બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતનાં આવે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

આદિમતાની એક અનુભૂતિ – જયન્ત પાઠક

(શિખરિણી)

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

– જયન્ત પાઠક

સંસ્કૃતિ એ આપણી આદિમતાની ઉપર ચડાવેલ ઢોળ છે. ઢોળ ઉતરી જાય તો સાચી પ્રકૃતિ પ્રગટ થાય. સમાજના ઢાંચામાં યંત્રવત જીવન જીવતા મનુષ્યોને સમય સમયે એના આદિમ સંસ્કારો સાદ દે છે, પરિણામે આપણે વેકેશન લઈને જંગલ-પર્વત-નદી-સમુદ્ર-રણના ખોળે રમણ કરવા પહોંચી જઈએ છીએ. પ્રસ્તુત રચનામાં કવિ વનમાં જાય છે ત્યારે એમને ઘણા દિવસે વેકેશન લીધું એવી નહીં, પણ ઘણા દિવસો પછી સ્વગૃહે પરત ફર્યાની અનુભૂતિ થાય છે. વનમાં પહોંચતાવેંત કથક સભ્ય સમાજે પહેરાવેલ વાઘાં ત્યજીને અસલ વાતાવરણમાં આદિવાસીની જેમ વિહાર કરવો આદરે છે.

સૉનેટના બીજા ચતુષ્કમાં કથક પ્રકૃતિના નાનાવિધ જીવો સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સહિયારે છે. નિજની અસલિયત સાથે મુખામુખ થવા મળે એથી વધારે અસરદાર આસવ બીજો શો હોઈ શકે? વાત આદિમતાની અનુભૂતિની હોય અને જાતીય આવેગોનો પ્રાદુર્ભાવ ન થાય એ કેમ બને? નાની નાની ટેકરીઓ પર ઉગેલાં વૃક્ષોમાં કવિને હાથથી પસવારતાં સ્તનો પર થતાં રોમાંચ જેવા ભાસે છે. બે ટેકરીઓની વચ્ચેથી દ્રુત ગતિએ ગીત ગાતાં ગાતાં ગૂઢ ખીણમાં ઉતરતા ઝરણાંમાં કવિને સંભોગની ચરમસીમાએ થતો સ્ફોટ અનુભવાય છે. છાપરા અને ભીંતા વિનાના આ નિવાસમાં સૂર્ય પણ શરમ નેવે મૂકીને અંધારા સાથે ક્રીડા કરે છે.

આપણા કાવ્યસાહિત્યમાં આ પ્રકારની અભિવ્યક્તિ જૂજ જ જોવા મળે છે.

5 Comments »

  1. gaurang thaker said,

    August 8, 2024 @ 12:15 PM

    વાહ વાહ… ખૂબ સરસ કાવ્ય અને આસ્વાદ રસપ્રદ👌🌹

  2. મનસુખ નારિયાં said,

    August 8, 2024 @ 2:23 PM

    વાહ સરસ મજાની રચના એવોજ મજેદાર આસ્વાદ

  3. હરજીવન દાફડા said,

    August 8, 2024 @ 2:46 PM

    વાહ ખૂબ સરસ કાવ્ય

  4. Dhruti Modi said,

    August 9, 2024 @ 4:10 AM

    સભ્ય સમાજમાં આદિમતાને સંતાડેલી રાખી હતી, પણ જંગલમાં એ સભ્ય સમાજના વસ્ત્રોની જગા લીધી અસલી વસ્ત્રોએ આ વાત કવિએ ખૂબ સુંદરતાથી વર્ણવી છે.
    કાવ્યનો અંત પણ એટલોજ સુંદર, રોમાંચક અને રોમાંસથી સજેલો છે ! નાની નાની ટેકરીઓ અને ખીણ દ્વારા જે રોમાંચ અનુભવ્યો છે તેનું અદ્દભુત વર્ણન કર્યુ છે.એમાં સુરજદાદા પણ મજનુ બની ગયા છે.
    સુંદર રચના અને શહેરી જીવનની ઢોળ ચઢાવેલી જીદંગી અને જંગલની પ્રકૃતિમય જીદંગી વચ્ચેનો તફાવત અહીં આ કૃતિમાં દેખાય છે.

  5. Poonam said,

    August 26, 2024 @ 6:08 PM

    પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
    હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.
    – જયન્ત પાઠક – 👌🏻

    Aaswad Sa-Ras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment