તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
ડૉ. હરીશ ઠક્કર

સૂફીનામા : ૦૬ : વ્હાલમ! આવો મારે ઘેર – કબીર

વ્હાલમ! આવો મારે ઘેર રે,
તમ બિન દુઃખી તન ઢેર રે.

સૌ કહે હું નારી તારી,
મને જ આ સંદેહ રે;
એક મેક થઈએ, સંગ ન સૂઈએ
ત્યાં લગી કેવો સ્નેહ રે?

અન્ન ન ભાવે, ઊંઘ ન આવે,
ઘર વન ધરે ન ધીર રે,
જેમ કામીને કામિની પ્યારી
જેમ તરસ્યાને નીર રે.

છે કોઈ એવો પરોપકારી
પ્રિયને કહી સંભળાવે રે,
‘કબીર’ હવે બેહાલ થયા છે
વણદેખ્યે જીવ જાવે રે.

– કબીર
(અનુ.: વિવેક મનહર ટેલર)

સૂફીવાદ અથવા તસવ્વુફ શબ્દ બોલતાંની સાથે આપણી નજર સામે માથે ઊંચી સફેદ ટોપી અને શરીરે લાંબો-ખુલતો સફેદ ચોગો પહેરીને નિજાનંદમાં ગોળ ગોળ ફર્યે રાખતા દરવેશની છબી આવી ઊભે. અથવા આબિદા પરવીન, નુસરત ફતેહ અલી ખાન જેવા ગાયકોનું સ્મરણ થાય. સાહિત્યમાં થોડોઘણો પણ રસ હોય એની નજર સામે અમીર ખુશરો, રૂમી, ગુલામ ફરીદ, મન્સુર, રાબિયા જેવા કવિઓ તરવરી ઊઠે. માન્યું કે પ્રવર્તમાન સૂફીવાદના મૂળ ઈસ્લામમાં પડેલાં છે અને સૂફી કલામ મુસ્લિમ ધર્મમાંથી લંબાયેલી ડાળ છે, પણ ભારતીય સાહિત્યનો ઇતિહાસ ચકાસીએ તો આપણે ત્યાં ઘણાં કવિઓની કલમ સૂફીવાદની વિચારધારાને મળતી આવે છે.

સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે:

૧) રુઢિચુસ્ત ઈસ્લામ ધર્મ બાહ્યાચાર અને ધાર્મિક વિધિઓના આંધળા પાલનનું સમર્થન કરે છે, જ્યારે સૂફી દરવેશ આંતરિક આંતરિક શુદ્ધિની આરત રાખે છે.
૨) સૂફી દરવેશ ઈશ્વરને પોતાની માશૂકા ગણે છે અને માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
૩) પ્રેમ અને સમર્પણ ઈશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.
૪) સૂફીવાદમાં સૌથી ઊંચુ સ્થાન ગુરુ (મુર્શીદ/પીર)નું છે.
૫) સમર્પણ નમાઝ અને રોજાથીય ઊંચું સ્થાન ધરાવે છે.
૬) સૂફીવાદ જાતિ વ્યવસ્થામાં માનતો નથી.
૭) સૂફીવાદ સાદા-સરળ જીવનનો હિમાયતી છે.

આપણે ત્યાં જયદેવ, વલ્લભાચાર્ય, આણ્ડાળ, વિદ્યાપતિ, કબીર, લાલ દીદ, નરસિંહ, મીરાં જેવા અનેકાનેક કવિઓ થઈ ગયા છે, જેમની રચનાઓ અને જીવનશૈલીમાં આ તમામ સિદ્ધાંતો વણાયેલા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ઈસ્લામિક દેશોમાં અને આપણે ત્યાં સૂફીવાદી ભક્તિવિચારધારાઓનો સમાંતરે અને સ્વતંત્રપણે વિકાસ થયો છે.

કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. પ્રભુને વહાલમ કહીને એ ઘરે બોલાવે છે, કેમ કે એના વિના આ કાયા દુઃખી દુઃખી છે. લોકોના કહેવા મુજબ કબીર ઈશ્વરની પત્ની છે પણ કબીરને આ વાત પર શંકા છે કેમ કે જ્યાં સુધી બે જણ એક ન થાય, સાથે એક સેજ પર સૂઈ ન જાય ત્યાં સુધી સ્નેહસંબંધ વળી કેવો? કેવી ચતુરાઈથી ઈશ્વરને પોતાને એકરૂપ કરી દેવા માટે કબીર ઉકસાવે છે! પ્રભુના પ્રેમમાં નથી અન્ન ભાવતું, નથી ઊંઘ આવતી, ઘરમાં રહે કે વનમાં, ધીરજ ખૂટી રહી છે અને જેમ કામીને સ્ત્રી પ્યારી હોય અને તરસ્યાને પાણી, બરાબર એ જ તીવ્રતાથી કબીરને પ્રભુની આરત છે. હવે તો કોઈ પરોપકારી મળે અને ઈશ્વરને કબીરના બેહાલ હાલની વાત કહી સંભળાવે તો ઠીક, બાકી કબીરના પ્રાણ પ્રભુદર્શન ન થવાના લઈને નીકળવા પર છે.

*

बालम आवो हमारे गेह रे,
तुम बिन दुखिया देह रे।

सब कोई कहै तुम्हारी नारी
मो कों यह संदेह रे;
इक मिक होये सेज न सोये
तब लग कैसो स्नेह रे।

अन्न न भावै नींद न आवै
गृह बन धरै न धीर रे,
ज्यों कामी को कामिनी प्यारी
ज्यों प्यासे को नीर रे।

है कोई ऐसा पर-उपकारी
पिय से कहै सुनाय रे,
अब तो बेहाल ‘कबीर’ भये हैं
बिन देखे जिया जाय रे।

– कबीर

5 Comments »

  1. ધવલ said,

    December 9, 2019 @ 8:07 AM

    સરસ ! કબીર અને રૂમીમાં ઘણું બધું સરખું જોવા મળે છે. જો કે રૂમીની વાતો વધારે અમૂર્ત હોય છે.

  2. Nehal said,

    December 9, 2019 @ 8:33 AM

    લયસ્તરો ને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. દર વર્ષની જેમ આ ઉજવણી માં પણ એકથી એક ચઢિયાતી રચનાઓ અને અભ્યાસપૂર્ણ આસ્વાદ રજૂ કરવામાં આવી રહ્યો છે. અમને સૌને સાહિત્ય અને કવિતા સાથે અદ્ભૂત જ્ઞાન પીરસવા માટે ખૂબ ખૂબ આભાર. આ પરંપરા આવનારા વર્ષોમાં ચાલુ રહે એવી અભ્યર્થના.

  3. pragnajuvyas said,

    December 9, 2019 @ 1:50 PM

    મા ડૉ વિવેકે સૂફી વિચારધારાના મુખ્ય સિદ્ધાંત સાથે કબીરની આ રચનામાંથી પણ સૂફીના ઊંડા પડઘા ઊઠતા સંભળાય છે. કબિરનુ આકર્ષણ તત્વ સચ્ચાઈ ,શ્રધા, નીડરતા કે સહજતા. સ્વયં અનુભવેલી પ્રભુ સાથેની એક્મ્યતા આ રચનાની લાક્ષણીકતા છે.
    એક મેક થઈએ, સંગ ન સૂઈએ
    ત્યાં લગી કેવો સ્નેહ રે? સ્ત્રી બની ને પ્રેમ કરતા,ઝગડતા, ફરિયાદ કરતા, રીસાતા,આજ પ્રિયસી ભાવ પ્રભુ સાથેનું એકત્વ છે, આ રચના આધ્યાત્મિક ઉંડાણ વાળી જ છે.
    છે કોઈ એવો પરોપકારી
    પ્રિયને કહી સંભળાવે રે,
    ‘કબીર’ હવે બેહાલ થયા છે
    વણદેખ્યે જીવ જાવે રે.
    આ માશૂક તરીકે એને ભજીને એની સાથે એકાકાર થવાની ઝંખના ધરાવે છે.
    મધુર ભાવ ની રચના નો મધુરો આસ્વાદ ધન્યવાદ

  4. Shriya Shah said,

    December 11, 2019 @ 12:26 PM

    વિવેક સુફી સિધન્તો વિશે ખુબજ સુન્દર સમજાવવા માટે ખુબજ અભિનન્દન! કબિરની આ રચના મને ઘણીજ ગમેે છે. https://www.youtube.com/watch?v=SUlLFFxBylY

  5. વિવેક said,

    December 12, 2019 @ 1:13 AM

    આભાર દોસ્તો….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment