જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
મરીઝ

વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

(શાર્દૂલવિક્રીડિત)

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. પણ ઘણા લોકો માટે તન ભલે વતન છોડે, મન વતનમાં જ રહી જતું હોય છે. જયન્ત પાઠકની કવિતાઓમાં પણ વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. વરસો પછી વતન આવીને ઘર વેચી દઈ વતનથી વિદાય થતી વેળા કવિને થતી અનુભૂતિનું આ સૉનેટ છે.

વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો: http://tahuko.com/?p=19407

3 Comments »

  1. pragnajuvyas said,

    January 16, 2021 @ 10:12 AM

    સુંદર સોનેટ!
    ડૉ વિવેકજીનો લંબાણપૂર્વક સ રસ આસ્વાદ
    ”स्वदेश प्रेम वह पुण्य क्षेत्र है,
    अमल, असीम, त्याग से विकसित ।”:

  2. જયેન્દ્ર ઠાકર said,

    January 16, 2021 @ 1:44 PM

    મનની વ્યથાબદ્ધ લાગણીઓને વહેતી કરતું સુંદર સોનેટ! જીવનનો ભુતકાળ ભલે ગમ્મેતેવો ઉઝ્ઝડ હોય પણ અંતેતો એ પોતાનો જ છે! ઘણીવાર જીવનમાં આજ મુડી મુઠ્ઠીમાં રહે છે. બાકી તો સરિતાની જેમ સરતા જીવનમાં આપણું શું કહેવાય? એટલે જ તો શ્રી રામે કહ્યું હશે કે…अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते | जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी || સોનેટનું સુંદર પ્રુથકરણ કરવા બદલ ડો, ટેલરનો આભાર!

  3. વિવેક said,

    January 17, 2021 @ 12:09 AM

    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment