શબ્દોનું શું કામ ! – જયન્ત પાઠક
શબ્દોનું શું કામ,
અમારે બાવનબા’રો રામ !
માળામણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિગાન
ઝાંઝપખાવજવાદન નર્તન દર્શનમુખ અભિરામ
ખટપટ ખોટી તમામ
અમારે બાવનબા’રો રામ !
ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ !
– જયન્ત પાઠક
એકબીજા સાથે આસાનીથી પ્રત્યાયન થઈ શકે એ માટે ક્રમશઃ વાણી અને ભાષાની શોધ થઈ પણ શબ્દો અભિવ્યક્તિનું એકમાત્ર ‘લગભગ સંપૂર્ણ’ સાધન હોવા છતાં લાગણીઓને યથાતથ રજૂ કરવામાં એ ભાગ્યે જ સફળ નીવડે છે. સમર્થ કવિ આ વાત સમજે છે એટલે જ કહે છે કે શબ્દો મારે કોઈ કામના નથી કેમકે ઈશ્વર તો બાવન અક્ષરોની બહાર વસે છે, માળામણકા વગેરે તમામ ખોટી ખટપટ છે. એનો વાસ શૂનશિખર પર છે. (શૂન શિખર ગઢ લિયો હૈ મુકામ, યોં કહે દાસ કબીર.) જે આવા ત સમજતા નથી એ ચોર્યાસી લાખ ફેરાની સંતાકૂકડી રમતા રહે છે, બાકી ભીતર બહાર બધે એ એક જ છે એટલું જાણી લો તો આઠે જામ ઉત્સવ જ છે.
‘ગુરૂ બાવન અક્ષર સે બારા’વાળી વાત આપણા સાહિત્યમાં ઘણીવાર જોવા મળે છે. જયન્ત પાઠકની જ અન્ય કવિતામાં એ લખે છે, ‘ઉઘાડ–મીંચમાં બાવનબા’રી બારખડીમાં, લખાયેલું તે ભીતર વાંચું નામ!’ ગંગાસતી ગાય છે: ‘એમ તમે તમારું શીશ ઉતારો પાનબાઈ તો તો રમાડું બાવનની બહાર.’ સતી લોયણ કહી ગયાં: ‘જી રે લાખા અક્ષર બાવન બારૂની જ નામ કહીએ જી.’
Arvind Gada said,
October 14, 2021 @ 2:11 AM
પ્રકૃતિમાં જેમ દ્રષ્ટિગોચર સીમા પૂર્ણ થાય છે તેના પછી જે અણદીઠ અને અગોચર શરૂ થાય છે, સાધક ત્યાં પહોંચવા મથે છે તેમ જ જ્યાં શબ્દોની સીમા પૂરી થાય છે ત્યાં મૌનની ભાષા શરૂ થાય છે અને જેને મૌનની ભાષા સમજાય તેને તો ઝળહળ ઝળહળ જ સઘળું.
કવિ જયંત પાઠક અને સાધના પથના સઘળા સાધકો આ અણદીઠ, અગોચર અને શબ્દોથી પર એવા જગતની ખોજ આદરે છે.
સામાન્ય યાત્રા અમાસથી પૂનમ ભણી હોય છે જ્યારે સાધકની યાત્રા પૂનમથી અમાસ ભણી ની. દેખાતા અજવાસ ને ક્રમશઃ ઓછો કરતા જઈ અંધકારની ભાષાને ઉકેલવાની.
Harihar Shukla said,
October 14, 2021 @ 2:13 AM
બાવન બા’રો રામ ખરો 👌💐
સંજુ વાળા said,
October 14, 2021 @ 2:26 AM
સરસ રચના
આપણે ત્યાં કેટલીક રચનાઓને સ્વરૂપગત કોનું ખાનું બાંધી શકે નહીં એ પૈકીની આ રચના.
એક નવતર રચનાનો લયસ્તરોને સ્વાદ ચખાડ્યો એ પણ…
અને
હા.. બા-કાયદા ગંગાસતી અને લોયણ
ધન્યવાદ
Sandip Pujara said,
October 14, 2021 @ 3:10 AM
વાહ વાહ – મસ્ત
Dr.j.k. Nanavati said,
October 14, 2021 @ 5:59 AM
રમે મૌનમાં રામ……વાહ વાહ..ગમ્યું
ગૌરાંગ ઠાકર said,
October 14, 2021 @ 9:45 AM
વાહ વાહ… મજાની રચના👌👌👌
pragnajuvyas said,
October 14, 2021 @ 10:53 AM
સ રસ ગીત
કબીરજી કહે છે: ‘યહી બડાઇ શબ્દ કી, જૈસે ચુંબકભાય, બિના શબ્દ નહીં ઉબરૈ, કે તા કરૈ ઉપાય!’
‘હીરા તો દામોં મિલે, શબ્દ હી મોલ ન તોલ ‘
ત્યારે કવિશ્રી જયન્ત પાઠક નુ ગીત ગુંજે
ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરા
અણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !
ઓચ્છવ આઠે જામ
અમારે રમે મૌનમાં રામ !
મૌનની ભાષા માની ધન્ય
–
DILIPKUMAR CHAVDA said,
October 16, 2021 @ 4:34 AM
વાહ
મજાની રચના
Poonam said,
October 16, 2021 @ 8:31 AM
અમારે રમે મૌનમાં રામ !
– જયન્ત પાઠક – 👌🏻
Chetan Shukla said,
October 17, 2021 @ 9:13 AM
કેવી મજાની રચના ..
શબ્દોનું શું કામ…વાહ