ગામ આખું ફર્યા એમ માની ‘નયન’
એનું ઘર આવવાનું આ ફળિયા પછી
નયન દેસાઈ

મોટો પ્રશ્ન – મુકુન્દરાય વિ. પારાશર્ય

એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો
‘ઈતિહાસ વિશે પ્રશ્ન ક્યો મોટો છે?’

વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથ ફરે

કુરુક્ષેત્ર? ટ્રોય? તણો ઇતિહાસ ખોટો છે!
ફ્રેંન્ચ રાજ્યક્રાંતિ? એવી ક્રાંતિનોય જોટો છે!

રાજ્યમાં સુધારા? ધારાફેરનો ક્યાં તોટો છે?
વીજળી કે સંચાશોધ? એ તો પ્રશ્ન છોટો છે!

નોખાનોખા ધર્મ પંથ? અરે એમાં ગોટો છે!
‘સિપાઈના બળવા’ના વાંસા ઉપર સોટો છે!

સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે.

છેલ્લે બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે,
’સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’

– મુકુન્દરાય વિ. પારાશર્ય

મનહર છંદની મસ્તીમાં ગાવાની મજા પડે એવી આ રચના છે. આપણે ત્યાં હળવા વ્યંગની રચનાઓ આમેય ઓછી જ જોવા મળે છે. ઇતિહાસમાં કયો સવાલ સહુથી મોટો છે એ બાબતે આખો વર્ગ વાદે ચડે છે. કુરુક્ષેત્રથી શરૂ થઈ સત્યાગ્રહ સુધીના પ્રસંગોની ચર્ચા અને સાથોસાથ દરેકને રદિયો દેવાની કથનરીતિ કાવ્યને વધુ મજેદાર બનાવે છે. છેલ્લી બાંક પર બેસેલ એક ગરીબ છોકરો જે જવાબ આપે છે એ જવાબ હળવા હાસ્ય સાથે કાવ્યમાં ગતિ કરતાં આપણા સહુના અવાજને અચાનક ગળગળો બનાવી દે એવો છે.

કોઈ એક સામયિકમાં પ્રકાશિત થયેલું આ કાવ્ય મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતીના અનસીનના પે૫૨માં પ્રશ્નરૂપે પૂછાયું હતું ત્યારે કવિનું વય માત્ર સોળ વર્ષનું હતું.

3 Comments »

  1. pragnajuvyas said,

    May 20, 2023 @ 2:30 AM

    કવિશ્રી મુકુંદરાય પારાશર્યના આ કાવ્યનો છંદ, લય અને ગૂઢાર્થ દલપતરામની શૈલી જેટલો જ સરળ છે.શાળાના શિક્ષક બાળકોને પ્રશ્ન કરે છે કે ઇતિહાસની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન કયો છે ? એક પછી એક વિશ્વની ઘટનાઓની યાદ વિદ્યાર્થીઓ તાજી કરતા જાય છે અને છતાં એ બધી જ ઘટનાઓ શિક્ષકને નાની લાગે છે. આવા સમયે છેલ્લી બેન્ચે બેસેલો એક છેલ્લો રાંક છોકરો જવાબ આપે છે. સાહેબ…સાહેબ સૌથી મોટો પ્રશ્ન તો રોટલાનો છે.બુભુક્ષિતમ્ કિમ ન કરોતિ પાપમ્ ?
    યાદ આવે…
    હળવે હાથે થાબડી ધીરે, મા પકવે એ ધીરે તાપ કે મીઠો માં નો રોટલો…
    ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
    શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.
    રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
    મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

  2. Poonam said,

    June 9, 2023 @ 8:16 PM

    સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
    આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે. Waah !
    – મુકુન્દરાય વિ. પારાશર્ય –
    Aasawad 👌🏻

  3. લલિત ત્રિવેદી said,

    September 15, 2023 @ 11:42 PM

    સરળ લાગતું સોંસરવું ગીત.. પરમ પુજ્ય કવિ ની પ્રસાદી… પ્રણામ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment