જીવી ગયો હોત – જયન્ત પાઠક
કોઈ નથી-ના આ બંધ ઓરડામાં
આંટા મારતી
મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત;
મરણના મારગે આ ચરણ ઊપડ્યા ત્યારે
તમે માત્ર ‘ઊભા રહો’ એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત;
મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત;
આમ તો કદાચ
મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ… તે મારા હાથમાં નહોતું !
– જયન્ત પાઠક
આ કવિતામાં કવિ જ્યારે ત્રણ નાની માંગણીઓ ગણાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે પ્રેમ કેટલી સાદી, નાની ને સરળ વાતો પર ટકેલો હોય છે ! ‘હું છું ને’, ‘ઊભા રહો’ અને ‘કેમ છો?’ આટલી સામાન્ય લાગણીઓ પ્રેમનો પાયો હોય છે. એમ છતાંય આપણે રોજે રોજ પોતાના પ્રેમને ટૂંકો પડતો જોઈએ છીએ.
વિવેક said,
December 30, 2006 @ 10:10 AM
આ કવિતા વાંચતાવેંત જ જાણે કે બધી ચેતના હરાઈ ગઈ… શરીરમાંથી લોહી ઊડી ગયું હોય એવી નિઃસ્તબ્ધ રિક્તતા રક્તવાહિનીઓની શેરીમાં પ્રસરી ગઈ… આ ત્રણ વસ્તુ જ કદાચ સમય પર કહેવાની રહી ગઈ અને પપ્પા અમને છોડીને ચાલી નીકળ્યા…
સંકલિત: કેમ છો? « સહિયારું સર્જન - પદ્ય said,
July 11, 2007 @ 2:39 PM
[…] જયન્ત પાઠકની આ આખી રચના અહીં વાંચો… https://layastaro.com/?p=607 […]