ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
સુધીર પટેલ

આવકાર સપ્તાહ: ૦૩ : પ્રણયોત્સવ-૦૨ – પારસ પટેલ

*

ગઈકાલે આપણે કવિના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવના પ્રથમ ભાગને આવકાર્યો. આજે પ્રણયોત્સવના બીજા ભાગને પણ આવકારીએ… ગઈકાલે પહેલા ભાગમાંથી એક ગઝલ માણી, આજે બીજા ભાગમાંથી પસંદગીના શેરોનો આસ્વાદ લઈએ…

આમ ના તાકી રહે મારી તરફ,
મા નથી ઘરમાં નજર ઉતારવા.

છોકરીને આજથી સત્તર થયાં,
ગામના કૈં છોકરા અત્તર થયા.

અપ્સરાઓ ને મદિરા ખૂબ મળશે સ્વર્ગમાં,
બસ, ગઝલનો ગ્રંથ સાથે લઈ જવા દે શામળા.

બડો બાદશાહી ખજાનો મળ્યો છે,
મને એક કાગળ મજાનો મળ્યો છે.

સ્વર્ગની વાતો વડે અંજાઈને,
આયખું સંકેલવા જેવું નથી.

અમારો હાથ એણે હાથમાં લઈ સહેજ જ્યાં દાબ્યો,
ઉમળકામાં મને બહોળો અનુભવ સાફ દેખાયો.

એકદમ ટાઢક વળે છે તાપમાં,
એ અગર સામે મળે છે તાપમાં.

સમી સાંજ ને આ કથા આદરી છે,
અમે ખામખા આ વ્યથા આદરી છે.

કેમનું શોધું તમારું ઘર અજાણ્યા ગામમાં,
ગામ આખામાં અબોલા છે તમારા કારણે!

એક ભમરો ફૂલ પર બેઠો અને
મોગરાની ડાળ શરમાતી રહી.

તમે ખંજર હુલાવીને મને બેમોત ના મારો,
મને તાકી રહો તો પણ તમારું કામ થૈ જાશે.

કોઈ પણ કાનૂન-બંધારણ વગર,
આંખથી હિંસા કરે કારણ વગર.

છે નગર મારું છતાં ભટકી જવાની ટેવ છે,
એમની શેરી મહીં અટકી જવાની ટેવ છે.

ગામડા ને શહેરની વચમાં રહ્યો,
સહેજ ભોળો, સહેજ લાલચમાં રહ્યો.

ચાંદ ને તારા બતાવે, પણ કશું આપે નહીં,
કોઈ મોટા દેશની સરકાર જેવી છોકરી.

હસાવે છે, રડાવે છે, નચાવે છે, નઠારી છે,
તમાશાઓ કરાવે છે, મહોબત તો મદારી છે.

તમારી એક ના પર જિંદગી બરબાદ! એ કરતાં
મનોમન ચાહવાની આ અવસ્થા ખૂબ સારી છે.

એના ઘરમાં બેઠો છું ને,
કેમ મને મારું ઘર લાગે?

– પારસ પટેલ

10 Comments »

  1. Shah Raxa said,

    March 11, 2026 @ 10:52 AM

    વાહ…👌👌

  2. Aasifkhan Pathan said,

    March 11, 2026 @ 11:07 AM

    સરસ

  3. અગન રાજ્યગુરુ said,

    March 11, 2026 @ 11:36 AM

    વાહ.

  4. Vrajlal Savaliya said,

    March 11, 2026 @ 2:42 PM

    વાહ

  5. Kishor Ahya said,

    March 11, 2026 @ 4:01 PM

    ‘પ્રણયોત્સવ’ દરેક સમયે પૃથ્વી પર મોજુદ હતો ,છે ,અને રહેશે. મનુષ્ય જીવનનો એક માત્ર હેતુ સુષ્ટિ પર પર પ્રેમને પાંગરાવી પ્રેમને જીવવાનો છે! પ્રેમ પર થોડા હળવા કટાક્ષવાળા બધા શેર મજાના થયા છે.

    શ્રી પારસ પટેલ રચિત કાવ્ય સંગ્રહ ‘પ્રણયોત્સવ’ ભાગ-૨ નું સ્વાગત છે…

    🌹🌹🌹🌹

  6. Vrajesh Mistri said,

    March 12, 2026 @ 11:31 AM

    Wah… નજર વાળો શેર

  7. Hemaxi Shah said,

    March 13, 2026 @ 1:34 PM

    વાહ…ખૂબ સરસ
    મજાના શેર
    શ્રી પારસ પટેલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐

  8. DILIP DHOLAKIYA SHYAM said,

    March 13, 2026 @ 8:09 PM

    વાહ.. વાહ…🌹
    સ્વાગત સહ કવિ શ્રીને અભિનંદન🌹🌹🎉🎉

  9. DILIP DHOLAKIYA SHYAM said,

    March 13, 2026 @ 8:10 PM

    વાહ.. વાહ…🌹
    સ્વાગત સહ કવિ શ્રીને અભિનંદન🌹🌹🎉🎉

  10. Poonam said,

    March 30, 2026 @ 4:17 PM

    કોઈ પણ કાનૂન-બંધારણ વગર,
    આંખથી હિંસા કરે કારણ વગર. Uff…Kya baat !
    – પારસ પટેલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment