હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!
હર્ષા દવે

(બાજે ઝીણું જંતર) – જોરુભા ગીડા

કિયો પદારથ લાધ્યો સાંઈ! કિયો ફૂંકીયો મંતર?
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…

પરથમ ફૂંક લગાવ્યા ભેળા ગોખ થયા ઝળહળતા,
બીજી ફૂંકે હરિવર મારા હૈયે આવી મળતા.

ફેર કશો ના રહે સમયનો, પળ હો કે મનવંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…

નુરત સુરતમાં મટી મૂળથી યુગ યુગન કી ફેરી,
અનહત નાદ ભયો જોગંદર, પાવન જીવની દેરી.

સાત જનમના પડદા પડતાં ઓરું લાગે અંતર…
આધી એક ઘડીમાં ભીતર બાજે ઝીણું જંતર…

– જોરુભા ગીડા

કવિનું મૂળ નામ જોરુભા ગીડા. ગામ જસદણ. કવિએ નામ અને અટકના પહેલા અક્ષર અને ગામનું નામ સાંકળી લઈને જોગી જસદણવાળા તરીકે આગવી ઓળખ ઊભી કરી… પણ પછી અચાનક આધ્યાત્મના રસ્તે વળી ગયા અને હવે તેઓ પોતાને પૂજ્ય બાપુ તરીકે ઓળખાવે છે…

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો… સાચી વાત છે. સાચા ગુરુ અને સાચો ગુરુમંત્ર જેને સાંપડે એનું જીવતર તો અડધી ઘડીમાં આશિખાનખ બદલાઈ જાય. ભીતરના ગોખલા ઝળહળવા માંડે અને હૈયે હરિનો વાસ અનુભવાય એ ઘડીએ એક પળ અને એક મન્વંતર વચ્ચેનો ભેદ પણ ભૂંસાઈ જાય છે. નુરત-સુરત આધ્યાત્મની પરિભાષામાં સામાન્યરીતે એકસાથે પ્રયોજાતા જોવા મળે છે. બહુ ઊંડી વ્યાખ્યાઓમાં ન જઈએ તો કદાચ એમ કહી શકાય કે ખુલ્લી આંખે ધ્યાન ધરવું તે નૂરત અને બંધ આંખે દર્શન કરવા તે સુરત. પરમેશ્વર સાથે સુરતા લાગી જાય તો ચોર્યાસી લાખ ફેરાની આવનજાવન ટળી જાય… સાત જનમોના આવરણ હટી જાય ત્યારે જીવ અને શિવ વચ્ચેનું અંતર પણ નાબૂદ થઈ જાય… સરવાળે, આધ્યાત્મિક રચનાઓની પંગતમાં અલગ સ્થાન મેળવી શકે એવી રચના…

(મન્વંતર = એક મનુની કારકિર્દીનો સમય; 306,720,000 વર્ષ; સુરત = બ્રહ્મ સાથે એકતાર થવું તે; નૂરત=પ્રકાશ; અનહત નાદ= પ્રણવનાદ, યોગીઓને સંભળાતો અંતર્નાદ)

7 Comments »

  1. Jaagruti Pulkit Shastri said,

    January 31, 2025 @ 4:00 PM

    અરે વાહ વિવેકભાઈ , ખુબ સરસ રચના છે. ❤️

  2. Shailesh Gadhavi said,

    January 31, 2025 @ 5:29 PM

    સરસ રચના…

  3. Varij Luhar said,

    January 31, 2025 @ 5:56 PM

    વાહ.. ખૂબ સરસ રચના અને આસ્વાદ

  4. Ramesh Maru said,

    January 31, 2025 @ 6:47 PM

    વાહ…ખૂબ સુંદર આધ્યાત્મિક ગીત…

  5. Dhruti Modi said,

    February 2, 2025 @ 5:01 AM

    આધ્યાત્માની આ કવિતા સાચી ભક્તિ જ છે. પરમ તત્વ સાથે જેનુંજીવન જોડાયેલું છે તે એક અલિપ્ત વ્યક્તિત્વ છે જેને પરમતત્ત્વની કૃપા મળી છે .

  6. Dr.Bhuma Vashi said,

    February 3, 2025 @ 10:09 AM

    ખૂબ સુંદર રચના….

  7. પૂજ્ય બાપુ said,

    February 6, 2025 @ 11:06 AM

    વિવેકભાઈ!
    ખૂબ ખૂબ આભાર સાથે પ્રેમ પહોંચે.
    હરિ ઓમ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment