પ્રેમરસ – દયારામ
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.
સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. – જે કોઈo
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે,
ક્ષારસિંધુનું માછલડું જેમ મીઠા જળમાં મરે. – જે કોઈo
સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગળવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. – જે કોઈo
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. – જે કોઈo
એમ કોટિ સાધને, પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ના ફરે,
દયાપ્રીતમ શ્રીગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે. – જે કોઈo
-દયારામ
કહેવતની કક્ષાએ પહોંચેલ ધ્રુવપંક્તિ અને પ્રથમ અંતરાવાળું આ અમરકાવ્ય આપણા ભાષાકીય ખજાનાના એક સીમાચિહ્ન સમું છે. આ છે શાશ્વત કવિતા… યુગ કોઈ પણ હોય, એ સદૈવ સાંપ્રત જ લાગશે…
(કનકપાત્ર=સુવર્ણપાત્ર, સક્કરખોર=સાકર ખાનાર જીવડો, ખર=ગધેડો, વગળવંશી=વર્ણસંકર, વમન=ઊલટી, મુક્તાફળ=મોતી)
પંચમ શુક્લ said,
August 10, 2007 @ 7:35 AM
ઉત્તમ કાવ્ય. ખૂબ ગમ્યું. વારંવાર આવાં કાવ્યો નજરે ચઢે તો કાવ્યને માણવાની આપણી સમજ અને સજ્જતાનો વિકાસ થાય.