લાજ ન રહીએ – અખો
લાજુ લાજ ન રહીએ, સહી એ
. ઐસા લાગ ગયા ન આવે રે!
નીડર હોકર જે જઈ લાગે,
. સો શામ અનેરા પાવે રે!
. લાજુ, લાજ ન રહીએ!
ગલે બાંહાંકા સુખ જયુનૂં નહીં દેખ્યા,
. સો બાહાર ફરે બુધ્યહીણી રે,
ચતુરપણાં મૂરખ હોય નીમડ્યા,
. જો તું વાત ન સમજી ઝીણી રે
. લાજુ, લાજ ન રહીએ!
બારે માસ રહે ઘૂંઘરટી,
. મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
. જો તું સાથી કંઠ ન લાગી રે!
. લાજુ, લાજ ન રહીએ!
ચલે સહિજ મેં હરતી ફરતી
. લેવે લ્હાવા – પણ લૂખી રે,
આછા અંગ દેખાવે લોકા
. પણ ભોગ બીના તું ભૂખી રે!
. લાજુ, લાજ ન રહીએ!
લટકા લાલાલનકા લ્હાવા,
. લીના નહિ જશ નારે રે,
સો ભૂલી ભામ્યની મહાભૂંડી,
. કહ્યા બહોત સુનારે રે!
. લાજુ, લાજ ન રહીએ!
– અખો
અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.
જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.
જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)
Kajal kanjiya said,
June 25, 2020 @ 4:13 AM
સરસ
સ્નેહલ said,
June 25, 2020 @ 4:53 AM
અહા…. અખાની અજાણી બાજુ પ્રથમ વખત જાણી. અભિનંદન અને આભાર.
Pravin Shah said,
June 25, 2020 @ 7:11 AM
વાહ ! વાહ ! ખૂબ સરસ !
વિવેકભાઇના રસદર્શનથી વધુ મઝા આવી.
આસિફખાં said,
June 25, 2020 @ 9:58 AM
વાહ ખૂબ સુંદર
આસ્વાદ વગર મજા ન આવતે
અફલાતૂન આસ્વાદ
pragnajuvyas said,
June 25, 2020 @ 11:22 AM
અખાનુ ભક્તિપદ લાજ ન રહીએ નો ડો વિવેક દ્વારા સ રસ આસ્વાદ
‘;જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે’ આટલુ સમજાય તો જ આધ્યાત્મ જગતની ગૂઢ વાત સમજાય.
બારે માસ રહે ઘૂંઘરટી,
. મન જાણે હું જાગી રે,
જાગણ તેરા નીંદ સરીખા,
. જો તું સાથી કંઠ ન લાગી રે!
. લાજુ, લાજ ન રહીએ!! ધન્ય ધન્ય
અખાના દોહા – પદ આપણાં મન પર ચંદનનો લેપ કરે છે અને શાતા આપે છે. આપણે ઘૂંઘટનો પટ ખોલવાનો હોય છે. આપણી અને પ્રિયતમની આડે આ જે પટ છે એ આડો આવે છે. આપણો ચહેરો ઢંકાયેલો છે અને પરમાત્માનો ચહેરો ખુલ્લો છે. આ પટ ખસી જાય તો પરમેશ્વરનો સાક્ષાત્કાર થાય.
આ ઘૂંઘટ એટલે આપણાં કામ, ક્રોધ, લોભ,મોહ. મદ, મત્સર ઇત્યાદિ. ટૂંકમાં આપણો પ્રલંબ અહમ્ . અહમ ખસે તો ‘સોહમ્’ મળે.
Bharat Bhatt said,
June 26, 2020 @ 12:06 AM
અખાનું આ ભક્તિ પદ વાંચનમાં મુકવા બદલ આભાર । સાથેજ વિવેકભાઈ નું સુંદર વર્ણન. છપ્પા તો ઘણા વાંચ્યા પણ આ પદને વાંચવાનો મોકો લયસ્તરો મારફતે મળ્યો. છપ્પ|માં સામાજિક કટાક્ષ અને આ પદમા પણ શિખામણ સાથે આછેરો કટાક્ષ. જો જો રહી જતા સુંદરપળો માણ્યા વગર!! અભિનંદન।
હરિહર શુક્લ said,
June 26, 2020 @ 1:26 AM
વાહ વાહ, મોજ કરાવી 👌👌👌💐
જો અખાનું નામ લખ્યા વગર પોસ્ટ મૂકી હોત તો નખશીખ મીરાં નું ભજન લાગત👌
વિવેક said,
June 26, 2020 @ 1:29 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો આભાર…
આરતી સોની said,
June 27, 2020 @ 9:38 PM
Wahhh
Khub Sara’s