ગીત – મુકુન્દરાય પારાશર્ય
હરિ! મને કોકિલ બનાવી વનમાં મૂકિયો,
વળી તમે વસંત બનીને વિલસ્યા પાસ:
હવે હું મૂંગો કયમ રહું?
હરિ! મને ઝરણ બનાવી ગિરિથી દોડવ્યો,
વળી તમે દરિયો થઈ દીધી દિલે આશ:
હવે હું સૂતો કયમ રહું?
હરિ! મને સુવાસ બનાવી કળિયું ખીલવી,
વળી, તમે પવનો થઈ પ્રસર્યા ચોપાસ:
હવે હું બાંઘ્યો કેમ રહું?
હરિ! મને દીપક પેટાવી દિવેલ પૂરિયાં,
વળી તમે ફરતા ફેલાયા થઈ આકાશ:
હવે હું ઢાંકયો કયમ રહું?
હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો,
વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ:
હવે હું જુદો કયમ રહું?
-મુકુંદરાય પારાશર્ય
મૂળ નામ મુકુંદરાય વિજયશંકર પટ્ટણી. જન્મ: ૧૩-૦૨-૧૯૧૪ના રોજ મોરબી ખાતે. વતન કોટડા. અવસાન: ૨૦-૦૫-૧૯૮૫. બી.એ. સુધીનો અભ્યાસ અને માલવાહક જહાજમાં નોકરી કરી. કાવ્ય સંગ્રહ: ‘અર્ચન’ (૧૯૩૮, પ્રબોધ ભટ્ટ સાથે) અને ‘સંસૃતિ’ (૧૯૪૧), ‘ફૂલ ફાગણનાં’ (૧૯૫૬), ‘દીપમાળા’ (૧૯૬૦), ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦), ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯), ‘ભદ્રા’ (૧૯૮૧), ‘અલકા’ (૧૯૮૧). ૧૯૭૮માં એમને નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો હતો.
પ્રસ્તુત ભજનપદમાં કવિનો તીવ્ર ઈશ્વરાનુરાગ છલકે છે. અલગ-અલગ રીતે કવિ એક જ વાત કરે છે. ઈશ્વરે જીવન આપ્યું છે પણ છોડી મૂક્યા નથી. જીવની ફરતે જ એ વસે છે. કોકિલ અને વસંત, ઝરણું અને દરિયો, સુવાસ અને પવન, દીપક અને આકાશ, હું અને પરમ – પ્રભુ આપણાં હોવાપણાંની ફરતે એ રીતે વિલસે છે કે આપણું વિકસવું સફળ બની રહે. એકબાજુ એણે હુંપદ આપ્યું છે તો બીજી તરફ એણે પુરુષાર્થ આપ્યો છે અને સામે એ ઊભો છે પરમપદ થઈને, જાણે કે આહ્વાન આપે છે કે આવ.. કર પુરુષાર્થ અને બન જીવમાંથી શિવ !