ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.
– કિરણ જોગીદાસ ‘રોશન’

(મારું જોબન વીતી જાય) – રંગ અવધૂત

મારું જોબન વીતી જાય
વાલમ! આજો મારે દેશ, મારું જોબન વીતી જાય;
રાત અકારી નૈન ન મીચે, પલક પલક જુગ જાય,
સૂની સેજડી આંસુભીની, લોક વગોવે હાય!
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
રંગ ગુલાબી ચિબૂક સુકાયો, શિર પર જટા સુહાય;
અંગ ભભૂતી દેખી પેલો અનંગ દિલ હરખાય;
હૃદય-કમલની સેજ બિછાવી, ‘સોહં’ પંખો હાથ;
વાસન-વસ્ત્ર ફગાવી વાલમ! વાટ જોઉ દિનરાત.

– રંગ અવધૂત

ગોધરામાં મરાઠી બ્રાહ્મણના ઘરે ૨૧-૧૧-૧૮૯૮ના રોજ જન્મેલ પાંડુરંગ કોલેજના છેલ્લા વર્ષનો અભ્યાસ છોડીને ગાંધીજીના અસહકાર આંદોલનમાં જોડાયા. પછી ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પણ થયા. ‘ગંજેરી’ તખલ્લુસથી કટારલેખન કર્યું. આખરે આત્મખોજની અનવરત લત એમને નારેશ્વર ખેંચી લાવી. આજે આપણે સૌ એમને રંગ અવધૂત તરીકે ઓળખીએ છીએ. પ્રખર દત્તસાધક. અજાતવાદ-અદ્વૈતવાદના હિમાયતી. નિધન: ૧૯૬૮.

પ્રેમલક્ષણા ભક્તિનું આ પદ વાંચતા મીરાંબાઈ અચૂક યાદ આવે. રંગ અવધૂતના આ પદે મીરાંબાઈના ‘બંસીવાલા, આજો મોરા દેશ’ પદના સંસ્કાર ઝીલ્યા હોય એય સંભવ છે. જો કે એ એક વાક્યખંડ સિવાય બંને પદ વચ્ચે અન્ય કોઈ સામ્ય નથી.

પ્રિયતમના વિયોગમાં જેની યુવાની વેડફાઈ રહી છે એવી પ્રોષિતભર્તૃકાની મિલન-આરતનું આ પદ છે. રાત્રે ઊંઘ આવતી નથી, અને દરેક પલક યુગ જેવી લાંબી લાગે છે. સૂની સેજ આંસુઓથી ભીની થઈ રહી છે. લોકો પણ ટોણાં દે છે. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો છે અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન છે, પણ જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે. વિયોગિનીની સન્યાસી જેવી દશા જોઈને કામદેવ પ્રસન્ન થાય છે, પણ નાયિકા તો હૃદયકમળની સેજ બિછાવી, સોહંના પંખાથી જાતને પવન નાંખતી વસ્ત્રો પરહરીને દિનરાત અનવરત રાહ જોઈ રહી છે… વસ્ત્રત્યાગીને પ્રતીક્ષા કરવાની વાત રચનાને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. પ્રિયતમ આવી ચડે તો દ્વૈતમાંથી અદ્વૈત સ્થપાવામાં એક ક્ષણ પણ કેમ વેડફવી?

પણ શરૂમાં કહ્યું એમ આખી રચના પ્રેમલક્ષણા ભક્તિનું પદ છે એટલે અદ્વૈતવાદી સંતકવિનો આ ગોપીભાવ સચરાચરના સ્વામી માટે છે એ આપણે વિસારે પાડવાનું નથી.

6 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    August 10, 2024 @ 11:44 AM

    સરસ પ્રેમલક્ષણા ભક્તિ યુક્ત પદ

  2. Pravin Shah said,

    August 10, 2024 @ 12:21 PM

    સરસ ! ખૂબ સરસ !

  3. હરજીવન દાફડા said,

    August 10, 2024 @ 12:31 PM

    વાહ વાહ
    પ્રેમલક્ષણાનું અનેરું આલેખન પામેલું પદ.
    એટલું જ સુંદર અવલોકન.
    ખૂબ ખૂબ અભિનંદન

  4. Dhruti Modi said,

    August 11, 2024 @ 2:45 AM

    સુંદર રચના ! પ્રેમલક્ષણા ભક્તિનું સુંદર પદ ! 👍💗💗

  5. Harsha Dave said,

    August 11, 2024 @ 4:55 AM

    પ્રેમ લક્ષણા ભક્તિનું મધુર સંવેદન ધરાવતી સુંદર મજાની રચના 🙏

  6. Jigna Sheth said,

    August 11, 2024 @ 11:58 AM

    ખુબ સુંદર બાપજી ના કાવ્ય ની
    પ્રેમલક્ષણાનું અનેરું આલેખન પામેલું પદ સુંદર અવલોકન સાથે રજૂ કર્યું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment