મુકુન્દરાય પારાશર્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 20, 2023 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મુકુન્દરાય પારાશર્ય
એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો
‘ઈતિહાસ વિશે પ્રશ્ન ક્યો મોટો છે?’
વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથ ફરે
કુરુક્ષેત્ર? ટ્રોય? તણો ઇતિહાસ ખોટો છે!
ફ્રેંન્ચ રાજ્યક્રાંતિ? એવી ક્રાંતિનોય જોટો છે!
રાજ્યમાં સુધારા? ધારાફેરનો ક્યાં તોટો છે?
વીજળી કે સંચાશોધ? એ તો પ્રશ્ન છોટો છે!
નોખાનોખા ધર્મ પંથ? અરે એમાં ગોટો છે!
‘સિપાઈના બળવા’ના વાંસા ઉપર સોટો છે!
સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે.
છેલ્લે બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે,
’સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’
– મુકુન્દરાય વિ. પારાશર્ય
મનહર છંદની મસ્તીમાં ગાવાની મજા પડે એવી આ રચના છે. આપણે ત્યાં હળવા વ્યંગની રચનાઓ આમેય ઓછી જ જોવા મળે છે. ઇતિહાસમાં કયો સવાલ સહુથી મોટો છે એ બાબતે આખો વર્ગ વાદે ચડે છે. કુરુક્ષેત્રથી શરૂ થઈ સત્યાગ્રહ સુધીના પ્રસંગોની ચર્ચા અને સાથોસાથ દરેકને રદિયો દેવાની કથનરીતિ કાવ્યને વધુ મજેદાર બનાવે છે. છેલ્લી બાંક પર બેસેલ એક ગરીબ છોકરો જે જવાબ આપે છે એ જવાબ હળવા હાસ્ય સાથે કાવ્યમાં ગતિ કરતાં આપણા સહુના અવાજને અચાનક ગળગળો બનાવી દે એવો છે.
કોઈ એક સામયિકમાં પ્રકાશિત થયેલું આ કાવ્ય મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતીના અનસીનના પે૫૨માં પ્રશ્નરૂપે પૂછાયું હતું ત્યારે કવિનું વય માત્ર સોળ વર્ષનું હતું.
Permalink
March 25, 2022 at 10:59 AM by વિવેક · Filed under મુકુન્દરાય પારાશર્ય, મુક્તક, શ્લોક
ઝૂંટી કૃષ્ણની મોરલી હઠ કરી રાધા કદંબે ચડી,
આનંદે અધરે ધરી સ્વરસુધા વ્હેતી કરી ના કરી :
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.
– મુકુન્દરાય પારાશર્ય
શાર્દૂલવિક્રીડિત છંદમાં કેવળ ચાર પંક્તિનો શ્લોક. પણ કેવો અદભુત! રાધા-કૃષ્ણ કે ગોપી-કૃષ્ણની વાતો તો સેંકડો કવિઓએ હજારો કવિતાઓમાં ગાયે રાખી છે, પણ સાચો કવિ જ એ જે તમામ ઉપલબ્ધ અભિવ્યક્તિઓથી આગળ વધીને કંઈક નવી વાત કરે…
કૃષ્ણ પાસેથી એની મોરલી ઝૂંટવી લઈને હઠીલી રાધા કૃષ્ણ જે ઝાડ પર ચડીને સૂરાવલિ રેલાવી સૃષ્ટિ આખીને મંત્રમુગ્ધ કરતા, એ જ કદંબ વૃક્ષ પર ચડી ગઈ. આટલું અપૂરતું હોય એમ કૃષ્ણની જ અદામાં આનંદિત હૈયે મોરલીમાંથી સ્વરસુધા પણ એ વહેતી કરે છે… કૃષ્ણની મોરલીમાંથી રેલાતા સંગીતનો પ્રભાવ તો જુઓ! રાધા પોતે વેણુ વગાડી રહી હોવા છતાં વાંસળીમાંથી વહેતા સૂર કૃષ્ણવાદિત જ હોવાનું અનુભવે છે અને ધ્યાનસ્થ થઈ જાય છે. પ્રેમભક્તિની આ કેવી પરાકાષ્ઠા! સમર્પણનો આ કેવો જાદુ! શ્વાસ સમ સહજતાથી સ્વ ઓગળી જાય એ જ સાચી ભક્તિ! એ જ સાચો પ્રેમ! અને સ્વાર્પણની ચોટીએ બિરાજમાન રાધાને જોઈને શ્રીકૃષ્ણ પોતે પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિમાં ઓગળી જવા લાગ્યા.
છેલ્લી બે પંક્તિઓને એક જ વાક્ય હોવાનું ગણી લઈએ તો એમ પણ અર્થ કરી શકાય કે ભક્તે ભગવાનનું રૂપ ધારી લીધું તો ભગવાનને ભક્તનું રૂપ લેવાની ફરજ પડી. પોતાની વાંસળી સાંભળીને જે રીતે ગોપ-ગોપિકા સાનભાન ભૂલી જતાં હતાં, અદ્દલોદ્દલ એ જ રીતે કૃષ્ણ પોતે રાધાના મુખેથી પોતાની વાંસળીના સૂર સાંભળી કૃષ્ણ હોવાનું વિસરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા અને પ્રણયની સંતૃપ્તિમાં ઓગળવા લાગ્યા…
કેવી અદભુત કવિતા! કેવું વિશિષ્ટ કવિકર્મ!
Permalink
October 10, 2009 at 1:04 AM by વિવેક · Filed under ગીત, મુકુન્દરાય પારાશર્ય
બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં
બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં
બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં
બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં
બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં
-મુકુન્દરાય પારાશર્ય
બધી વાત કંઈ ખોલી-ખુલીને કહેવાની હોતી નથી. બાંધી મુઠ્ઠી લાખની જાણતા હોવા છતાં મનુષ્યની પ્રકૃતિ જ કંઈક એવી છે કે એને માંડીને વાત કહેવાની તાલાવેલી લાગતી રહે છે. એક ઠંડી ખુશનુમા હવાના સાંનિધ્યમાં સુંદર સૂર્યાસ્ત માણતાં હોઈએ ત્યારે શબ્દોનો વિનિમય વૃથા અને ક્યારેક સૌંદર્યપાનમાં વ્યવધાનરૂપ પણ હોય છે.. છતાં આપણને બોલ્યા વિના ચાલતું નથી કે શું સરસ સૂર્યાસ્ત છે!
બે સાહેલીની વાતચીતના રૂપમાં કવિ અહીં એ જ બોધ આપે છે. છીપલી બંધાતી હોય ત્યારે ખોલી કાઢીએ તો? સ્વાતિ નક્ષત્રમાંથી વરસેલું જળ પણ નકામું જાય અને મોતી બને જ નહીં. કળી પણ ઋતુવરનો સ્પર્થ થાય એ પહેલાં જ એ કાચી હોય ત્યારે તોડી નાંખીએ તો પછી પુષ્પ અને પમરાટ ક્યાંથી નસીબ થવાના? ઈશ્વરને પામવા હોય તો હું પદ છોડીને પહેલાં પુષ્પમાળા બનવું પડે… વ્યક્તિત્વના પુષ્પોની સુગ્રથિત માળા ન બનીએ તો પ્રભુકંઠ શી રીતે નસીબ થાય?
Permalink
June 19, 2009 at 12:30 AM by વિવેક · Filed under ભક્તિપદ, મુકુન્દરાય પારાશર્ય, મુકુન્દરાય વિ. પટ્ટણી
હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?
હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?
હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?
હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?
હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?
-મુકુંદરાય પારાશર્ય
મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા. અવસાન: ૨૦-૦૫-૧૯૮૫. બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !
Permalink