ભક્તિ – મુકુન્દરાય પારાશર્ય
ઝૂંટી કૃષ્ણની મોરલી હઠ કરી રાધા કદંબે ચડી,
આનંદે અધરે ધરી સ્વરસુધા વ્હેતી કરી ના કરી :
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.
– મુકુન્દરાય પારાશર્ય
શાર્દૂલવિક્રીડિત છંદમાં કેવળ ચાર પંક્તિનો શ્લોક. પણ કેવો અદભુત! રાધા-કૃષ્ણ કે ગોપી-કૃષ્ણની વાતો તો સેંકડો કવિઓએ હજારો કવિતાઓમાં ગાયે રાખી છે, પણ સાચો કવિ જ એ જે તમામ ઉપલબ્ધ અભિવ્યક્તિઓથી આગળ વધીને કંઈક નવી વાત કરે…
કૃષ્ણ પાસેથી એની મોરલી ઝૂંટવી લઈને હઠીલી રાધા કૃષ્ણ જે ઝાડ પર ચડીને સૂરાવલિ રેલાવી સૃષ્ટિ આખીને મંત્રમુગ્ધ કરતા, એ જ કદંબ વૃક્ષ પર ચડી ગઈ. આટલું અપૂરતું હોય એમ કૃષ્ણની જ અદામાં આનંદિત હૈયે મોરલીમાંથી સ્વરસુધા પણ એ વહેતી કરે છે… કૃષ્ણની મોરલીમાંથી રેલાતા સંગીતનો પ્રભાવ તો જુઓ! રાધા પોતે વેણુ વગાડી રહી હોવા છતાં વાંસળીમાંથી વહેતા સૂર કૃષ્ણવાદિત જ હોવાનું અનુભવે છે અને ધ્યાનસ્થ થઈ જાય છે. પ્રેમભક્તિની આ કેવી પરાકાષ્ઠા! સમર્પણનો આ કેવો જાદુ! શ્વાસ સમ સહજતાથી સ્વ ઓગળી જાય એ જ સાચી ભક્તિ! એ જ સાચો પ્રેમ! અને સ્વાર્પણની ચોટીએ બિરાજમાન રાધાને જોઈને શ્રીકૃષ્ણ પોતે પ્રણયની સંતૃપ્તિની અનુભૂતિમાં ઓગળી જવા લાગ્યા.
છેલ્લી બે પંક્તિઓને એક જ વાક્ય હોવાનું ગણી લઈએ તો એમ પણ અર્થ કરી શકાય કે ભક્તે ભગવાનનું રૂપ ધારી લીધું તો ભગવાનને ભક્તનું રૂપ લેવાની ફરજ પડી. પોતાની વાંસળી સાંભળીને જે રીતે ગોપ-ગોપિકા સાનભાન ભૂલી જતાં હતાં, અદ્દલોદ્દલ એ જ રીતે કૃષ્ણ પોતે રાધાના મુખેથી પોતાની વાંસળીના સૂર સાંભળી કૃષ્ણ હોવાનું વિસરી જઈ ધ્યાનસ્થ થઈ ગયા અને પ્રણયની સંતૃપ્તિમાં ઓગળવા લાગ્યા…
કેવી અદભુત કવિતા! કેવું વિશિષ્ટ કવિકર્મ!
Harihar Shukla said,
March 25, 2022 @ 4:48 PM
… પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ!
સંતૃપ્ત થઈ ગયા એટલે હવે વધુની જગા જ નથી👌
પ્રજ્ઞા વશી said,
March 26, 2022 @ 6:44 AM
ખૂબ સરસ કવિતા
ચાર પંક્તિઓમાં મોરબીનો જાદું
ભક્ત અને ભગવાનનું ઐક્ય , વાહ કવિ
saryu parikh said,
March 27, 2022 @ 2:01 AM
વાહ્ અમારા ભાવનગરના, શ્રેી મુકુંદભાઈ, મારા મામા નાથાલાલ દવેના પરમમિત્ર. આ પંક્તિઓ સાથે ઘણી યાદો …
સરયૂ પરીખ્
DR. SEJAL said,
March 27, 2022 @ 4:19 PM
ખૂબ સરસ કાવ્ય…કૃષ્ણવાદિત ..વાહ
Shah Raxa said,
March 27, 2022 @ 6:33 PM
વાહ..વાહ..કેવું સરસ કવિકર્મ…..વંદન…🙏
Sangita Sunil chauhan said,
March 27, 2022 @ 7:59 PM
રાધાના દિવ્ય પ્રણયની સતત સાક્ષી રહેલી વાંસળી, સૂરોમાં જ પ્રાપ્ત થઇ જતો દિવ્યાનંદ…. ! એ જ પરમાનંદ!
Poonam said,
March 31, 2022 @ 10:39 AM
ત્યાં તો એ સ્વર કૃષ્ણવાદિત ગણી ધ્યાનસ્થ જાતે થઈ
એ જોતાં ગળતા ગયા પ્રણયની સંતૃપ્તિમાં શ્રીહરિ.
– મુકુન્દરાય પારાશર્ય – surili kavita !