હરિ ગીત – રવીન્દ્ર પારેખ
હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.
અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.
ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?
કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !
-રવીન્દ્ર પારેખ
અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…
ઊર્મિસાગર said,
October 23, 2006 @ 1:49 PM
કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !
બ્રહ્માંડે બાથ ભીડવાની વાત તો અંતરને સ્પર્શી ગઇ…
ખૂબ જ સુંદર ગીત છે, વિવેકભાઇ!!
dilip patel said,
October 23, 2006 @ 9:28 PM
સુંદર મજાનું હરિગીત . રવીન્દ્રભાઈ પારેખ તેમજ વિવેકભાઈને અભિનંદન.
rajnikant shah said,
January 2, 2012 @ 11:01 PM
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?