છે … પ્રેમનું સ્વરૂપ બારમાસીના છોડ જેવું છે. જળના બે આંત્યંતિક સ્વરૂપોમા પ્રેમાનંદ
પંચમ શુક્લ said,
May 26, 2009 @ 4:59 AM
અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ !
સુંદર કાવ્ય.
sapana said,
May 26, 2009 @ 8:45 AM
મને જળના તદન વિરોધી રુપની કલ્પના આહલાદક લાગી.
સપના
જીગ્નેશ અધ્યારૂ said,
May 26, 2009 @ 10:09 AM
ખુબ સરસ રચના….
જળના બે વિરોધાભાસી રૂપોને, તેની ઉગ્રતા અને માર્દવ બંનેને ખૂબ જ સરસ રીતે પંક્તિબધ્ધ કર્યા છે. વિરોધાભાસી રૂપોનો ઉપયોગ કરીને ખૂબ સરસ રીતે કાવ્ય અલંકૃત થયું છે.
pragnaju said,
May 26, 2009 @ 12:58 PM
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ધસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.
જાણે કે કાળરાત્રી!
મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.
મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનુંસ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે
ઊર્મિ said,
May 27, 2009 @ 11:12 AM
મજાનું ઊર્મિકાવ્ય… આને સૉનેટ ના કહેવાય?
મતલબ કે હવે શ્રાવણની કલ્પના કરવી શરૂ થઈ ગઈ છે… શુભેચ્છાઓ કે દેશમાં બધાને ચોમાસામાં તહસ-નહસ કરી નાંખતું જલનું ઉગ્ર સ્વરૂપ નહીં પરંતુ માર્દવ રૂપ જ જોવા મળે…!
preetam lakhlani said,
May 28, 2009 @ 1:32 PM
બહુજ સરસ કાવ્ય્ ……….. કારણ નહી આપુ કારણ મને ગમે છે………..આ શબ્દ મારા નથી પણ ધાયલ સાહેબના છે……….